જપ, તપ, આરાધના સાથે શિવરાત્રીની રાત્રે રવાડીમાં જોડાશે સાધુ સંતો અને ભકતો
ગરવા ગઢ ગિરનારની ગોદમાં ગીરી તળેટીમાં અગામી તા. 15 ફેબ્રુઆરીથી શરૂ થનાર ભવનાથના શિવરાત્રી મેળાને લઈને દેશભરમાંથી નાગા સાધુઓ જુનાગઢ પહોંચી ગયા છે. અને આ સાધુઓ ભવનાથ ક્ષેત્રના વિવિધ વિસ્તારોમાં શિવરાત્રી દરમિયાન ધુણા ધખાવતા હોવાથી ધુણા બનાવવાની કામગીરી કરી લેવામાં આવી છે. બીજી બાજુ ભગવાન ભુતનાથ દાદાનું મંદિર તથા ભવનાથ ક્ષેત્રમાં આવેલ તમામ મંદિરોને રોશનીથી શણગારવામાં આવ્યા છે. જો કે મેળાને લઈને અનેક ફરિયાદો ગોઠવા પામી છે. અને તંત્ર દ્વારા ઉઠેલી ફરિયાદોનું સત્વરે નિરાકરણ થાય તે માટે માંગ ઉઠવા પામી છે.
જૂનાગઢના ભવનાથ ક્ષેત્રમાં આગામી તા. 15 ફેબ્રુઆરીથી તા. 18 ફેબ્રુઆરી સુધી ચાર દિવસીય શિવરાત્રી મેળાનું ભવ્યાધિ ભવ્ય આયોજન કરવામાં આવી રહ્યું છે. અને તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે આ મેળાનું મુખ્ય આકર્ષણ એવા નાગા સાધુઓ ભારતભરમાંથી જુનાગઢ ખાતે પહોંચી ચૂક્યા છે, અને આ નાગા સાધુઓ ભવનાથ ક્ષેત્રમાં ધૂણી ધખાવી ચાર દિવસ સુધી જબ તપ અને આરાધના કરતા હોવાથી તેમણે પોતાની જગ્યાઓ મુકરર કરી અને ધુણા બનાવવા સહિતની કામગીરી આરંભી દીધી છે. આ નાગા સાધુઓ ચાર દિવસ દરમિયાન વિવિધ રીતે આશનો સાથે જપ, તપ, આરાધના સાથે ભગવાન ભોલેનાથને રિઝવશે. તે સાથે લાખો ભાવિકોને દર્શન આપશે. અને બાદમાં શિવરાત્રીની રાત્રે શાહી રવાડીમાં જોડાશે. જેમા તેઓ વિવિધ કરતુંતો અને અંગ પ્રદર્શન સાથે સમગ્ર ભવનાથ ક્ષેત્રને જય જય ભોલેનાથ, બમ બમ ભોલેના નાદ થી ગુંજવી દેશે.
દર વખતની જેમ આ વખતે પણ ભવનાથ ક્ષેત્રનું પ્રાચીન પ્રસિદ્ધ ભવનાથ મંદિરને શણગારવામાં આવ્યું છે. રોશનીથી જળજળતા અને સુવર્ણ કલરથી ઝળહળતા ભવનાથ મંદિરને રોશનીથી શણગારતા મંદિરનો પ્રભાવ કંઈક અલગ જ પડી રહ્યો છે. ગઈકાલે રવિવારે હતો ત્યારે શહેરના લોકોએ રોશનીથી શણગારેલા ભવનાથ મંદિરનો અલગ જ નજારો નિહાળી આકર્ષિત થયા હતા. આ સાથે ભવનાથ ક્ષેત્રના તમામ પ્રવેશદારો અને ભવનાથ ક્ષેત્રમાં આવેલ મંદિરો આશ્રમો અને ઉતારાઓને પણ રોશની થી શણગારવામાં આવ્યા છે. જેને લઈને ભવનાથ ક્ષેત્ર કંઇક અલગ જ ભાસી રહ્યું છે.
આમ જોઈએ તો, ભવનાથ ક્ષેત્ર મંદિરો અને આશ્રમોથી ભરપૂર છે. પરંતુ મેળા દરમિયાન લગભગ 250 થી વધુ ઉતારા મંડળો અને અનશેત્રો શરૂ કરવામાં આવે છે. ત્યારે ભવનાથ ક્ષેત્રમાં છેલ્લા એક અઠવાડિયાથી અન્ન ક્ષેત્રો દ્વારા સમિ યાણા બંધાઈ રહ્યા છે. અને અહીં આવતા લાખો ભાવિકોની સગવડ સચવાય તે માટે અન્નક્ષેત્ર, ઉતારા મંડળ દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. અને અમુક આશ્રમો તો આજથી શરૂ પણ થઈ જવા પામ્યા છે. જો કે ભવનાથ ઉતારા મંડળના ભાવેશ વેકરીયાના જણાવ્યા અનુસાર, આ મેળામાં મહત્વની સેવા આપતા અને લાખો ભાવિકોની સગવડતા સાચવતા 25 જેટલા ઉતારા, અન્નક્ષેત્રને જગ્યા માટે ફાફા પડ્યા હતા અને જે જગ્યાએ દર વર્ષે અન્નક્ષેત્ર અને ઉતારા ઉભા કરવામાં આવે છે ત્યાં તંત્ર દ્વારા માટી નાખી દેવાતા ઉતારા મંડળના હોદ્દેદારો, કાર્યકરો દ્વારા આ માટીના ઢગ હટાવવા માટે સ્વયં કામગીરી કરવી પડી હતી.
જે તંત્ર માટે શરમજનક બાબત છે. તેમ જણાવી ભાવેશ વેકરીયા એ વધુમાં જણાવ્યું હતું કે, મેળાને લઈને વિવિધ 13 સમિતિની રચના કરાય છે, અને મનપા દ્વારા 4 દિવસમાં દોઢ કરોડનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. ત્યારે ખરા અર્થમાં લોકોની સેવા કરતા અન્નક્ષેત્ર અને ઉતારા મંડળને તંત્રએ પૂરતી સગવાડા આપવી જોઈએ. પરંતુ મેળા પૂર્વે યોજાયેલ મિટિંગમાં ઉતારા મંડળને કલેકટરે સાંભળ્યા નહોતા. જેને કારણે આ વિકટ પરિસ્થિતિ આવી છે. છતાંપણ ઉતારા મંડળ અને અન્ન ક્ષેત્ર દ્વારા અહીં આવતા લાખો ભાવિકોની ભોજન, પ્રસાદ અને ઉતારાની વ્યવસ્થામાં કોઈ કમી રાખવામાં નહીં આવે તેમ ભાવેશ વેકરીયા એ અબ તકને જણાવ્યું હતું.