પિતરાઈ ભાઈએ માતા સાથે વાત કરાવવાના બહાને માર માર્યાનો આક્ષેપ
શહેરમાં પરસાણાનગરમાં પતિના ખીસામાંથી પરાણે રૂ.200 કાઢી લેનાર મામાના પુત્રને ઠપકો આપનાર પરિણીતા ઉપર પિતરાઈ ભાઈએ હુમલો કરી માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલી પરિણીતાને સારવાર માટે ખસેડવામાં આવી હતી.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ પરસાણાનગરમાં રહેતી વિધિબેન મિતેશભાઈ વાઘેલા નામની 22 વર્ષની પરિણીતા પોતાના ઘરે હતી. ત્યારે રાત્રિના બેએક વાગ્યાના અરસામાં તેના મામાના પુત્ર ખોડુએ ઝઘડો કરી ઢીકા પાટુનો માર માર્યો હતો. જેમાં પરિણીતાને ઈજા પહોંચતા તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.
આ બનાવ અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે પ્રનગર પોલીસને જાણ કરતા પ્રનગર પોલોસ મથકનો સ્ટાફ તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો.
જ્યાં પોલીસની પ્રાથમિક પૂછપરછમાં વિધિબેન વાઘેલાના પતિ મિતેશભાઇ વાઘેલા ઘર બહાર દુકાને ગયો હતો ત્યારે વિધિબેનના પિતરાઈ ભાઈ ખોડુએ મિતેશ વાઘેલાના ખિસ્સામાંથી પરાણે રૂ.200 કાઢી લીધા હતા જે અંગે વિધિબેન વાઘેલાએ મામાના દીકરા ખોડુને ઠપકો આપ્યો હતો જેથી ખોડુએ પોતાની માતા સાથે વાત કરાવવાના બહાને વિધિબેનને તેના રૂમમાં લઈ જઈ માર માર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ બનાવ અંગે પ્રનગર પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.