કચ્છના ભુજનું મહત્તમ તાપમાન 40.3 ડિગ્રી નોંધાયું: રાજકોટમાં પણ પારો 39.3 ડિગ્રીએ પહોંચી ગયુ: પાંચ શહેરનું તાપમાન 38 ડિગ્રીને ઓળંગી ગયું
આ વર્ષ ઉનાળાની સીઝનમાં રેકોર્ડ બ્રેક ગરમી પડશે તેવી આગાહી આપવામાં આવી છે. આકરા ઉનાળાના સ્પષ્ટ સંકેતો મળી રહ્યા છે. ફેબ્રુઆરી માસમાં જ ગુજરાતમાં મહત્તમ તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર થઇ ગયો છે. કચ્છના ભુજનું તાપમાન 40.3 ડિગ્રી સેલ્સીયશ નોંધાયું હતું. આજથી ગરમીમાં વધારો થાય તેવી આગાહી પણ હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. વહેલી સવારે અને મોડી રાતે ગુલાબી ઠંડીનો અહેસાસ થઇ રહ્યો છે. જયારે બપોરે ઉનાળા જેવો ગરમીનો અનુભવ લોકો કરી રહ્યા છે.
આ વર્ષ ઉનાળો તમામ રેકોર્ડ બ્રેક કરશે. આકાશ આગ ઓકશે અંગ દઝાડતી ગરમી પડશે તેવી આગાહી અલગ અલગ એજન્સી દ્વારા આપવામાં આવી છે. જેને જાણે સુર્ય નારાયણ દેવ પણ સમર્થન આપી રહ્યા હોય તેમ ફેબ્રુઆરી માસમાં આકાશ આગ ઓકી રહ્યું છે. સામાન્ય રીતે ફેબ્રુઆરી માસમાં ગુલાબી ઠંડીનો અહેસાસ થતો હોય છે. અને માર્ચમાં હોળી- ધુળેટીના તહેવાર બાદ ગરમીનું જોર વધતું હોય છે. પરંતુ આ વર્ષ ફેબ્રુઆરી માસમાં જ મહત્તમ તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર થઇ ગયો છે. આજથી એક સપ્તાહ ગરમીનું જોર હજી વધે તેવી સંભાવના હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે.
કચ્છના ભુજનું તાપમાન ફેબ્રુઆરીમાં જ 40.3 ડિગ્રીએ પહોંચી ગયું હતું. હજી તો ઉનાળાનો આરંભ પણ થયો નથી ત્યાં લોકો આકરા તાપમાં શેકાવા લાગ્યા છે. રાજકોટ શહેરનું તાપમાન પણ 39.7 ડિગ્રી સેલ્સીયશ નોંધાયું હતું. જયારે ડિસાનુ મહત્તમ તાપમાન 38.7 ડિગ્રી, સુરેન્દ્રનગરનું મહત્તમ તાપમાન 38.6 ડિગ્રી,કેશોદનું મહત્તમ તાપમાન 38.4 ડિગ્રી, કંડલા એરપોર્ટ પરનું તાપમાન 38.1ડિગ્રી અને અમરેલીનું તાપમાન 38 ડિગ્રી સેલ્સીયસ નોંધાયું હતું.
આ ઉપરાંત અમદાવાદનું તાપમાન 37.5 ડિગ્રી, ગાંધીનગર 37.5 ડિગ્રી, વલ્લભ વિદ્યાનગરનું તાપમાન 36.8 ડિગ્રી, વડોદરાનું તાપમાન 37.4 ડિગ્રી, સુરતનું તાપમાન 36.8 ડિગ્રી, દમણનું તાપમાન 34.2 ડિગ્રી, નલીયાનું તાપમાન 36 ડિગ્રી, ભાવનગરનું તાપમાન 35.1 ડિગ્રી, દ્વારકાનું તાપમાન 30 ડિગ્ર, પોરબંદરનું તાપમાન 36.6 ડિગ્રી, વેરાવળનું તાપમાન 33.6 ડિગ્રી, અને મહુવાનું તાપમાન 37.8 ડિગ્રી નોંધાયું હતું.
ફેબ્રુઆરીમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર થઇ જતા આ વર્ષ એપ્રીલ-મે માસમાં પારો 46 કે 47 ડિગ્રીએ પહોંચી જાય તેવી દહેશત પણ હાલ વર્તાય રહી છે. સવારે અને મોડી રાતે સામાન્ય ઠંડીનો અહેસાસ થઇ રહ્યો છે. જયારે દિવસભર આકરા તાપનો અહેસાસ થઇ રહ્યો છે. આગામી એક સપ્તાહ સુધી આકરા તડકા પડશે અનેક શહેરોમાં તાપમાનનો પારો 40 થી 41 ડિગ્રીએ પહોંચી જશે ત્યારબાદ ફેબ્રુઆરી માસના અંતમાં ઠંડીનો એક સામાન્ય રાઉન્ડ આવશે જે હળવો હશે. માર્ચના આરંભથી કાળઝાળ ગરમી પડશે. આ વખતે ગુજરાત સહિતના રાજ્યમાં લોકોને સતત ચાર મહિનાઓ સુધી તાપમાં શેકાવુ પડશે.
એપ્રિલ અને મે માસમાં ગરમી પાછલા તમામ રેકોર્ડ બ્રેક કરે તેવી શક્યતા પણ હવામાનની આગાહી કરતી અલગ-અલગ એજન્સીઓ દ્વારા આપવામાં આવી છે. તાપમાનનો પારો હાહાકાર મચાવશે. આ વર્ષ શિયાળાની સિઝન પણ મોડી શરૂ થવા પામી હતી અને ઠંડીના દિવસો પણ થોડા રહ્યા હતા. શિયાળાની વિદાય અને ઉનાળાના આરંભ વચ્ચે એકાદ મહિના જેવો સમય લાગતો હોય છે. લઘુત્તમ તાપમાન અને મહત્તમ તાપમાનમાં ક્રમશ: ઉછાળો આવતો હોય છે. પરંતુ આ વર્ષ કાતીલ ઠંડીમાંથી ગણતરીના દિવસોમાં આકરા તડકા પડવા માંડ્યા છે. જે રિતે ફેબ્રુઆરીમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર થઇ ગયો છે. તે જોતા એવુ લાગી રહ્યું છે કે માર્ચથી સુર્યનારાયણ લાલઘુમ બની આકાશમાંથી અગનવર્ષા કરશે.