વસુધૈવ કુટુંબકમના સૂત્ર સાથે ભારતની વૈશ્વિક નીતિ તરફ સૌનું ધ્યાન આકર્ષાયું, અમેરિકાએ વડાપ્રધાન મોદીના પ્રયાસોની પ્રશંસા પણ કરી
વસુધૈવ કુટુંબકમના સૂત્ર સાથે ભારતની વૈશ્વિક નીતિ તરફ સૌનું ધ્યાન આકર્ષાયું છે. બીજી તરફ ભારતનો વજન વિશ્વમાં સતત વધી રહ્યો છે. હવે અમેરિકાએ પણ સ્વીકાર્યું છે કે રશિયા- યુક્રેનનું યુદ્ધ વડાપ્રધાન મોદી રોકાવી શકે છે.
રશિયા-યુક્રેન યુદ્ધને લઈને અમેરિકા તરફથી મોટું નિવેદન આપવામાં આવ્યું છે. અમેરિકાએ તરફથી કહેવામાં આવ્યું છે કે, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ યુદ્ધને વિરામ કરી શકે છે. હજુ પણ તે રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિનને યુદ્ધ રોકવા માટે સમજાવી શકે છે. અમેરિકાએ પણ પીએમ મોદીના પ્રયાસોની પ્રશંસા કરી હતી. અમેરિકાનું આ નિવેદન એવા સમયે આપવામાં આવ્યું છે જ્યારે ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ બે દિવસ પહેલા રશિયાના બે દિવસીય પ્રવાસ પરથી પરત ફર્યા છે. ડોભાલે આ દરમિયાન રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે પણ લાંબી વાતચીત કરી હતી.
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ અંગે જ્યારે પૂછવામાં આવ્યું કે શું વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે હજુ પણ યુદ્ધ રોકવાનો કે રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને મનાવવાનો સમય છે? વ્હાઇટ હાઉસની રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના પ્રવક્તા જ્હોન કિર્બીએ કહ્યું કે, “મને લાગે છે કે પુતિન પાસે યુદ્ધને રોકવા માટે હજુ પણ સમય છે. અમે પીએમ મોદી દ્વારા લેવાયેલા પગલાંને આવકારીશું, જે યુક્રેનમાં દુશ્મનાવટને સમાપ્ત કરવા માટે છે.”
થોડા દિવસો પહેલા પીએમ મોદીએ રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે વાતચીત દરમિયાન કહ્યું હતું કે, આ યુદ્ધનો યુગ નથી. પ્રધાનમંત્રીએ ઉઝબેકિસ્તાનના સમરકંદમાં દ્વિપક્ષીય બેઠક દરમિયાન પણ આ વાત કહી હતી. જોન કિર્બીએ કહ્યું કે, પીએમ મોદીની માન્યતા સાચી છે અને અમેરિકાએ તેનું સ્વાગત કર્યું છે. પીએમ મોદીના આ નિવેદનને વૈશ્વિક નેતાઓએ સ્વીકાર્યું અને આંતરરાષ્ટ્રીય મીડિયાએ પણ તેની પ્રશંસા કરી.