સ્થાનીક રહેવાસીઓએ મ્યુ.કમિશનરને રજૂઆત કરતા કામ અટકાવી તપાસના આદેશ આપ્યા

જામનગરમાં લાલબહાદુર શાસ્ત્રીનગર વિસ્તારમાં કૂવો ખોદવાનું કામ ચાલુ છે. પરિણામે કેટલાક મકાનમાં તિરાડો પડવા માંડી છે. આ અંગે મહાનગરપાલિકા સમક્ષ રજૂઆતો કરવામાં આવી છે.

જામનગરના લાલબહાદુર શાસ્ત્રીનગરના પાણી સંગ્રહ માટે એક કૂવો બનાવવામાં આવી રહ્યો છે, પરંતુ આ કૂવાના ખોદકામના કારણે આજુબાજુના મકાનોમાં તીરાડો પડી ગઈ છે અને ગમે ત્યારે મકાન પડી જાય તો જાનહાની થવાની પણ દહેશત વ્યક્ત કરવામાં આવી છે.

આ અંગે સ્થાનિક રહેવાસી તમન્ના યોગેશભાઈ ભાયાણી અને કેટલાક રહેવાસીઓ દ્વારા મ્યુનિ. કમિશનર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે. આથી હાલ તો કામ અટકાવી તપાસના આદેશ અપાયા છે, પરંતુ અધુરુ કામ પૂરું થશે જ તેવી દહેશત પણ રહેવાસીઓ માથે ઝળુંબી રહી છે.

આ બાબતે સોસાયટીના પ્રમુખ તેમજ સ્થાનિક કોર્પોરેટર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ પ્રોજેક્ટ પાસ થઈ ગયો છે, એટલે તે પૂરો થશે તેવો જવાબ અરજદારોને મળ્યો છે. જ્યારે અધુરૂ છોડવામાં આવેલ કૂવાનું કામ એ જ સ્થિતિમાં છોડી દેવાતા કોઈ ખુલ્લા કૂવામાં ખાબકવા ની અને  જાનહાની થવા  ની પણ દહેશત વ્યક્ત કરવામાં આવી છે. જો આ મુદ્દે યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો અસરગ્રસ્તો દ્વારા લડત કરવામાં આવશે તેમ પણ જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.