માસ્તર સોસાયટીમાં ઘર કંકાશથી ત્રસ્ત પરિણીતાનો ઝેર પી કર્યો આપઘાતનો પ્રયાસ
વાલ્મીકિવાડી વિસ્તારમાં યુવકે ઉંદર મારવાની દવા ગટગટાવી
શહેરમાં વેલનાથપરા અને માસ્તર સોસાયટીમાં રહેતી બે પરિણીતાએ ગૃહકલેશથી કંટાળી વખ ઘોળી લીધું હતું. આ બંને પરિણીતાને ઝેરી અસર થતા સારવાર માટે ખસેડવામાં આવી છે.તો અન્ય બનાવમાં જામનગર રોડ પર વાલ્મીકિવાડી વિસ્તારમાં રહેતા યુવાને પણ ઘર કંકાસ ના કારણે ઉંદર મારવાની દવા ગટગટાવી લેતાં તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
આ અંગેની પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ કોઠારીયા રિંગ રોડ પર આવેલા વેલનાથપરામાં રહેતી સપનાબેન પ્રદ્યુમનકુમાર પ્રસાદ (ઉ.વ.19)ને કોઈ કારણોસર પોતાના પતિ સાથે નોકજોક થઈ હતી. જેના કારણે પોતે ઝેરી દવા પી લેતા તેણીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.
જ્યાં બીજા બનાવમાં માસ્તર સોસાયટીમાં રહેતી પારુલબેન દીપકભાઈ ભૂત (ઉ.વ.40) નામની પરિણીતાને નજીવા પ્રશ્ને પોતાના પતિ સાથે ઝઘડો થયો હતો. પતિ સાથે ઝઘડો થતા પરિણીતાને માઠું લાગી આવતા પોતાના ઘરે વિષપાન કર્યું હતું બંને પરિણીતાને ઝેરી અસર થતા તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.
આ ઉપરાંત અન્ય ત્રીજા બનાવમાં જામનગર રોડ પર આવેલા વાલ્મિકીવાડી વિસ્તારમાં રહેતા ચિરાગ ડાયાભાઈ મકવાણા નામનો 22 વર્ષનો યુવાન પોતાના ઘરે હતો ત્યારે બપોરના બે વાગ્યાના અરસામાં કોઈ અગમ્ય કારણસર ઉંદર મારવાની ઝેરી દવા પી લીધી હતી. યુવકને ઝેરી અસર થતા તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. પ્રાથમિક પૂછપરછમાં ચિરાગ મકવાણાએ ગૃહકલેશથી કંટાળી ઝેરી દવા પી લીધી હોવાનું જાણવા મળ્યું છે ઉપરોક્ત ત્રણેય બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.