‘પોલીસ પ્રજાનો મિત્ર’ સુત્રને સાર્થક કરી
વીસીપરાના લતાવાસીઓના પ્રશ્ર્નો સાંભળી ત્વરીત દેશી દારૂની ભઠ્ઠી પર દરોડા
વ્યાજના વિષચક્રમાં ફસાયેલા પીડીતોને મુકત કરવા પોલીસ તત્પર: મહિલા હેલ્પલાઈનની જાણકારી આપી
મોરબીની ભૌગોલિક સ્થિતિ અને કાયદો વ્યવસ્થાની સ્થિતીનો તાગ મેળવી રેન્જ આઇજી અશોકકુમાર યાદવ મોરબીનાં છેવાડાના ગણવામાં આવતા વીસી પરા વિસ્તારમાં ’મોહલ્લા દરબાર’ કાર્યક્રમ યોજી સ્થાનિક કક્ષાના પ્રશ્નો સાંભળ્યા હતા. વીસી પરા વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી ચાલતી દેશી દારૂ સહિતની પ્રવૃતિઓ ફૂલી ફાલી ઉઠી છે જેને લઇને સામાન્ય જીવન ગુજારતા પરિજનો અને તેના મોભીઓ યુવાનો ગેરમાર્ગે દોરાય છે જેની માહિતી રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવ ને મળતાં તેઓએ વીસી પરા વિસ્તારમાં ઈતિહાસ માં પ્રથમ વખત ખાસ કાર્યક્ર્મ યોજી અને બાળકોના શિક્ષણ વિશે ખાસ માહિતી આપી હતી.આ સાથે સાથે સમાન્ય વર્ગના લોકો વ્યાજના વિષ ચક્રમાંથી બહાર આવે તે માટે પોલીસ સતત ખડે પગે છે કેમ કે સમાન્ય વર્ગના લોકો જ વધુ વ્યાજનાં ચક્કરમાં ફસાય છે અને બાદમાં તેની મોટી કિંમતો ચૂકવવી પડે છે આ ઉપરાંત મહિલાઓની હેલ્પલાઇન સુવિધાઓ માટે પણ રેન્જ આઇજી અશોકકુમાર યાદવે લોકોને અવગત કર્યા હતા.
રેન્જ આઇજી અશોકકુમાર યાદવ દ્વારા સ્થળ પર જ આવા દેશી દારૂના વીસી પરા વિસ્તારમાં ધમધમતાં હાટડા બંધ કરાવવા સૂચના આપવામાં આવી હતી અને પોલીસ પ્રજાનો મિત્ર છે તે વાત પણ લોકો સુધી પહોંચાડવામાં રેન્જ આઇજી અશોકકુમાર યાદવ એકંદરે સફળ રહ્યા હતા તો મોરબી પોલીસની ક્રાઈમ, ટ્રાફિક તેમજ અન્ય મોરબી પોલીસની કામગીરીને બિરદાવી હતી આ કાર્યક્રમમાં મોરબી એસપી રાહુલ ત્રિપાઠી, ડીવાયએસપી પી. એ.ઝાલા, એડમન ડીવાયએસપી અને મોરબી એલસીબી, એસઓજી, બી ડિવિઝન પોલીસ સહિતના પોલીસ કર્મીઓ હાજર રહ્યા હતા.
સબ જેલની મુલાકાત લેતા અશોકકુમાર યાદવ
રાજકોટ રેન્જ આઈજી અશોકકુમાર યાદવ દ્વારા વાર્ષિક ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું.મોરબી એસ.પી. રાહુલ ત્રિપાઠીએ જિલ્લા પોલીસનું વાર્ષિક પોલીસ ઇન્સ્પેકશનના ભાગરૂપે સબ જેલની મુલાકાત લીધી હતી અને તમામ બાબતોની ચકાસણી કરી હતી. જેમાં રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવને જેલનો વહીવટ તથા વ્યવસ્થા સાફસફાઈ સારી લાગતા તેઓએ કામગીરીને બિરદાવી હતી. તેમજ તમામ કેદીઓની રૂબરૂ મુલાકાત કરી તેઓને કોઈ રજૂઆત કે ફરિયાદ હોય તો તે અંગે પૂછપરછ કરતા કોઈ પણ કેદીએ રજૂઆત કે ફરિયાદ કરી ન હતી, જેથી અશોકકુમાર યાદવે સંતોષ વ્યક્ત કર્યો હતો. ત્યારે ઉલ્લેખનીય છે કે, આ મુલાકાતમાં જેલ અધિક્ષક ડી.એમ.ગોહિલ તથા ઇન્ચાર્જ જેલર પી.એમ. ચાવડા પણ હાજર રહ્યા હતા.