બેડીની દિવેલીયાની જગ્યા બારોબાર “ધૂપલ” થઈ ગઈ

એક વેચાણના પ્રકરણમાં શંકા ઉપજતા જિલ્લા કલેકટરે સુઓમોટો લઇ નોંધને રિવિઝનમાં લીધી, આજે સુનાવણી હાથ ધરી પક્ષકારોને સાંભળ્યા

બેડીમાં દિવેલીયા- ધુપેલીયાની જમીન વેચી મારવાનું મોટું કૌભાંડ થયાની આશંકા સેવાઇ રહી છે. આવા જ એક વેચાણના પ્રકરણમાં શંકા ઉપજતા જિલ્લા કલેકટરે સુઓમોટો નોંધને રિવિઝનમાં લીધી હતી.જેમાં આજે સુનાવણી હાથ ધરી કલેકટરે પક્ષકારોને સાંભળ્યા હતા.

સુત્રોમાંથી મળતી વિગત અનુસાર જિલ્લા કલેકટર દ્વારા બેડીમાં દિવેલીયાની જમીનના વેચાણની નોંધ રિવિઝનમાં લેવામાં આવી હતી.

આ જમીન દિવેલીયા ધુપેલીયામાં મળી હોય, જેનું કાયદેસર રીતે વેચાણ કરી શકાતું ન હોવા છતાં પ્રભુદાસ હરિલાલે અશ્વિનસિંહ નામના ભાવનગરના વ્યક્તિને વેચી નાખી હતી. આ કેસ અંગે જિલ્લા કલેકટર દ્વારા આજે સુનાવણી પણ હાથ ધરવામાં આવી હતી. જેમાં આ પક્ષને કલેકટરે સાંભળ્યા પણ હતા.

બીજી તરફ સુત્રોમાંથી એવી જાણકારી મળી છે કે દિવેલીયાની અંદાજે 5 એકર જેટલી જમીન હતી.

જેમાંથી 2થી 3 એકર જમીન વેચી નાખવામાં આવી છે. હાલ બેડીમાં એકરના બે કરોડ જેટલો ભાવ ચાલી રહ્યો છે. આ જમીન જે વ્યક્તિને વેચવામાં આવી છે. તેને પણ ત્રીજી પાર્ટીને આ જમીન વેચી નાખી છે.

બીજી તરફ આ જમીન ઉપર બાંધકામ પણ ખડકાઈ ગયા હોવાનું જાણવા મળે છે.

વેચાણ બાદ દિવેલીયાની જમીન ઉપર બાંધકામો પણ ખડકાઈ ગયા

એક સુત્રએ નામ ન દેવાની શરતે જણાવ્યું કે દિવેલીયાની જે જમીનનું વેચાણ કરવામાં આવ્યું છે. તે જમીન ઉપર હાલ મોટા પાયે બાંધકામ પણ ખડકાઈ ગયા છે. આ ઉપરાંત અમુક લોકોએ તો કરોડો ખર્ચીને તેના ઉપર બંગલાઓ પણ બનાવ્યા છે. ત્યારે હવે બાંધકામ કરનારાઓનું શુ થશે તે પ્રશ્ન ચર્ચાઈ રહ્યો છે.

પુજારીએ જેમને જમીન વેચી તેને પણ બીજાને વેચી નાખી !

મળતી વિગત અનુસાર જે પુજારીએ દિવેલીયા ધુપેલીયાની જમીન ભાવનગરના એક વ્યક્તિને વેચી હતી. તે વ્યક્તિએ તો અન્ય વ્યક્તિને જમીન વેચી પણ નાખી છે. પણ હજુ સરકારી ચોપડે આ વ્યવહાર નોંધાયો નથી. આ જમીન રાજકોટના બે વ્યક્તિએ ખરીદી હોવાનું ધ્યાને આવ્યું છે.

રાજકોટના એક ખરીદનાર પાર્ટી જમીનના લીધે જ ઉઠી ગઈ!

રાજકોટના બે વ્યક્તિએ ભાગીદારીમાં આ જમીન ખરીદી હતી. જમીન દિવેલીયાની હોવાથી તેમાં કવેરી નિકળવાનું શરૂ થયું હતું. આ જમીન અંતિમ તબક્કે જેમના પાસે હતી. તેવા બે વ્યક્તિમાંથી એક વ્યક્તિ તો આ જમીનના કારણે કંગાળ પણ બની ગયો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.