શાંતિપૂર્ણ સમાધાનની ગુજરાતની સમજદારી ભરપુર વખાણી હતી સરદારે: સામાજિક પરિવર્તન અને અર્થતંત્રના વિકાસ વિશે વલ્લભભાઈ પટેલનો આગવો વિચાર વારસો આજે પણ સ્મરણીય

ગુજરાતના પનોતા પુત્ર અને દેશની એકતા-અખંડીતતાના શિલ્પી સરદાર પટેલની જન્મજયંતિએ તેમણે ગુજરાતને આઝાદી સમયે આપેલી બહુમૂલ્ય સલાહ હાલના પરિપ્રેક્ષયમાં બંધ બેસે છે. સરદાર પટેલ ગૃહમંત્રી બન્યા ત્યારે દેશ તોફાનો અને હડતાલોમાં સપડાયેલો હતો. અલબત સરદારે ૭૫ વર્ષની આવરદામાં જે કામ કરી બતાવ્યા તે સેંકડો વર્ષોમાં ન કરી શકાય તેવા હતા. ખેડા સત્યાગ્રહ, હિંદ છોડો આંદોલન અને દેશી રજવાડા એક કરવાની વાત હોય ત્યારે સરદારનો તેમાં રહેલો સિંહફાળો કયારેય ન ભૂલી શકાય.

૧૯૧૭માં ગોધરાની રાજકીય પરિષદથી રાજકીય કારકિર્દી આરંભનાર સરદારે ૧૯૫૦માં દેશી રીયાસતોનું વિલીનીકરણ સંપન્ન થયું ત્યાં સુધી દેશ સેવામાં પ્રવૃત્ત રહ્યાં હતા. ૧૯૪૬માં સરદાર અમદાવાદ ખાતે ટેકસટાઈલ લેબર એસોસીએશનની એનિવર્સરીમાં ઉપસ્થિત રહ્યાં હતા. તેમણે આ સ્થળેથી તોફાનો અને હડતાલોમાં સપડાયેલા અન્ય શહેરોને શાંતિનો મક્કમ સંદેશો પહોંચાડયો હતો.

તેમણે ટેકસટાઈલ ક્ષેત્રના કર્મચારીઓને સંબોધતા કહ્યું હતું કે, દેશના ઘણા શહેરોમાં હડતાલો, તોફાનો અને વિવાદ છે. જેનાથી ઔદ્યોગીક વિકાસ મંદ પડયો છે. પરંતુ તમે આ દુષણને પ્રવેશ્વા દીધુ નથી અને મિલો ચાલુ રાખી છે. તેમણે ઉમેર્યું હતું કે, અમદાવાદે આ મામલે સારો દાખલો બેસાડયો છે. તમે જાળવેલી શાંતિના કારણે જો અન્ય સ્થળે હડતાલ કરનારાઓ અહીં સફળ થયા નથી. અમદાવાદે શાંતિપૂર્ણ સમાધાનનો શ્રેષ્ઠ દાખલો પુરો પાડયો છે.

આ કાર્યક્રમમાં હાજરી આપી સરદાર પટેલ ટેકસટાઈલ લેબર એસોસીએશનના સહ સ્થાપક મોટાબેન એટલે કે અન્સુયા સારાભાઈ, શંકરલાલ બેન્કર સહિતના આગેવાનોને મળ્યા હતા. તેમણે કહ્યું હતું કે, ઈંગ્લેન્ડમાં મજૂરોના હાથમાં સત્તા છે. તમારી કામ કરવાની આવડત તમારી મુડી છે. જો તમે તમારી આવડત સારી રીતે કેળવશો તો ભવિષ્યના આઝાદ ભારતની મહાન જવાબદારી તમારા ખભ્ભે આવશે. સરદારે અમદાવાદમાં સરખેજ રોડ ઉપર મહાવીર જૈન વિદ્યાલયની શાખાનું ઉદ્ઘાટન પણ કર્યું હતું. આ ઉપરાંત તેમણે શેઠ ભોળાભાઈ જેસીંગભાઈની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું.

સામાજિક પરિવર્તન અને અર્થતંત્રના વિકાસ માટે સરદારના આગવા અને મૌલીક વિચારો હતા. તેમના નેતૃત્વનો ઈતિહાસ બોધ તો એ છે કે આજે પણ સ્થાનિક કે રાષ્ટ્રીય કક્ષાની સમસ્યા વખતે તેમના વડપણની દુહાઈ દેવામાં આવે છે. આ તેમનો વિચાર વારસો છે. રાજકીય પક્ષો આજે વિકાસના રાજકારણની આંટીઘુંટી રમી રહ્યાં છે. ત્યારે વિકાસની સાચી વ્યાખ્યા સરદાર પટેલના જીવન ચરિત્ર પરથી મળી આવે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.