કોટડા સાંગાણીમાં પિયરમાં રહેતી પરિણીતાની ફરિયાદ પરથી પતિ,સાસુ-સસરા,મોટા સાસુ-સસરા અને જેઠ સામે ગુનો નોંધાયો
કોટડા સાંગાણીમાં છેલ્લા ચાર માસથી માવતરે રહેતી અને બીજા લગ્ન કરનાર પરિણીતાએ પોતાના પતિ સાસુ-સસરા,મોટા સાસુ-સસરા અને જેઠ સહિતનાઓ પુન: લગ્ન બાબતે અને કરિયાવર બાબતે ત્રાસ આપતા હોવાથી તેને એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોધી કાર્યવાહી હાથધરી છે.
કોટડા સાંગાણીમાં માવતરે રહેતી શહેનાઝબેન ફેજલભાઈ માંકડા નામની પરિણીતાએ પોતાની ફરિયાદમાં આરોપીમાં પતિ ફેઝલ અનવરભાઇ માકડા , જેઠ સોહીલ અનવરભાઇ માકડા,સાસુ ફેમીદાબેન અનવરભાદ માકડા,સસરા અનવરભાઇ માકડા , મોટા સસરા સલીમભાઇ માકડા, મોટા સાસુ જેબુબેન સલીમભાઇ માકડા (રહે. બધા કિશ્નચીયન ક્રબસ્તાન પાછળ,મોટી પો.સ્ટ ઓફીસ,રાજકોટ) સહિતનાઓના નામ આપ્યા હતા જેમાં તેને જણાવ્યું હતું કે, ગઈ તા.18-6- 2022 ના રોજ લગ્ન થયા હતા.
લગ્નના એકાદ માસ સુધી સારી રીતે રાખ્યા બાદ સાસુએ તારા ભાઈએ કરીયાવરમાં કાંઈ આપ્યું નથી, તને લઈ જતો હોય તો ભલે લઈ જાઈ, તારા આ બીજા લગ્ન છે, માટે તારે અમે કહીએ તેમ રહેવું પડશે, કારણ કે મારા પુત્રના આ પહેલા લગ્ન છે, તને ખબર ન પડે કે સંસાર શું કહેવાય, તારે તો સમજવું જોઈએ ને, જેવા મેણા મારતા હતા.અને સસરાની હાજરીમાં પતિ ગાળો ભાંડતા છતાં તેને રોકવાનીકે સમજાવવાની કોશિષ કરતા નહી. જેઠ પણ પતિને કાંઈ કહેતો નહી. એટલુ જ નહી ઉંચા અવાજે તેની સાથે માથાકુટ કરવા લાગતો હતો. મોટા સસરા અને સાસુ ઘરની બાજુમાં રહે છે.
ઝઘડા વખતે ઘરે આવી તેના પતિનો સાથ આપી કહેતા કે તારા પિયરીઓએ તને કાંઈ આપ્યું નથી, તારા આ બીજા લગ્ન છે, તું ફેઝલથી મોટી છો, છતાં અમે તને રાખીએ છીએ. ચારેક માસ પહેલા ભાઈ ઈમરાનને કોલ કરી બોલાવ્યો હતો. જેણે તેના પતિ અને સાસરીયાઓને સમજાવવાની કોશિષ કરતા પતિએ ઝઘડો શરૂ કરી દીધો હતો. જેથી તેનો ભાઈ પિયર તેડી ગયો હતો.એકાદ માસ પછી પતિ અને સાસરીયાઓ તેને તેડવા આવ્યા હતા. તે વખતે જમાતના પ્રમુખ અને સગા- સંબંધીઓની હાજરીમાં પતિ અને સાસરીયાઓએ તેનો વાંક કાઢી, ખોટુ બોલી ફરીથી ઝઘડો કરી જતા રહ્યા હતા. ત્યારબાદ તેણે ગોંડલ મહિલા પોલીસમાં અરજી આપી હતી. જયાં સાસરીયાઓ સમાધાનની વાતો કરી સમાધાન નહિ કરતા તેને અંતે પોલીસ ફરિયાદ નોંધાવી છે.