સ્વામી વિવેકાનંદ મુજબ નૈતિક શિક્ષણ વ્યક્તિના આચરણને સદાચારી બનાવે છે.નૈતિકતા એ વ્યક્તિના જીવનના વિવિધ ક્ષેત્રે કેળવાતો એક અભિગમ છે.શિક્ષણ એવું હોવું જોઈએ જે વ્યક્તિના અભિગમ,લાગણીઓ અને ચારિત્ર્યને સાચી દિશા ચીંધી શકે.વ્યક્તિના જ્ઞાનાત્મક,ભાવનાત્મક અને કાર્યક્ષમતાની સાથે વ્યક્તિ વિકાસને સંલગ્ન શારીરિક, માનસિક,આર્થિક,સામાજિક,રાજકીય સાંસ્કૃતિક,નૈતિક અને આધ્યાત્મિક જેવા દરેક પાસાઓને આવરી લે એવું શિક્ષણનું પરિરૂપ હોવું જોઈએ.જેનો આધાર વિવિધ ધર્મોમાં સામ્યતા ધરાવતા નૈતિક મૂલ્યોની સામ્યતા પર હોય.

ડો.રાધાકૃષ્ણન,ગાંધીજી અને ટાગોર જેવા મહાપુરુષોએ એ વાત પર ભાર મૂક્યો કે શિક્ષણ એવું હોય જે વ્યક્તિ અને સમાજને નૈતિકતા થકી આધ્યાત્મિકતાના મૂલ્યો શીખવે.દરેક વ્યક્તિ એ વાત પ્રત્યે સભાન હોય કે તે પોતાની જાત માટે,તેના માતા-પિતા અને કુટુંબ માટે,પડોશી અને સમાજ માટે અને ઈશ્વર સામે ઉત્તરદાયી છે.સમાજ સેવા, સંવેદનશીલતા,સહાનુભૂતિ,સાથ અને સહકારની ભાવના,બલિદાન અને સદાચારનો શિક્ષણમાં સમાવેશ થવો જોઈએ.

વ્યક્તિના વિચારોની શિષ્ટતા યથાર્થ કામ કરવાની ક્ષમતા અને સહાનુભૂતિ જેવા ગુણો કેળવવા માટે શિક્ષણની કોઈ એક પદ્ધતિ પર અમલ કરવો ડહાપણ ભર્યો નથી.આમ તો નૈતિકતા એ શીખવવાની નહીં,પણ આચરણની પ્રક્રિયા છે.પરંતુ આ એવા સમાજમાં શક્ય છે જ્યાં સદાચાર,આચરણ અને શિષ્ટાચાર સમાજના આદર્શ હોય.સમાજના આગેવાનો અને કુટુંબના વ્યક્તિઓનું સદાચારી વલણ જોઈ બાળકો અને નવયુવાન પેઢીઓ તેને જીવનમાં ઉતારે.આપણે જાણીએ છીએ તેમ આ પરિસ્થિતિ ભાગ્યે જ જોવા મળે છે.એટલે આજે શિક્ષણ અને આચરણ બંનેની જરૂર છે.

આપણે ઉપર જોઈ ગયા તેમ નૈતિકતા એ શીખવવાની નહીં,પણ આચરણની પ્રક્રિયા છે.સૌ પ્રથમ તો બાળકના માતા-પિતાએ અને શિક્ષકોએ પોતાના વર્તન વ્યવહારમાં નૈતિક મૂલ્યો લાવવા પડશે.બાળકના વર્તન વ્યવહારમાં મા બાપ અને શિક્ષકના વર્તન વ્યવહારની જબરી અસર સર્જાતી હોય છે.આથી બાળક જ્યારે ઘરમાં હાજર હોય ત્યારે તેની હાજરીમાં માતા-પિતા એ બોલવામાં અને વર્તન વ્યવહારમાં ખૂબ જ સાવધાની વર્તવી જરૂરી છે.’બાળકને કંઈ ખબર ના પડે બાળક હજુ નાનું છે.’એવી ધારણા રાખવી,એ ભીંત ભુલવા બરોબર છે.બાળકને સત્ય બોલવાની શીખ આપવાનો આપણે આગ્રહ રાખીએ,પરંતુ બાળકની હાજરીમાં જ અનેક વખત જુઠાણું આચરીએ અને જો બાળક ખોટું બોલતા શીખે,તો આપણે કોને જવાબદાર ઠેરવીશું? નૈતિક મૂલ્યોના પાઠ બાળકના આચરણમાં ઉતારવા માટે ઘરનું વાતાવરણ શિષ્ટાચાર અને નૈતિક મૂલ્યોથી છલકાતું હોવું ઘટે.છે.બાળક શાળાએ જાય ત્યારથી શિક્ષકના વર્તન વ્યવહારના પ્રભાવમાં આવતો હોય છે.આથી શાળામાં શિક્ષકોએ પણ વિદ્યાર્થીની હાજરીમાં પોતાના વર્તન વ્યવહારમાં ખૂબ જ જાગૃત રહેવું જોઈએ.

વિશ્વના વિકસિત દેશો જેવા કે જર્મન અને જાપાનની શાળાઓમાં ભારતના ઋષિમુનિઓના ફોટા જોવા મળે છે.ત્યાંની શાળાઓમાં પંચતંત્ર અને હિતોપદેશની વાર્તાઓનો અભ્યાસક્રમમાં સમાવેશ કરવામાં આવ્યો છે.વિષ્ણુ ગુપ્તનું આ સર્જન જ નૈતિક મૂલ્યોના પાઠ શીખવી શકે છે.આપણા દેશની કમનસીબી રહી છે,કે આવા નૈતિક મૂલ્યોનો બોધ આપતું શિક્ષણ આપણા સિલેબસમાં નથી.આ લખનારે જ્યારે પ્રાથમિક શિક્ષણ લીધું ત્યારે અભ્યાસક્રમમાં હિતોપદેશ અને પંચતંત્રની વાર્તાઓનો સમાવેશ કરવામાં આવતો હતો.

આપણા ધર્મગ્રંથો જ નીતિમત્તાના પાયારૂપ છે.કોઈ પણ બાળક જે કોઈ પણ ધર્મનો હોય તેને તેના ધર્મગ્રંથનો અભ્યાસ કરાવવો જોઈએ.જો એ હિંદુ ધર્મનો હોય તો તેને વેદ,ઉપનિષદ,ગીતા અને રામાયણનો અભ્યાસ કરાવવો જોઈએ.જો એ મુસ્લિમ હોય તો કુરાન એ શરીફનો અભ્યાસ કરાવવો જોઈએ.જો એ ખ્રિસ્તી હોય તો બાઇબલનો અભ્યાસ કરાવવો જોઈએ.અને જો એ શીખ હોય તો તેને ગુરુ ગ્રંથ સાહેબનો અભ્યાસ કરાવવો જોઈએ.આમ કરવાથી બાળકના જીવનમાં નાનપણથી જ પોતાના ધર્મના નૈતિક મૂલ્યોની સમજણ પડવા લાગશે.આમ થવાથી બાળક દેશનું ઉજ્જવળ નાગરિક નહીં,બલકે શ્રેષ્ઠ સંતાન પણ બનશે.વિશ્વના કોઈપણ ધર્મગ્રંથ ક્યારેય કોઈને નીતિ વિરુદ્ધનું શીખવતા નથી.દરેક ધર્મગ્રંથોએ હંમેશા દરેકના જીવનમાં મૂલ્યોનો વિકાસ કેમ થાય એ જ શીખવ્યું છે.

રહી વાત આ ધર્મગ્રંથોનો પરિચય શાળા કક્ષાએ કરવામાં આવે તો ઉત્તમ અને અપેક્ષિત ગણી શકાય,પરંતુ માની લઈએ કે એ શક્ય નથી,તો માતા-પિતા પણ ઘરમાં બાળકને પોતાના ધર્મગ્રંથો વિશે અવગત કરીને નૈતિકતાના પાઠ શીખવી શકે.    આજે ભારતમાં સાક્ષરતાનો દર સંતોષકારક છે.પરંતુ આપણી સામાજિક, સાંસ્કૃતિક અને નૈતિક જીવનની અવ્યવસ્થાએ દેશમાં અશાંતિનું વાતાવરણ ઉભું કરી દીધું છે.દુ:ખ સાથે કહેવું પડે છે કે,આજે કોમવાદ,વ્યભિચાર,બળાત્કાર, ભેળસેળ,લૂંટમાર,ચોરી,હત્યા,બાળ શોષણ,ભ્રષ્ટાચાર અને બીજી અસામાજિક પ્રવૃત્તિઓમાં કહેવાતા શિક્ષિત લોકો જ મોખરે છે.આતંકવાદના ઓથે આતંકવાદ  આચરનારા અભણ માણસો નથી.એ બધા ડિગ્રીધારી જ છે.નકલી નોટ છાપનાર કે નકલી ખાદ્ય ચીજ વસ્તુઓના ઉત્પાદકો ભણેલા ગણેલા જ છે.દર્દીઓના અવયવો કાઢી લઈ વેચી નાખનારા કે કોરોના કાળની મહામારીમાં મેડિકલ સાધનોની અછત ઉભી કરી,દર્દીઓને લૂંટનારા ડોક્ટરો મેડિકલ સાયન્સના ઉચ્ચ પદવીધારીઓ જ છે.નબળા રોડ-રસ્તા,મકાન,ઇમારત બનાવી ભ્રષ્ટાચાર આચરનારા એન્જિનિયરો પાસે પૂરતું ટેકનિકલ જ્ઞાન છે જ.તેમ છતાં આવું કેમ થાય છે ?      આ બધા લોકોએ  માત્ર વિદ્યા જ મેળવી છે.સદવિદ્યા નથી મેળવી.બ્રહ્મવિદ્યા નથી મેળવી.જો આ લોકોને બાળપણમાં ઘરમાં તેમના માતા-પિતા દ્વારા સદવિદ્યા કે બ્રહ્મવિદ્યા મળી હોત કે પછી શાળામાં શિક્ષક પાસેથી મૂલ્ય શિક્ષણના પાઠ ભણવા મળ્યા હોત તો તે ઉપર વર્ણવ્યા મુજબનું એક પણ અનૈતિક કામ કરવા ક્યારે ય ન પ્રેરાત.એવું અઘટિત કામ કરતા તેમનો આત્મા ચોક્કસ ડંખ્યો હોત.   રાજાશાહી શાસનનો એક કિસ્સો છે:ભાવનગરમાં એક વખત મોટી આગ લાગી. અને એણે ભયંકર સ્વરૂપ લીધું.પાસે જ દરબારગઢ હતો.આગ શમાવવા દરબાર ગઢની ભીંતો તોડી પાડવા માટે તોપો લાવવામાં આવી.તોપના બે ત્રણ ભડાકા કર્યા,પણ ભીંતે મચક ના આપી.ત્યાં આગળ પીતાંબર મિસ્ત્રી ઉભા હતા.એમણે ભાવનગરના દીવાનને કહ્યું,’પટણી સાહેબ ! મારા બાપા પોચા મિસ્ત્રીની ચણેલી ભીંત છે.તોપથી નહીં તૂટે.’ પોચા મિસ્ત્રીનો દીકરો છાતી ઠોકીને પોતાના બાપ માટે વેણ કાઢી શક્યો,તેવા વેણ કોઈ શિક્ષક આત્મવિશ્વાસથી પોતાના વિદ્યાર્થી માટે કાઢી શકે ખરો ?

’એ વિદ્યાર્થીને મેં ભણાવ્યો છે,એ કદી ભ્રષ્ટાચાર ન કરે.’

કોઈ મા બાપ કહી શકે ખરો ?

’એ મારું સંતાન છે,એ ભ્રષ્ટાચાર ન કરી શકે.’

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.