એક તરફ ચારધામ યાત્રાની તારીખો જાહેર થઈ, બીજી તરફ બદ્રીનાથ હાઇવે ઉપર નવી 10 તિરાડો જોવા મળતા યાત્રા ઉપર જોખમની ભીતિ
હિમાલય રેન્જમાં ફોલ્ટ લાઈન ગંભીર પરિણામો લાવવાની દહેશત સેવાઇ રહી છે. હવે હિમાલય વધુ વજન ખમી શકે તેમ નથી. જેનાથી જોશીમઠ જેવી હાલત અન્ય વિસ્તારોની પણ થાય તેવી સંભાવના છે.તેવામાં બદ્રીનાથ હાઇવે ઉપર નવી 10 તિરાડો જોવા મળતા ચાર ધામ યાત્રા ઉપર જોખમ ઉભું થયું છે.
ઉત્તરાખંડ સરકાર દ્વારા શનિવારે ચારધામ યાત્રાની તારીખોની જાહેરાત વચ્ચે જોશીમઠ નજીક બદ્રનાથ હાઈવે પર 10 થી વધુ તાજી તિરાડો પડી છે. આ હાઇવે બદ્રીનાથ તીર્થ સાથે જોડાય છે જે ગઢવાલ હિમાલયમાં સ્થિત સૌથી મોટા તીર્થસ્થાનોમાંનું એક છે. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર જોશીમઠથી મદવારી સુધીના 10 કિલોમીટરના અંતરમાં તાજી તિરાડો ફેલાયેલી છે.
જોશીમઠ બચાવો સંઘર્ષ સમિતિના કાર્યકર્તા સંજય ઉન્યાલે કહ્યું, “જોશીમઠ નજીક બદ્રીનાથ હાઈવે પર ઓછામાં ઓછી 10 જગ્યાએ નવી તિરાડો પડી છે. રાજ્ય સરકારના દાવાઓથી વિપરીત જૂની તિરાડો પહોળી થઈ રહી છે અને નવી તિરાડો પણ આવી રહી છે.
સ્થાનિકોના જણાવ્યા મુજબ, એસબીઆઈ શાખાની સામે, રેલ્વે ગેસ્ટ હાઉસની નજીક, જેપી કોલોનીની આગળ અને મારવાડી બ્રિજ નજીક હાઈવેના ભાગોમાં તિરાડો સ્પષ્ટપણે દેખાય છે. એક રહેવાસી પ્રણવ શર્માએ જણાવ્યું કે હાઇવેનો એક નાનો હિસ્સો રવિગ્રામ મ્યુનિસિપલ વોર્ડમાં ‘ઝીરો બેન્ડ’ પાસે પણ ખાબકી ગયો છે. આ ઉપરાંત, બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન દ્વારા અગાઉ સિમેન્ટથી ભરેલા હાઈવે પરની તિરાડો ફરી ઉભી થવા લાગી છે.
એક વરિષ્ઠ ભૂસ્તરશાસ્ત્રી, જેમણે નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, “જે સ્થળોએ તિરાડો દેખાઈ છે તેની નિષ્ણાતો દ્વારા વિગતવાર તપાસ કરવી જોઈએ જેથી તે સ્થાપિત થઈ શકે કે તે જમીન ધસી જવાના અન્ય કિસ્સાઓ સાથે સંબંધિત છે કે કેમ?.”‘
જિલ્લા સત્તાવાળાઓએ આ સંદર્ભમાં પ્રશ્નોના જવાબ આપ્યા ન હતા, જોકે ચમોલી જિલ્લા મેજિસ્ટ્રેટ હિમાંશુ ખુરાનાનું નિવેદન મીડિયામાં આવ્યું હતું જેમાં તેમણે કહ્યું હતું કે એક ટીમ તિરાડોની તપાસ કરી રહી છે અને તે ચિંતાનું કારણ નથી. .
નોંધપાત્ર રીતે, બદ્રીનાથ ધામના દરવાજા 27 એપ્રિલે ખુલશે, જ્યારે કેદારનાથની યાત્રા 25 એપ્રિલથી શરૂ થશે. સરકારે શનિવારે આની જાહેરાત કરી હતી. ગયા વર્ષે રેકોર્ડ 17.6 લાખ શ્રદ્ધાળુઓ બદ્રીનાથ પહોંચ્યા હતા, જે 2019ના 12 લાખના આંકડાને વટાવી ગયા હતા.
લાખો વાહનો હાઇવે ઉપરથી દોડશે જેનાથી જોખમ વધવાની ભીતિ
બદ્રીનાથ હાઇવે ઉપર તિરાડો એ ચિંતાનું મુખ્ય કારણ છે. જ્યારે ચાર ધામ યાત્રા દરમિયાન લાખો વાહનો રસ્તા પર દોડશે ત્યારે શું થશે તે પણ ચિંતાનો વિષય છે. ચારધામ યાત્રાને મંજૂરી આપવાથી આ રોડ ઉપર વાહનોનો ધસારો વધવાથી જોખમ પણ વધે તેવી ભીતિ સેવાઇ રહી છે.