રહેણાંક મિલકતો માટે પાણી વેરો રૂ. 840થી વધારી રૂ.1500 કરાયો, કોમર્શિયલ મિલકતો માટે રૂ.1680થી વધારી રૂ. 3000 કરાયો: બિન રહેણાંક મિલકતોનાં પ્રોપર્ટી ટેકસ અને ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશન ચાર્જમાં પણ વધારો
રૈયા ટેલીફોન એકસચેન્જ સર્કલ ખાતે ઓવરબ્રિજ બનાવવા સહિતની નવી 15 યોજનાઓ સ્ટેન્ડિગ કમિટી દ્વારા ઉમેરાય
રાજકોટ મહાનગરપાલિકાનું વર્ષ 2023-24નું રૂ. 39.97 કરોડના તોતીંગ કરબોજ સાથે આજે સ્ટેન્ડિંગ કમિટી દ્વારા રૂ. 2367.80 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે. પાણી વેરામાં 78 ટકાનો વધારો ઝીંકવામાં આવ્યો છે. કોમર્શિયલ મિલકતોમાટે વાટર ચાર્જ ઉપરાંત પ્રોપર્ટી ટેકસ, ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશન ચાર્જમાં વધારો કરવામાં આવ્યો છે.ખડી સમિતિ દ્વારા મંજૂર કરાયેલા બજેટમાં શહેરનાં 150 ફૂટ રિંગ રોડ પર રૈયા ટેલીફોન એકસચેંજ પાસે ઓવરબ્રિજ સહિત 15 નવી યોજનાની જાહેરાત કરવામાં આવી છે.
આ એં પત્રકાર પરિષદમાં વધુ માહિતી આપતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઈ પટેલે જણાવ્યું હતુ કે, મ્યુનીસિપલ કમિશનર અમિત અરોરા દ્વારા ગત 31મી જાન્યુઆરીના રોજ રાજકોટ મહાનગરપાલિકાનું વર્ષ 2023-24નું રૂ.2586.82 કરોડનું ડ્રાફટ બજેટ રજૂ કરવામાં આવ્યું હતુ. જેમાં શહેરીજનો પર રૂ.100.36 કરોડનો કરબોજ લાદવાનું સૂચન કરવામાં આવ્યું હતુ. સ્ટેન્ડિંગ કમિટી દ્વારા ડ્રાફટ બજેટનો ઉંડાણ પૂર્વકનો અભ્યાસ કર્યા બાદ સૂચિત રૂ.100.36 કરોડના કરબોજમાં રૂ. 60.39 કરોડની રાહત આપવામાં આવી છે. અને રૂ. 39.97 કરોડના વધારા સાથેનું વાસ્તવિક બજેટ મંજૂર કરવામાં આવ્યું છે.
મ્યુનિસિપલ કમિશનરે સુચવેલા રૂ.100.36 કરોડના કરબોજમાં 60.39 કરોડનો ઘટાડો કરાયો: રહેણાંક મિલકતોને ગાર્બેજ ટેકસ અને મિલકત વેરામાં વધારાથી રાહત: થીયેટર ટેકસમાં પણ માત્ર 25 રૂપીયાનો વધારો
બજેટના કદમાં 51 કરોડનો વધારો કરતી સ્ટેન્ડિંગ ઝોન ઓફિસ-સિવીક સેન્ટરોમાં કાયમી હેલ્પ ડેસ્ક અને કોર્પોરેટરો માટે ખાસ મોબાઈલ એપની જાહેરાત
ડ્રાફટ બજેટમાં મ્યુનિસિપલ કમિશનર દ્વારા રહેણાંક મિલકતો માટે પાણી વેરાનો હયાત દર વાર્ષિક રૂ. 840થી વધારી માસિક રૂ.200 લેખે વાર્ષિક રૂપીયા 2400 કરવાનું સૂચન કરવામાં આવ્યું હતુ. જેનીસામે સ્ટેન્ડિંગ કમિટીએ માસિક રૂ.125 લેખે વાર્ષિક રૂ.1500 કરવાનો નિર્ણય લીધો છે. જયારે બિન રહેણાંક મિલકતો માટે પાણી વેરાનો દર વાર્ષિક રૂ. 1680થી વધારી માસિક રૂ.400 લેખે વાર્ષિક રૂ. 4800કરવાની દરખાસ્ત કરાય હતી જે ખડી સમિતિ દ્વારા માસિક રૂ.250 લેખે વાર્ષિક રૂ.3000 કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. મ્યુનિસિપલ કમિશ્નરે પાણી વેરો ત્રણ ગણો કરવાની દરખાસ્ત કરાય હતી. જેમાં સ્ટેન્ડિંગ કમિટી દ્વારા 78 ટકાનો વધારો કરાયો છે.
તેઓએ વધુમાં ઉમેર્યું હતુકે, રહેણાંક મિલકતો માટે હાલ વસુલાતા ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશન ચાર્જ રૂ. 365થી વધારી રૂ. 730 કરવા સૂચન કરાયું હતુ જે નામંજૂર કરાયો છે. અને રહેણાંક મિલકત માટેનો હાલનો દર વાર્ષિક રૂ. 365 યથાવત રાખવામાં આવ્યો છે. જયારે બિન રહેણાંક મિલકતો માટે ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશન ચાર્જ રૂ. 730 થી વધારી રૂ. 1460 કરવામાં આવ્યો છે. મિલકત વેરાના હયાત દરમાં રહેણાંક હેતુની મિલકત માટે હાલ કાર્પેટ એરિયા મુજબ પ્રતિ ચોરસમીટર રૂ.12 ચાર્જ વસુલ કરવામાંઆવે છે. તેને રૂ.13 કરવાની દરખાસ્ત કરાય હતી. જે નામંજૂર કરવામાં આવી છે. જયારે બિન રહેણાંક મિલકતો માટે હાલ પ્રતિ ચોરસ મીટર જે 22 રૂપીયા પ્રોપર્ટી ચાર્જ વસુલ કરવામાં આવે છે તે રૂ.25 કરવા દરખાસ્ત કરાય હતી. તેને માન્ય રાખવામાં આવ્યો છે.
આ ઉપરાંત થિયેટણ ટેકસ રૂ.100થી વધારી રૂ.1000 કરવા સૂચન કરવામાં આવ્યુ હતુ તેમાં પણ રાહત આપવામાં આવી છે. અને થીયેટણ ટકેસ રૂ.100થી વધારી માત્ર રૂ.125 કરાયો છે. પર્યાવરણ વેરા (એન વાયરમેન્ટ ચાર્જ)ના નામે નવો વેરો લાદવામાં આવ્યો છે. ડ્રાફટ બજેટમાં કોમર્શિયલ મિલકતોનો કાર્પેટ એરિયા 50 ચોરસ મીટરથી વધુ હોય તેવી મિલકતો પાસેથી સામાન્ય કરના 13 ટકા વસુલવા સુચન કરાયું હતુ જે 10 ટકા લેખે વસુલવાનું મંજૂર કરાયું છે.
જયારે ખૂલ્લા પ્લોટ ઉપર વસુલવામાાં આવતા ટેકસના દરમાં વધારો કરવાની જે દરખાસ્ત કરાય હતી તેમાં પણ રાહત આપવામાં આવી છે.500 ચો.મી. સુધીના ખૂલ્લાપ્લોટ માટેનો વાર્ષિક 14 રૂપીયા પ્રતિ ચોરસ મીટર યથાવત રાખવામાં આવ્યો છે. જયારે 500 ચો.મી.થીવધુ ક્ષેત્રફળનાં પ્લોટ માટેનો દર 21 રૂપીયાથી વધારી રૂ.42 કરવા દરખાસ્ત કરાય હતી જે રૂ.28 કરવામાં આવ્યો છે.જયારે આ ઉપરાંત કોઈપણ ભાગ માટે વાણીજયક હેતુ માટે ઉપયોગ થતો હોય તેવા ખૂલ્લા પ્લોટો માટે વાર્ષિક ચાર્જ પ્રતિ ચોરસ મીટણ રૂ.28થી વધારી રૂ. 56 કરવાનું સૂચન હતુ જે રૂ.42 કરવામા આવ્યુંં છે.
સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઈ પટેલે વધુમાં ઉમેર્યું હતુ કે આપણુ રાજકોટ વિકાસપથ પર સતત આગેકૂચ કરતુ રહે અને નાગરિકોની વ્યાજબી અપેક્ષાઓ પરિપૂર્ણ થાય ઉપરાંત વિકાસને અવરોધતી નાની મોટી સમસ્યાઓ કે અન્ય પ્રશ્ર્નોના જાહેર હિતમાં યોગ્ય અને વાજબી ઉકેલ આવે તે દિશામાં ચૂંટાયેલી પાંખ હર હંમેશ હકારાત્મક દ્રષ્ટિકોણ અપનાવે છે.
મ્યુનિસિપલ કમિશનરે રજૂ કરેલા વર્ષ 2023-24નું રૂ.2586.82 કરોડનૂં ડ્રાફટ બજેટ રજૂ કરાયુંહતુ જેમાં રૂ.100.36 કરોડનો કરબોજ લાદવામાં આવ્યો હતો. સ્ટેન્ડિંગ કમિટી દ્વારા ઉંડાણ પૂર્વકના અભ્યાસનાં અંતે સુચિત કરબોજમાં રૂ. 60.39 કરોડની રાહત આપવામાં આવી છે. રૂ. 39.97 કરોડના કરબોજ સાથે બજેટના કદમાં રૂ. 50.98 કરોડનો વધારો કરવામા આવ્યો છે.અને રૂ. 2637.80 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે.
બજેટમાં સ્ટેન્ડિંગ કમિટી દ્વારા નવી 15 યોજનાઓનો ઉમેરો કરવામાં આવ્યો છે. 150 ફૂટ રીંગરોડ પર રૈયા ટેલીફોન એકસચેંજ પાસે ઓવરબ્રીજ બનાવવા માંટે રૂ. 10 કરોડ ફાળવવામાં આવી છે. આ ઉપરાંત મોટામવા સ્મશાન પાસે વાહન પાર્કિંગની વ્યવસ્થા, ઈસ્ટઝોનમાં વોર્કિંગ ટ્રેક સાથેનું પ્લે ગ્રાઉન્ડ, રાજકોટ દર્શન સિટી બસ, 78 ડ્રસ્ટ ફઽી રોડ પૈકી 40 રોડ પર પેવીંગ બ્લોક કરવા, તમામ ઝોન કચેરી અને સિવીક સેન્ટરોમાં કાયમી હેલ્પ ડેસ્ક, સ્માર્ટ સ્કુલ, પ્રાથમિક શાળાઓમાા રંગરોગાન, 26મી જાન્યુઆરી, 15મી ઓગષ્ટ અને 2 ઓકટોબરે મહાત્મા ગાંધી મ્યુઝિયમમા બાળકોને નિ:શુલ્ક પ્રવેશ, રામનવમીએ રામવનમાં નિ:શુલ્ક પ્રવેશ, ઝોન દીઠ એક બોકસ ટેનીસ ક્રિકેટ, કોમ્યુનિટી હોલ, કાઉન્સીલર્સ મોનીટરીંગ એપ અને એમઈએમસી યોજના જાહેર કરાય છે.નવી 15 યોજના માટે રૂ. 39.25 કરોડની જોગવાઈ કરાય છે.
જંત્રી દર વધતા એફએસઆઈનો લક્ષ્યાંક 100 કરોડ વધારી દેવાયો
ચાર્જેબલ એફએસઆઈથી 240 કરોડની આવક થવાનો અંદાજ
રાજય સરકાર દ્વારા જંત્રીદરમા રાતોરાત બમણો વધારો ઝીંકી દેવામાં આવ્યો છે.જેના કારણે રાજકોટ મહાનગરપાલીકાના ભાજપના શાસકો દ્વારા પણ સેલેબલ એફએસઆઈના આવકના લક્ષ્યાંકના 100 કરોડ રૂપીયાનો તોતીંગ વધારો કરવામાં આવ્યો છે.
મ્યુનીસિપલ કમિશનરે રજૂ કરેલા રૂ. 2586.82 કરોડના બજેટમાં રાજકોટવાસીઓ પર 100.36 કરોડનો કરબોજ સુચવવામાં આવ્યો હતો. દરમિયાન સ્ટેન્ડિંગ કમિટીએ 40 કરોડનો કરબોજ માન્ય રાખી બજેટના કદમાં 51 કરોડનો વધારો કરી રૂ. 2637.80 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે.
60 કરોડનો કરબોજ ઓછો કરવામાં આવતા અને બજેટના કદમાં 51 કરોડનો વધારો કરાતા રૂ.111 કરોડનો ખાડો પડયો છે જે સરભર કરવા માટે સેલેબલ એફૃેસઆઈથી થનારીઆવકનો લક્ષ્યાંક વધારી દેવામા આવ્યો છે.મ્યુનિસિપલ કમિશનરે એફએસઆઈથી થનારી આવકનો લક્ષ્યાંક 140 કરોડ રાખ્યો હતો.
દરમિયાન સ્ટેન્ડિંગ કમિટીએ ચાર્જેબલ એફએસઆઈનો ટારગેટ 240 કરોડ કર્યો છે. આ ઉપરાંત જમીન વેચાણનો લક્ષ્યાંક 400 કરોડ અને ટેકસની આવકનો ટારગેટ 410 કરોડ રાખવામાં આવ્યો છે.
કોર્પોરેશનમાં 17મીએ બજેટ બોર્ડ
સ્ટેન્ડિંગ કમિટી દ્વારા મંજૂર કરાયેલા બજેટને બોર્ડમાં બહાલી અપાશે
રાજકોટ મહાનગરપાલિકા નું વર્ષ 2023-24 નું રૂ.2637.80 કરોડનું બજેટ આજે સ્ટેન્ડિંગ કમિટી દ્વારા મંજૂર કરાયાની ગણતરીની જ કલાકોમાં બજેટને બહાલી આપવા માટે આગામી 17મી ફેબ્રુઆરીના રોજ જનરલ બોર્ડની બેઠકનો એજન્ડા પ્રસિદ્ધ કરી દેવામાં આવ્યો હતો.
જનરલ બોર્ડમાં અલગ અલગ 13 દરખાસ્ત અંગે નિર્ણય લેવામાં આવશે.જેમાં સ્ટેન્ડિંગ કમિટીએ મંજૂર કરેલા નવા નાણાકીય વર્ષના અંદાજપત્ર ઉપરાંત ચાલુ નાણાકીય વર્ષનું રીવાઈઝડ બજેટ ઉપરાંત અલગ અલગ વેરા નિયત કરવા અંગેની દરખાસ્ત પર નિર્ણય લેવાશે. બજેટ બોર્ડમાં પ્રશ્નોત્તરીકાળ હોતો નથી.માત્ર બજેટ અંગે ચર્ચા કરી તેને મંજૂરી આપવામાં આવતી હોય છે.
રૈયા ટેલીફોન એકસચન્જ ચોકમાં ઓવર બ્રિજ બનાવાશે
10 કરોડની જોગવાઈ કરતી સ્ટેન્ડિંગ કમિટી: 150 ફૂટ રીંગરોડ પર છઠ્ઠો બ્રિજ બનાવવાનો નિર્ણય
શહેરના હાર્દ સમાન 150 ફૂટ રિંગ રોડ પર વધુ એક ઓવરબ્રિજ બનાવવાની જાહેરાત આજે સ્ટેન્ડિંગ કમિટી દ્વારા કરવામાં આવી છે.રૈયા ટેલીફોન એકસચેંજ સર્કલ પાસે ઓવરબ્રિજ બનાવવા માટે બજેટમાં 10 કરોડ રૂપીયાની જોગવાઈ કરવામાં આવી છે. શહેરના વેસ્ટ ઝોનમાં રૈયા ટેલીફોન એક્સ્ચેન્જ આસપાસ આવેલ બહુમાળી ઈમારતો , હોસ્પિટલો , શૈક્ષણિક સંકુલો , કોમર્શિયલ કોમ્પ્લેક્ષ વિ. ને લીધે ગીચ વાહન વ્યવહાર રહે છે તેમજ આ વિસ્તારમાંથી શહેરમાં નોકરી ધંધાર્થે દૈનિક ધોરણે પસાર થતા શહેરીજનોની સંખ્યા પણ સવિશેષ રહે છે જેને ધ્યાને લઇ, રૈયા ટેલીફોન એક્ષચેન્જ ખાતે ઓવરબ્રીજની સુવિધા આપવામાં આવશે.
નાણાકીય વર્ષ 2023/24ના બજેટમાં રૂ .10 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.અત્રે ઉલ્લેખનીય છે કે હાલ 150 ફૂટ રિંગરોડ પર કે.કે.વી. ઈન્દીરા સર્કલ, રૈયા ચોકડી, મવડી ચોકડી, નાનામવા સર્કલ, રામાપીર ચોકડી ખાતે કોર્પોરેશન દ્વારા ટ્રાફીકની સમસ્યા હલ કરવા માટે ઓવરબ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું હતુ બે વર્ષ પુર્વે ઉમીયા ચોક ‘રાધે ચોકડી’ ખાતે પણ બ્રિજ બનાવવાની ઘોેષણા કરાય હતી જે નિર્ણય પડતો મુકવામા આવ્યો છે. અને હવે રૈયા ટેલીફોન એકસચેંજ પાસે બ્રિજ જાહેર કરાયો છે. જોકે હાલ 150 ફૂટ રીંગરોડ પર સૌથી વધુ ટ્રાફીક રૈયા અકેસચેંનું ચોક અને બીગ બજાર ચોક પાસે રહે છે. ભવિષ્યમાં બીગ બજાર ચોક પાસે પણ બ્રિજ બનાવવાની જરૂરીયાત ઉભી થશે.