એરપોર્ટની હદમાં વધુ જમીન ઉમેરાશે
ગ્રામજનોએ તંત્ર તરફથી વળતર સ્વીકારી લેતા તાલુકા મામતદારની ટીમે 10થી 12 મકાન અને વાડાઓ હટાવ્યા
હીરાસર એરપોર્ટની જમીન સંપાદનનો છેલ્લા ઘણા સમયથી ગુંચવાયેલો પ્રશ્ન અંતે હલ થયો છે. આજે હીરાસર ગામમાં તંત્રએ ડીમોલેશન હાથ ધરી 12 હજાર ચો.મી. જગ્યા ખુલ્લી કરાવી છે.
રાજકોટની ભાગોળે હીરાસર એરપોર્ટનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. આ માટે કલેકટર તંત્ર દ્વારા જમીન સંપાદન કરી દેવામાં આવી હતી. પણ હીરાસર ગામની જમીન્ની સંપાદન છેલ્લા ઘણા સમયથી અટકેલું પડ્યું હતું. ગ્રામજનો ઉંચા વળતર અને અન્ય જગ્યાએ પ્લોટનું માંગણી કરી રહ્યા હતા. પણ અંતે તંત્રની સમજાવટથી મિલ્કત ધારકો માની જતા તેને વળતરના ચેક આપી દેવામાં આવ્યા હતા. ત્યારબાદ આજે હીરાસર ગામ ખાતે બિન કાયદેસર ગામ તળ અને સરકારી ખરાબા માં આવેલા 10 થી 12 જેટલા મકાનો અને વાડાઓ સાથે લગભગ 20000 ચોરસ મીટર સરકારી જમીન ખુલ્લી કરાવવામાં આવી. આ કામગીરીમાં મામલતદાર કે કે કરમટા, તાલુકા વિકાસ અધિકારી, રાજકોટ તાલુકા અને પોલીસ તથા જીઈબીનો સ્ટાફ જોડાયો હતો.
હવે બ્લાસ્ટિંગ કરી જમીનને સમથળ બનાવવામાં આવશે
હીરાસર ગામની જમીન ઉપરના મકાનો અને વાડાઓ તંત્રએ હટાવી દીધા છે. હવે આ જમીન એરપોર્ટની હદમાં ઉમેરી દેવામાં આવશે. આ વિસ્તાર ટેકરાળ હોય માટે હવે આ જગ્યાએ બ્લાસ્ટિંગ કરીને જમીનને સમથળ બનાવવામાં આવશે. બાદમાં તેને એરપોર્ટની જમીનમાં ઉમેરી દેવામાં આવશે તેવું જાણવા મળ્યું છે.