છ દિવસથી લાપતા યુવાનની બ્રિજ નીચેથી વિટાડેલી હાલતમાં લાશ મળી’તી: છરીના અસંખ્ય ઘા ઝીંક્યાનું પ્રાથમિક તારણ
ઉનામાં છ દિવસથી લાપતા યુવાનની લાશ મળ્યા બાદ તેને છરીના અસંખ્ય ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી કંતાનમાં વિટાડી બ્રિજ પાસે ફેંકી દીધાનો ઘટકસ્ફોટ થયો છે. પોલીસે અજાણ્યા શખ્સ સામે હત્યાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથધરી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ કોર્ટ વિસ્તારમાં રહેતાં ઈમ્તિયાઝ કાઝીના 18 વર્ષીય પુત્ર અલફાજ કાઝી ગત મંગળવારે રાત્રીના સમયે વડલા ચોક વિસ્તારમાં આવેલી રેંકડી પર કામ કરીને રાત્રીના દશ વાગ્યાનાં સમયે પોતાની બાઈક લઈને નિકળેલો હતો. અચાનક જ ગુમ થયેલો તેના પાસે રહેલાં મોબાઈલ ઉપર ફોન કરતાં બંધ આવતો હોવાથી તેની શોધખોળ કરી હતી, પરંતુ તપાસ દરમિયાન નહિં મળતા પિતા ઈમ્તિયાઝ દ્વારા પોલીસને જાણ કરી હતી.
તે દરમિયાન અલ્ફાઝનો ગીરગઢડા બાયપાસ રોડ નજીક આવેલા પૂલ નીચેથી વિકૃત કોહવાયેલી હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. પોલીસ તેમજ નાયબ મામલતદાર હેમીના પટેલ ઘટનાસ્થળે પડેલા મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે જામનગર મેડિકલ કોલેજમાં ખસેડાયો હતો.
જામનગર તબીબી નિષ્ણાતોએ મૃતદેહનું પીએમ કર્યા બાદ ચોંકાવનારા ખુલાસા કર્યા હતા. નિષ્ણાતો દ્વારા અલ્ફાઝના શરીર પર છરીના અસંખ્ય ઘા હોવાના નિશાન મળી આવતા યુવાનની ક્રૂરતાથી હત્યા થઈ હોવાનું જાણવા મળ્યું હતું. જે સમાચાર મળતા પરિવારમાં પણ માતમ છવાયો છે. પોલીસે તબીબી નિષ્ણાતોના મંતવ્યના આધારે અજાણ્યા શખ્સ સામે હત્યાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથધરી છે.
આ સાથે બીજી તરફ અલ્ફાઝની હત્યા પાછળ અનેક કડીઓ જોડવા માટે પોલીસે તજવીજ હાથધરી છે. મૃતક યુવાન લારીએ થી નીકળ્યા બાદ ક્યાં ગયો? તેની સાથે કોણ હતું? યુવાન બાઈક પર નીકળ્યા બાદ તેની કોહવાયેલી હાલતમાં લાશ મળી આવી પરંતુ તેનું બાઈક અને મોબાઈલ હજુ પણ મળી ન આવતા પોલીસને અનેક પડકારોનો સામનો કરવાનો રહેશે.