ભારત વિશ્વ આખાના ઉડ્ડયન ક્ષેત્રનું ગ્રોથ એન્જીન બનવા તરફ !!
ભારતમાં દર વર્ષે ૭% હવાઈ મુસાફરોનો ઉમેરો થવાનો અંદાજ
ટાટા ગ્રૂપની માલિકીની એર ઈન્ડિયા દ્વારા ૪૭૦ એરક્રાફ્ટના સોદાની સમગ્ર વિશ્વમાં ચર્ચા થઈ રહી છે પરંતુ એર ઈન્ડિયા ભારતની એકમાત્ર એવી કંપની નથી કે જેણે રેકોર્ડ સંખ્યામાં એરક્રાફ્ટ ખરીદ્યા છે. દેશની વિવિધ સ્થાનિક એરલાઈન્સ કંપનીઓ કુલ ૧૧૦૦ થી વધુ એરક્રાફ્ટ ખરીદવાની તૈયારી કરી રહી છે. દેશની સૌથી મોટી એરલાઇન ઇન્ડિગોએ લગભગ ૫૦૦ એરક્રાફ્ટનો ઓર્ડર આપ્યો છે અને અકાસા એરએ ૭૨ બોઇંગ નેરો-બોડી એરક્રાફ્ટનો ઓર્ડર આપ્યો છે.
તેમાંથી ૧૬ એરક્રાફ્ટની ડિલિવરી થઈ ગઈ છે જ્યારે ૫૬ એરક્રાફ્ટની ડિલિવરી થવાની બાકી છે. ગો ફર્સ્ટ એરલાઇન્સ જે અગાઉ ગો એર તરીકે ઓળખાતું હતું, તેણે ૭૨ પ્લેનનો ઓર્ડર આપ્યો છે, જ્યારે વિસ્તારા બોઇંગ પાસેથી ૧૭ પ્લેન ખરીદવાનું છે. આ રીતે એર ઈન્ડિયા, ઈન્ડિગો, અકાસા એર, ગોફર્સ્ટ અને વિસ્તારા કુલ ૧૧૧૫ નવા એરક્રાફ્ટ ખરીદશે. વર્ષ ૨૦૪૧ સુધીમાં હવાઈ મુસાફરો સાત ટકાના દરે વધશે.
ઉલ્લેખનીય બાબત છે કે , ભારત વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતા ઉડ્ડયન બજારોમાંનું એક છે. એરક્રાફ્ટ નિર્માતા બોઇંગનો અંદાજ છે કે આગામી બે દાયકામાં દેશને લગભગ ૨૨૧૦ નવા એરક્રાફ્ટની જરૂર પડશે, જેમાં ૨૦૪૧ સુધી સ્થાનિક હવાઈ મુસાફરોની સંખ્યામાં વાર્ષિક ૭ ટકાનો વધારો થશે. એવિએશન કન્સલ્ટન્ટનું માનવું છે કે, કભારતીય એરલાઇન્સ આગામી એક કે બે વર્ષમાં ૧૫૦૦ થી ૧૭૦૦ એરક્રાફ્ટનો ઓર્ડર આપે તેવી શક્યતા છે.
જો આપણે વિવિધ કંપનીઓ દ્વારા નવા એરક્રાફ્ટ ખરીદવાની યોજના વિશે વાત કરીએ તો, એર ઈન્ડિયાએ માહિતી આપી છે કે ૪૭૦ એરક્રાફ્ટ માટે સ્પષ્ટ ઓર્ડર સાથે એરલાઈને ઘણા વિકલ્પો અને ખરીદીના અધિકારો પણ પ્રાપ્ત કર્યા છે. વિકલ્પો અને ખરીદીના અધિકારોનો અર્થ એ છે કે કંપની ભવિષ્યમાં જે શરતો અને કિંમતો પર હાલમાં સંમત છે તેના આધારે વિમાન ખરીદી શકે છે. એર ઈન્ડિયાએ અગાઉ ૨૦૦૫માં ૧૧૧ એરક્રાફ્ટનો ઓર્ડર આપ્યો હતો. કંપની ત્યારે સરકારી માલિકી હેઠળ હતી.
ઈન્ડિગોએ માહિતી આપી હતી કે ૨૦૨૨ના ડિસેમ્બર ક્વાર્ટરમાં એરલાઈને ૨૨ નવા એરક્રાફ્ટ ખરીદ્યા હતા, જેનાથી તેની કુલ એરક્રાફ્ટની સંખ્યા ૩૦૦ થઈ ગઈ હતી. કંપનીએ ૫૦૦ એરક્રાફ્ટનો ઓર્ડર આપ્યો છે અને કંપની તબક્કાવાર તેના કાફલામાં નવા એરક્રાફ્ટ ઉમેરવાનું ચાલુ રાખશે. ગયા વર્ષે ઓગસ્ટમાં સેવાઓ શરૂ કરનાર અકાસા એરને ૭૨ બોઇંગ ૭૩૭ મેક્સ એરક્રાફ્ટનો ઓર્ડર આપ્યો છે.