પિતા-પુત્રએ કોન્ટ્રાકટરની કાર રોકી લાકડીથી તૂટી પડ્યા: બે શખ્સો સામે નોંધાતો ગુનો
વંથલીમાં રહેતા અને બાંધકામનું કામ કરતા આધેડે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં પોતાની પુત્રીએ પ્રેમલગ્ન કર્યા બાદ છૂટાછેડા લઈ લીધા હતા. પરંતુ પ્રેમી અને તેના પિતા પુત્રીની બદનામી કરતા હોય જે બાબતે સમજાવવા જતા પિતા – પુત્રએ આધેડ પર લાકડીથી હુમલો કર્યો હતો.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ વંથલીમાં રહેતા અને સરકારી બાંધકામના કોન્ટ્રાક્ટ રાખતા વિનોદભાઈ રામજીભાઈ સિંગલ નામના 46 વર્ષીય આધેડે ભીમજી ચૌહાણ અને તેના પુત્ર જગદીશ ચૌહાણ સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
જેમાં જણાવ્યા મુજબ ફરિયાદીની પુત્રી સાથે જગદીશ ચૌહાણે કોર્ટમાં મેરેજ કરી લીધા બાદ બંને પરિવારના સભ્યોએ સાથે મળી નોટરી આધારે છૂટાછેડા કરાવ્યા હતા. પરંતુ તેમ છતાં જગદીશ અને તેના પિતા ભીમજી સમાજમાં ફરિયાદીના પુત્રીની બદનામી કરતા તેઓને સમજાવવા ગયા હતા.
તે દરમિયાન આરોપીઓએ ફરિયાદીની કાર રોકી તેના પર લાકડી વડે હુમલો કર્યા આધેડને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસે ભીમજી અને જગદીશ સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથધરી છે.