વન વીક, વન રોડ ઝુંબેશ અંતર્ગત કોર્પોરેશનની ટાઉન પ્લાનિંગ શાખા ત્રાટક્યું: 13,455 ચો.ફૂટ જમીન પર ખડકાયેલા દબાણોનો સફાયો
કોર્પોરેશનની ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા આજે શહેરના વોર્ડ નં.3માં સાધુ વાસવાણી કુંજ રોડ પર પાર્કિંગ અને માર્જીનની જગ્યા ખૂલ્લી કરાવવા માટે ઓપરેશન ઓટલા તોડ હાથ ધરવામાં આવ્યું છે. જે અંતર્ગત અલગ-અલગ 10 કોમ્પ્લેક્સમાં ખડકાયેલા છાપરાના દબાણો દૂર કરી 13,455 ચો.ફૂટ જમીન ખૂલ્લી કરાવવામાં આવી હતી.
મુખ્ય રાજમાર્ગો પર ટ્રાફીકની સમસ્યા હળવી કરવા માટે કોર્પોરેશન દ્વારા વન વીક, વન રોડ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. દર મંગળવારે શહેરના અલગ-અલગ વિસ્તારોમાં મુખ્ય માર્ગ પર તમામ શાખાઓ દ્વારા એક સાથે ચેકીંગ હાથ ધરવામાં આવે છે. જે અંતર્ગત આજે શહેરના સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં વોર્ડ નં.3માં આવેલા સાધુ વાસવાણી કુંજ રોડ પર ફૂટપાથ, માર્જીન અને રોડ પર ખડકાયેલા દબાણો દૂર કરવા માટે ડિમોલીશન હાથ ધરવામાં આવ્યું હતું. જે અંતર્ગત જય અંબે કોમ્પ્લેક્સ, શ્રધ્ધા એપાર્ટમેન્ટ, રામ કોમ્પ્લેક્સ, ચાણક્યા કોમ્પ્લેક્સ, સાંઇનાથ કોમ્પ્લેક્સ, સાંનિધ્ય એપાર્ટમેન્ટ, હરિકૃષ્ણ એન્કલેવ, રવેચી હાર્ડવેર, ઇસ્કોન ફ્લેટ્સ અને શિવાલય-ઇ બિલ્ડીંગના માર્જીન તથા પાર્કિંગમાં ખડકાયેલા છાપરાના દબાણો દૂર કરવામાં આવ્યા હતાં. 10 બિલ્ડીંગોના માર્જીન ખૂલ્લા કરાવી અંદાજે 13,455 ચો.ફૂટ જમીન ખૂલ્લી કરાવવામાં આવી હતી.
વન વીક, વન રોડ ઝુંબેશ અંતર્ગત દર સપ્તાહે દબાણ હટાવ કામગીરી હાથ ધરવામાં આવે છે પરંતુ એકવાર દબાણ દૂર કરાયા બાદ ફરી દબાણ ન ખડકાય તે માટે કોઇ ખેવના લેવામાં આવતી ન હોવાના કારણે ફરી દબાણ ખડકાઇ જાય છે અને મોટાભાગની બિલ્ડીંગોમાં પાર્કિંગ કે માર્જીનની જગ્યાઓ ખૂલ્લી રહેતી નથી.