શહેનશાહે પ્રદેશ આગેવાનો સાથે બેઠકમાં ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા અને તે પૂર્વે માઈક્રો મેનેજમેન્ટની છેલ્લી કામગીરી અંગે મહત્વપૂર્ણ સુચનાઓ આપી
એક સપ્તાહ સુધી ગુજરાતમાં રોકાઈ ભાજપ અધ્યક્ષ અમિત શાહે સામાજિક, રાજકીય અને જનતાના મુડનો કયાસ કાઢયા બાદ ત્રણ-ત્રણ ઉમેદવારોની યાદી બનાવી છે. તમામ ૧૮૨ વિધાનસભા બેઠકો પર ભાજપે ત્રણ-ત્રણ ઉમેદવારોને વિકલ્પ બનાવ્યા છે. ગઈકાલે અમિત શાહે પ્રદેશ આગેવાનો સાથે વિસ્તૃત બેઠક કરી હતી અને બેઠકમાં ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા તેમજ તે પૂર્વે માઈક્રો મેનેજમેન્ટની છેલ્લી કામગીરી અંગે મહત્વપૂર્ણ સુચનાઓ આપી હતી.
ભાજપ અધ્યક્ષ અમિત શાહે પ્રદેશના આગેવાનો સમક્ષ ૧૮૨ બેઠકોમાંથી લક્ષ્ય પ્રમાણે ૧૫૦ પ્લસ બેઠકો જીતવા માટે ભલામણો કે દબાણોને વશ થવામાં નહીં આવે તેવો સ્પષ્ટ સંદેશો આપ્યો હોવાનું જાણવા મળે છે. હાલ ભાજપ દ્વારા ૧૮૨ વિધાનસભા બેઠકો માટે પ્રારંભીક તબકકે ત્રણ-ત્રણ ઉમેદવારોને વિકલ્પ તરીકે ફાઈનલ કરવામાં આવ્યા છે.
સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતની એંશીથી વધારે બેઠકોમાં ભારે ગણિત ગોઠવવા પડશે. આ સંજોગોમાં પ્રત્યેક બેઠક માટેની પેનલોના ઉમેદવારોને યાદીમાં સમાવતા પહેલા પક્ષ જીતી શકશે એ મુદ્દાને અગ્રતા આપવાની રહેશે, તેમ તેમણે સ્પષ્ટ કર્યું હતું. શુક્રવારે અમિતભાઇએ પ્રદેશ પ્રભારી ભુપેન્દ્ર યાદવ, પ્રમુખ જીતુ વાઘાણી, ઉપપ્રમુખ ભાર્ગવ ભટ્ટ, સંગઠન મહામંત્રી ભીખુભાઇ દલસાણિયા સાથે મેરેથોન બેઠક યોજી હતી. આ ઉપરાંત પ્રદેશના કેટલાક આગેવાનોને અલગથી મળ્યા હતા.
કોંગ્રેસ સહિત વિરોધપક્ષોના સક્રિય પ્રચાર મારા સામે હવે ભાજપે આક્રમક્તાથી વિરોધીઓ પર પ્રહારો કરવા, બૂથ મેનેજમેન્ટમાં જોતરાયેલા સંગઠનના કાર્યકરો સાથે પ્રદેશ સ્તરથી છેક નીચે સુધી સંપર્ક કરી તેમની સાથે સંવાદ કરવા, ક્યાં કેવી સ્થિતિ છે તેનો તાગ મેળવવા પણ માર્ગદર્શન આપ્યું હતું. ભાજપ માટે મોટો પડકાર કોંગ્રેસમાંથી આવેલા ૧૪ ધારાસભ્યો છે. એમના સામે સ્થાનિક કાર્યકરોમાં રોષ છે. કાર્યકરોની દલીલ એવી છે કે કોંગ્રેસ સામે વર્ષોથી લડતા ધારાસભ્યો માટે હવે મત કેવી રીતે માગવો. આ મુદ્દે અમિતભાઇએ અમુક કાર્યકરો સાથે ટેલિફોનથી વાતચીત કરી હતી અને એમને સમજાવ્યા હતા. શુક્રવારે સવારથી જ અમિતભાઇના બંગલામાં શુભેચ્છકો, કાર્યકરો અને ટિકિટવાંચ્છુઓની ભારે ભીડ જામી હતી. જોકે, અમિતભાઇએ સૌને શુભેચ્છા મુલાકાત આપી હતી. સૌને સાંભળ્યા હતા, પરંતુ મન કળવા દીધુ ન હતું. અમિતભાઇને અમદાવાદના પણ અનેક કાર્યકરો મળ્યા હતા. શહેર ભાજપની સ્થિતિ અંગે વાકેફ કર્યા હતા. બુધવારે પણ અમદાવાદ શહેરના કેટલાક કાર્યકરો નિકોલ બેઠક પાટીદારોને ફાળવવી જોઇએ એવી માગણી સાથે પહોંચ્યા હતા જેમાં સંગઠનથી માંડી જનપ્રતિનિધિઓનો સમાવેશ થતો હતો. આ સંદર્ભે જ કેટલાક કાર્યકરોએ અમિતભાઇનું ધ્યાન દોર્યું હોવાનું જાણવા મળ્યું છે.