રેસ્ટોરન્ટો અને નાના વેપારીઓને રાહત આપવા ટેકસ સ્લેબમાં ઘટાડો કરાશે
દેશમાં આઝાદી બાદ સૌપ્રથમ વખત ટેકસ માળખામાં ઐતિહાસિક સુધારા તરીકે ગુડસ એન્ડ સર્વિસ ટેકસ-જીએસટીનો અમલ થઈ રહ્યો છે. જે અંતર્ગત રેસ્ટોરન્ટો અને નાના વેપારીઓને રાહત આપવા સરકારે વધુ એક ખજાનાનો પટાશે ખોલવાની તૈયારી દાખવી છે. જેમાં નાના વેપારીઓ, ઉત્પાદકો પર લાગતો ૫ ટકા ટેકસ અને રેસ્ટોરન્ટો પર લદાતા ૧૮ ટકા ટેકસ સ્લેબમાં ઘટાડો કરાશે. જે સરકારની કોમ્પોઝીશન સ્કીમ હેઠળ ક્રમશ: ૧ ટકા અને ૧૨ ટકા કરાશે. પાંચ રાજયોના નાણામંત્રીઓની પેનલે રેસ્ટોરન્ટો અને નાના વેપારીઓને પ્રોત્સાહન આપવા અને જીએસટીને લઈ તેમની અડચણો દૂર કરવા જીએસટી સ્લેબમાં ઘટાડો કરવા ભલામણો કરી છે. જેના આધારે એસી અથવા નોન-એસી રેસ્ટોરન્ટો પર વસુલાતો ૧૮ ટકા દર ઘટીને ૧૨ ટકા સુધી કરાશે. નાના વેપારીઓ અને રેસ્ટોરન્ટો માટે આ નિર્ણય ૧ થી ૫ નવેમ્બર સુધીમાં કરાય તેવી શકયતાઓ રહેલી છે. હાલ, રેસ્ટોરન્ટો પર ૧૮ ટકા જીએસટી વસુલાય છે. સરકારની કોમ્પોગેશન સ્કીમ હેઠળ રેસ્ટોરન્ટોને લાભ અપાશે. જેનો ફાયદો નાના વેપારીઓ અને ઉધોગકારોને પણ મળશે અને જીએસટીને લઈ નાના ઉધોગકારો-વેપારીઓ પરનો બોજો હળવો કરશે. જે ઉપર હાલ ૫ ટકા ટેકસ વસુલાય છે જે આ કોમ્પોઝીશન સ્ક્રીમ હેઠળ ૧ ટકા ટેકસદર લદાશે. અહીં ખાસ ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારના નાણા મંત્રાલયે હજુ ગયા અઠવાડીયે જ એવો સંકેત આપ્યો હતો કે તમામ રેસ્ટોરન્ટોને જીએસટીના એક જ સ્લેબમાં લઈ લેવાશે. જેથી રેસ્ટોરન્ટોમાં ભોજન લેવું સસ્તુ થશે. આ ઉપરાંત, ૨૦ લાખથી ૧ કરોડ સુધીનું ટર્નઓવર કરતા વેપારીઓ અને ઉત્પાદકોને પણ આ સ્કીમનો લાભ મળશે. જેમાં કવાટરલી બેઈઝ રીટર્ન ફાઈલ કરવાનું રહેશે. તેમજ જે વેપારીઓ તેમના ટોટલ ટર્નઓવર પર ટેકસ ભરે છે કે જેમાં એકઝેમ્પ્ટેડ ગુડસના વેચાણમાંથી થયેલ આવકનો પણ સમાવેશ છે. તેમણે ૦.૫ ટકા ટેકસ ચુકવવાનો રહેશે.
અંતે ટેકસ સ્લેબમાં સુધારાનો નિર્ણય જીએસટી કાઉન્સિલ કરશે. જેની સામે બિહાર, આસામ, જમ્મુ-કાશ્મીર, પંજાબ અને છતીસગઢના રાજય નાણામંત્રીઓની પેનલે કોમ્પોઝીશન સ્કીમને રાજય સ્તરે વિકસાવવા ભલામણો કરાઈ હતી. જેના આધારે હવે નાના વેપારીઓ અને રેસ્ટોરન્ટોને માટે રાહતોનો પટારો ખુલશે.