હાલ આ વર્ષે મગફળીના પોષણક્ષમ ભાવ ન મળવાના કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા હતા. પરંતુ રાજય સરકારે ટેકાના ભાવે ખરીદી શરૂ કરી હતી. છતાં પણ હજી ઓપન માર્કેટમાં ખેડૂતોને પોષણક્ષમ ભાવ નથી મળી રહ્યાં જેથી ઘણા ખરા માર્કેટીંગ યાર્ડમાં મગફળીની હરાજી બંધ રખાઈ હતી. જેમાં રાજકોટ સહિતના યાર્ડોનો સમાવેશ થાય છે.
આ વિશે સૌરાષ્ટ્ર ઓઈલ મીલ એસો.ના પ્રમુખ સમીર શાહને પુછતાં તેમણે જણાવ્યું હતું કે, સૌપ્રથમ તો મગફળી સૌરાષ્ટ્રની પ્રોડકટ છે જે બીજે કયાંય પાકતી નથી. જેથી તેને પ્રેજયુડાઈસની નજરથી જોવામાં આવે છે.
જો તે કયાંક બીજે થતી હોત તો એવું ન થતાં તેમણે કહ્યું હતું કે, ખોટા પ્રચારના કારણે સીંગતેલ પ્રત્યે લોકોની માનસિકતા ખોટી બંધાઈ ગઈ છે. તેમણે લાગે છે કે સીંગતેલ ખાવાથી લોકોને હૃદયરોગ થાય છે. તથા કોલેસ્ટ્રોલ વધે છે પરંતુ એવું નથી. જેના કારણે મગફળીના વેચાણમાં માઠી અસર જોવા મળે છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સરકાર વિવિધ યોજનાઓની સફળતા માટે એડવર્ટાઈઝમેન્ટ કરે છે તો થોડી ઘણી એડર્વટાઈઝમેન્ટ મગફળી તથા તેમાંથી બનતી આઈટમસની પણ કરવી જોઈએ. જો તેનાથી ૫% પણ વેંચાણ વધશે તો મોટાભાગની સમસ્યાનું નિરાકરણ થઈ જશે તથા સરકારે ટેકાના ભાવે ખરીદી કરવાની કોઈ જરૂર રહેશે નહીં.
તેમણે ખાદ્ય તેલની આયાત વિશે જણાવતા કહ્યું હતું કે, આપણા દેશમાં ખાદ્ય તેલની ઘટ્ટ છે તથા બહારથી આપણે ખાદ્ય તેલની આયાત પણ કરવી પડે એ સો ટકા સાચી વાત છે પરંતુ આપણે જેટલી માત્રામાં જરૂરિયાત છે તેનાથી વધારે આયાત હાલ થઈ રહી છે. જેને અટકાવવી જરૂરી છે. જો તેની અટકાયત કરવામાં નહીં આવે તો ભારતની ઈકોનોમી ખતમ થઈ જશે. મગફળીના પોષણક્ષમ ભાવ ખેડૂતોને મળતાં નથી તો શું એવું બની શકે કે આગામી સમયમાં મગફળીનું વાવેતર નહીંવત થઈ જશે તેનો જવાબ આપતા તેમણે કહ્યું કે આ પરિસ્થિતિ અગાઉ એકવાર સર્જાઈ ચુકી છે.
તે સમયગાળા દરમિયાન મગફળીનું ઉત્પાદન ૮ થક્ષ ૧૦ લાખ ટનનું જ થતું હતું. જે ખુબ જ ઓછું ગણાય તે સમયગાળા ફકત બી.ટી.કોટનનું જ ઉત્પાદન થતું હતું.
પરંતુ છેલ્લા બે વર્ષથી કોટનમાં બીમારી વધુ આવે છે. પાક નિષ્ફળ જાય છે અને કોટનમાં પણ ભાવ નથી મળી રહ્યાં જેથી ખેડૂતો ફરિવાર મગફળી તરફ વળ્યાં છે જો ભાવની સમસ્યા સર્જાશે તો ફરીવાર તે સમસ્યા સર્જાય તેવી શકયતાઓ છે. આ ઉપરાંત તેમણે હવામાન ખાતે વિશે જણાવતા કહ્યું હતું કે, ખબર નહીં કે આપણું હવામાન વિભાગ કઈ રીતે કામ કરે છે. કેમ કે દર વર્ષે તેઓ એવી આગાહી કરે છે કે આ વર્ષે ચોમાસુ વહેલું છે અને સારું છે કયારેક એવી આગાહી નથી કરતું કે આ વર્ષે ચોમાસુ મોડું રહેશે કે થોડું ખરાબ રહેશે તો ત્યાં પણ સુધારાની જરૂર છે.