એક જ દિવસમાં રૂ.22નો વધારો ઝીંકાયો : આઈએમએફને રીઝવવા સરકારે ભરેલું પગલું જનતા માટે કપરું
પાકિસ્તાનમાં દિન પ્રતિદિન મોંઘવારી એકથી એક નવા રેકોર્ડ સર્જી રહી છે. પાકિસ્તાનની સરકારે બુધવારે લોકો પર ટેક્સનો ભાર નાખીને મિની બજેટ રજૂ કર્યા પછી મોડી સાંજે પેટ્રોલના ભાવમાં રેકોર્ડબ્રેક વધારો કરી દીધો છે. ત્યાં પેટ્રોલની કિંમતમાં એક દિવસમાં 22 રૂપિયા સુધીનો વધારો નોંધાયો છે. આ ભાવ આજથી એટલે કે ગુરુવારથી લાગુ થઈ ગયો છે. ત્યારે હવે ત્યાં પેટ્રોલની કિંમત પાકિસ્તાન કરન્સીના હિસાબે 272 રૂપિયા પ્રતિ લિટર થઈ ગઈ છે.
પાકિસ્તાનમાં પેટ્રોલની કિંમત વધારાના સિલસિલા ઘણા સમયથી ચાલુ છે. ગત મહિને ત્યાં પેટ્રોલની કિંમત 58 રૂપિયા સુધી પહોંચી ગઈ છે. 16 જાન્યુઆરીએ પાકિસ્તાન કરન્સીના પ્રમાણે, પેટ્રોલ 214.80 રૂપિયા પ્રતિ લિટર મળી રહ્યું છે, જ્યારે ડીઝલની કિંમત 227.80 રહી છે. તો 13 દિવસ પછી 29 જાન્યુઆરીએ પાકિસ્તાનમાં પેટ્રોલની કિંમત વધીને 249.80 રૂપિયા થઈ ગઈ હતી.
પાકિસ્તાનના ફાઇનાન્સ ડિવિઝને પેટ્રોલ-ડીઝલની કિંમતમાં આવેલા રેકોર્ડતોડ વધારાની પાછળ ત્યાંની કરન્સીમાં આવેલા ઘટાડાને જવાબદાર ગણાવી છે. રિપોર્ટ્સ મુજબ, પાકિસ્તાન આ બધું આઈએમએફને આકર્ષવા માટે કરી રહી છે. વાત એમ છે કે લોન દેવા માટે આઈએમએફએ પાકિસ્તાનની આગળ જે શરતો રાખી છે એમાંની એક આ પણ છે કે સરકાર પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો કરે.
પાકિસ્તાનમાં માત્ર પેટ્રોલ જ નહીં, પરંતુ રોજબરોજની જિંદગીમાં કામ આવનારી વસ્તુઓ, જેમ કે કેરોસિન, લાઇટ ડીઝલ અને હાઇ સ્પીડ ડીઝલના ભાવ પણ વધારી દેવાયા છે, જેને કારણે ત્યાં મોંઘવારી વધી ગઈ છે. મૂડી એનાલિસ્ટના સિનિયર ઇકોનોમિસ્ટ કેટરીના એલના જણાવ્યા પ્રમાણે, આનાથી 2023ની પહેલી છ માસિકમાં પાકિસ્તાનમાં ફુગાવો દર 33% થઈ જશે. તેમણે એમ પણ કહ્યું હતું કે દેશની ઇકોનોમીને ફરી ટ્રેક પર લાવવા માટે આઈએમએફની લોન પણ પૂરતી નહીં રહે.
પાકિસ્તાનની શાહબાઝ સરકાર ગત અઠવાડિયે આઈએમએફ બેલઆઉટ પેકેજને અનલોક કરવા માટે ચાર મહિનામાં 170 બિલિયન પાકિસ્તાન રૂપિયા ભેગા કરવા માટે એક મિની બજેટ રજૂ કરશે. આના કારણે પાકિસ્તાનની નેશનલ એસેમ્બ્લીમાં 15 ફેબ્રુઆરીએ એક બજેટ રજૂ કર્યું હતું, જેમાં કોઈ રીતે ટેક્સમાં વધારો કર્યો હતો. એનો ભાર મોંઘવારી અને ભૂખમરીની કગાર પર ઊભેલા પાકિસ્તાનની જનતાને ઉઠાવવો પડ્યો છે.