તમામ કેન્દ્રો પર બોર્ડ દ્વારા ચાંપતી નજર રાખવામાં આવશે
શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચમાં લેવામાં આવનારી ધો. 1ર સાયન્સની પરીક્ષા પહેલા આજથી ધો. 1ર સાયન્સના પ્રેકટીલ વિષયોની પરીક્ષાનો પ્રારંભ થયો છે. પ્રાયોગિક પરીક્ષાને લઇ બોર્ડ દ્વારા વિઘાર્થીઓને હોલ ટિકીટ પણ ઓનલાઇન આપવામાં આવી છે. આ પરીક્ષા ર માર્ચ સુધીમાં પૂર્ણ કરવાનું આયોજન કરાયું છે. પરીક્ષા શરુ થવાની સાથે જ શાળાઓએ વિઘાર્થીઓના ગુણ પણ બોર્ડને ઓનલાઇન મોકલી આપવાના રહેશે.શિક્ષણ બોર્ડ દ્વારા ધો. 1ર સાયન્સના મહત્વના વિષયોની પ્રાયોગિક પરીક્ષા આજથી ર માર્ચ દરમિયાન લેવાની જાહેરાત કરવામાં આવી હતી. બોર્ડ દ્વારા નકકી કરવામાં આવેલા કાર્યક્રમ અનુસાર જ આજથી પરીક્ષા શરુ કરવામાં આવી છે.
પરીક્ષાની સુચનાઓ બોર્ડ દ્વારા આપી દેવામાં આવી છે અને તે પ્રમાણે પરીક્ષાનું આયોજન કરવા માટે પણ તાકીદ કરવામાં આવી છે.શાળાઓમાં તબકકા વાર વિઘાર્થીઓને બોલાવી પરીક્ષા લેવામાં આવશે પરીક્ષા માટે બોર્ડ દ્વારા તમામ વિઘાર્થીઓની હોલ ટિકીટ ઓનલાઇન જ અપલોડ કરવામાં આવી છે. બોર્ડ દ્વારા સાયન્સની પ્રાયોગિક પરીક્ષાને લઇને તમામ કેન્દ્રો પર ચાંપતી નજર રાખવાનું આયોજન કરાયું છે. આ પરીક્ષા માટે પ્રશ્ર્નપત્રો બોર્ડ દ્વારા તૈયાર કરવામાં આવ્યાં છે. ઉપરાંત શાળાઓમાં ગેરરીતી ન થાય તે માટે પણ બોર્ડ દ્વારા જીલ્લા કક્ષાએ ખાસ વોચ રાખવા માટે ટીમોને સુચન કરવામાં આવ્યું છે.
ધો. 1ર સાયન્સની પ્રેકટીકલ પરીક્ષાની સાથે જ વિઘાર્થીઓના ગુણ પણ બોર્ડને મોકલવાની કાર્યવાહી આજથી જ શરુ કરી દેવાનું નકકી કરવામાં આવ્યું છે.