જળ વાયુ પરિવર્તન એ આવનારા સમયમા ગંભીર પરિણામો લાવી શકે છે. બિહાર, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર અને પંજાબ સહિત દેશના 9 રાજ્યો જળવાયુ પરિવર્તનના મોટા જોખમનો સામનો કરી રહ્યા છે. આ રિપોર્ટ ક્રોસ ડિપેન્ડન્સી ઇનિશિયેટિવ દ્વારા વર્ષ 2050ને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યો છે, જેમાં વિશ્વના 2,600 રાજ્યો અને પ્રદેશોને આવરી લેવામાં આવ્યા છે. અહેવાલમાં, માનવીય પ્રવૃત્તિઓ અને મકાનોથી લઈને ઈમારતો સુધી, માનવ નિર્મિત પર્યાવરણને ક્લાઈમેટ ચેન્જ અને આત્યંતિક હવામાન પરિસ્થિતિઓને કારણે થતા નુકસાનની આગાહી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. રિપોર્ટમાં આના આધારે રેન્કિંગ કરવામાં આવ્યું હતું. પૂર, જંગલમાં આગ, ગરમીનું મોજું, દરિયાની સપાટીમાં વધારો જેવા જોખમો વધવાના સંકેત આપવામાં આવ્યા છે.
ક્રોસ ડિપેન્ડન્સી ઇનિશિયેટિવના રિપોર્ટ અનુસાર, વર્ષ 2050માં 200 જોખમી પ્રાંતોમાંથી 114 એશિયામાં છે, જેમાં ભારત અને ચીનના રાજ્યો વધુ છે. અભ્યાસ મુજબ, 2050 સુધીમાં જે રાજ્યો સૌથી વધુ જોખમથી ઘેરાયેલા હશે. તેમાંથી, ટોચના 50 રાજ્યોમાંથી 80 ટકા ચીન, અમેરિકા અને ભારતના હશે. ટોચના 50માં ચીન પછી ભારતના સૌથી વધુ નવ રાજ્યો છે. જેમાં બિહાર, ઉત્તર પ્રદેશ, આસામ, રાજસ્થાન, તમિલનાડુ, મહારાષ્ટ્ર, ગુજરાત, પંજાબ અને કેરળનો સમાવેશ થાય છે.
બિહારમાં 22, ઉત્તર પ્રદેશમાં 25, આસામમાં 28, રાજસ્થાનમાં 32, તમિલનાડુમાં 36, મહારાષ્ટ્રમાં 38, ગુજરાતમાં 48, પંજાબમાં 50 અને કેરળમાં 52 શહેરોનો આમાં સમાવેશ થાય છે. આ રિપોર્ટમાં પાકિસ્તાનના ઘણા પ્રાંતો ટોપ 100માં સામેલ છે. ગયા વર્ષે, જૂન અને ઓગસ્ટ વચ્ચે વિનાશક પૂરથી પાકિસ્તાનના 30 ટકા વિસ્તારને અસર થઈ હતી. આ પૂરમાં સિંધ પ્રાંતના નવ લાખથી વધુ મકાનોને આંશિક અથવા સંપૂર્ણ નુકસાન થયું હતું. આ પ્રથમ વખત છે જ્યારે વિશ્વના દરેક રાજ્ય, પ્રાંત અને પ્રદેશ માટે ખાસ કરીને નિર્મિત પર્યાવરણ પર કેન્દ્રિત ભૌતિક આબોહવા જોખમ વિશ્લેષણ હાથ ધરવામાં આવ્યું છે.
અમેરિકાના આર્થિક રીતે મહત્વપૂર્ણ રાજ્યો કેલિફોર્નિયા, ટેક્સાસ અને ફ્લોરિડાને સૌથી વધુ અસર થશે. આ ઉપરાંત, મહત્વપૂર્ણ એશિયન આર્થિક કેન્દ્રોમાં બેઇજિંગ, જકાર્તા, હો ચી મિન્હ સિટી, તાઇવાન અને મુંબઈ જેવા શહેરોનો પણ સમાવેશ થાય છે. ટોચના 50માં અનેક પ્રાંતો અને રાજ્યો ધરાવતા અન્ય દેશોમાં બ્રાઝિલ, પાકિસ્તાન અને ઈન્ડોનેશિયાનો સમાવેશ થાય છે. યુરોપમાં, ઉચ્ચ ક્રમાંકિત રાજ્યોમાં લંડન, મિલાન, મ્યુનિક અને વેનિસ શહેરોનો સમાવેશ થાય છે.