યુવતીએ પિતરાઈ સહિત ત્રણ શખ્સોના સંકજામાંથી છૂટવા કારનું સ્ટિયરિંગ પકડી રાખતા પલ્ટી ખાઇ જતાં ઇજા
ચોટીલા તાલુકાના રેશમિયા ગામની યુવતીને કુટુંબી ભાઈએ ધરાર પ્રેમ સબંધ રાખવા મુદ્દે લગ્ન પ્રસંગમાંથી ઉઠાવી જઇ ત્રણ શખ્સોએ કારમાં અપહરણ કર્યું હતું. યુવતીએ પિતરાઈ ભાઇ સહિત ત્રણેય શખ્સોના સંકજામાંથી છૂટવા માટે પ્રતિકાર કરતા કારનું સ્ટિયરીંગ પકડી રાખતા કાર પલ્ટી જતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં યુવતીને ઇજા થતાં તેણીને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ચોટીલા તાલુકાના રેશમિયા ગામે રહેતી અસ્મિતા માનસિંગભાઈ માલકિયા નામના ૨૫ વર્ષીય યુવતી ગઇ કાલે બપોરે ગામમાં પોતાના ઓળખીતા ઘરે લગ્ન પ્રસંગમાં હાજરી આપવા ગઇ હતી.
તે દરમિયાન તેનો પિતરાઈ ભાઈ હિતેશ ભુપત માલકિયા પણ ત્યાં આવી ચડયો હતો અને હિતેશ માલકીયાએ અસ્મિતા ને ફોન કરી માંડવા માંથી બહાર આવવા માટે ધમકી આપી હતી. અસ્મિતાએ પ્રતિકાર કરતા તેને બધા સામે યુવતીને બદનામ કરવાની ધમકી આપી બહાર બોલાવી હતી.
યુવતી બહાર આવતાની સાથે જ હિતેશે તેને ધરાર પ્રેમ સબંધ રાખવા કહ્યું હતું. જેની ના પાડતા હિતેશે તેના સાગરીત મેહુલ અને મયુર સાથે મળી યુવતીને ધરાર કારમાં બેસાડી કાર રેશમિયાથી રાજપરા તરફ હંકારી મૂકી હતી. પરંતુ અસ્મિતાએ હિંમત દાખવી કારનું સ્ટિયરિંગ પકડી રાખતા કાર પલ્ટી ખાઇ ગઇ હતી. જેમાં ઘવાયેલી યુવતીને સારવાર માટે ચોટીલા બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.આ અંગે પોલીસે ઘટનાની નોંધ કરી અપહરણ કરનાર હિતેશ ભુપત માલકિયા, મયુર્વને મેહુલ નામના શખ્સે સામે ગુનો નોંધવા માટે તજવીજ હાથધરી છે.