રાજ્યસભાના સાંસદ રામભાઇ મોકરિયા દ્વારા રેલવે મંત્રીને પત્ર લખી સૌરાષ્ટ્ર-રાજકોટ માટે અલગ-અલગ ટ્રેનની માંગ કરાય
અમદાવાદ-મુંબઇ વચ્ચે હાઇસ્પીડ ટ્રેન દોડાવવાના પ્રોજેક્ટનું કામ હાલ અંતિમ તબક્કામાં છે ત્યારે સર્વ હાથ ધર્યા બાદ રાજકોટ-અમદાવાદ વચ્ચે પણ હાઇસ્પીડ ટ્રેન શરૂ કરવાની માંગણી રાજ્યસભાના સાંસદ રામભાઇ મોકરિયા દ્વારા કરવામાં આવી છે.
કેન્દ્રીય રેલ મંત્રી અશ્ર્વિની વૈષ્ણવને લખેલા પત્રમાં રાજ્યસભાના સાંસદ રામભાઇ મોકરિયાએ એવી માંગણી કરી છે કે, રાજકોટએ સૌરાષ્ટ્રનું પાટનગર છે ત્યારે રાજકોટ-અમદાવાદ વચ્ચે વંદે ભારત ટ્રેન દોડાવવી જોઇએ. આ ઉપરાંત રાજકોટ-દ્વારકા, રાજકોટ-પોરબંદર અને રાજકોટ-સોમનાથ વચ્ચે પણ વંદે ભારત ટ્રેન દોડાવવાની માંગણી કરી છે.
રાજકોટ-કનાલુસ વચ્ચે 111 કિ.મી.ના વિસ્તારમાં ડબલ લાઇનને રેલવે વિભાગ મંજૂરી આપવામાં આવી છે. આ યોજના ઝડપથી સાકાર થાય તે માટે કામગીરી કરવાની રજૂઆત કરી છે.
રાજકોટમાં એઇમ્સનું નિર્માણ હવે પૂર્ણતાના આરે છે ત્યારે એઇમ્સની નજીક આવેલા ખંઢેરી સ્ટેશનનો વિકાસ કરવાની માંગણી કરાય છે. આ ઉપરાંત રાજકોટ-સુરેન્દ્રનગર વચ્ચે ડબલ લાઇનનું કામ પૂર્ણ થઇ ગયુ છે ત્યારે રાજધાની એક્સપ્રેસ, શતાબ્દી એક્સપ્રેસ, આશ્રમ એક્સપ્રેસ, ગોહાટી એક્સપ્રેસ, અગ્નીમા એક્સપ્રેસ અને દેહરાદુન એક્સપ્રેસને રાજકોટ સુધી લંબાવવાની માંગણી કરવામાં આવી છે.