ડ્રગ્સ પેડલર યુવતીની કબુલાતના આધારે એસઓજીએ બજરંગવાડીમાંથી ઝડપી લીધો: જામીન પર છુટયાના 20 દિવસમાં ફરી ડ્રગ્સનો કારોબાર શરૂ કર્યો
આશાસ્પદ ક્રિકેટરની પૂર્વ પત્ની અમી ચોલેરાને પોલીસમાં ભરતી કરવાના પોલીસના પ્રયાસો નિષ્ફળ રહ્યા
રાજકોટના આશાસ્પદ ક્રિકેટર સાથે લગ્ન કરી ડ્રગ્સનુ સેવન કરવાનું શરુ કરી ડ્રગ્સ પેડલર બનેલી અમી ચોલેરાને રુા.1.23 લાખના ડ્રગ્સ સાથે ધરપકડ કરી છે. ડ્રગ્સના સેવનમાંથી બચવા અને પોતે પોલીસ બનવા માગતી હોવાની રજૂઆતના કારણે પોલીસે સુધરવા અંગે તક આપી પોલીસની ટ્રેનિંગ શરુ કરી હતી. પરંતુ સુધરવાના બદલે ફરી ડ્રગ્સનું વેચાણ કરતા અમી ચોલેરાની ગતરાતે એસઓજી સ્ટાફે ધરપકડ કરી તેને ડ્રગ્સ પુરુ પાડતા બજરંગવાડીના જલ્લાલુદીન કાદરીની પણ પોલીસે ઝડપી લીધો છે. નામચીન પેડલર અમી ચોલેરાને એમડી ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી લીધી હતી, પેડલર યુવતીએ નામચીન જલ્લાલુદીન પાસેથી જથ્થો મેળવ્યાની કબૂલાત આપતા પોલીસે તે બજરંગવાડીમાંથી ઝડપી લીધો છે.
પ્રાપ્ત માહિતી મુજબ કરણપરામાં રાજહંસ એપાર્ટમેન્ટમાં રહેતી અમી દિલીપ ચોલેરા (ઉ.વ.23) ડ્રગ્સના જથ્થા સાથે રેસકોર્સમાંથી પસાર થવાની છે તેવી માહિતી મળતાં એસઓજીના પીઆઇ જે.ડી.ઝાલા અને પીએસઆઇ ડી.બી. ખેર સહિતના સ્ટાફે રેસકોર્સમાં બગીચા પાસે વોચ ગોઠવી હતી, કુખ્યાત પેડલર અમી ચોલેરા એક્ટિવામાં પસાર થતાં જ પોલીસે તેને અટકાવી તલાશી લેતા અમીના પેન્ટના ખિસ્સામાંથી એક અને સ્કૂટરની ડેકીમાંથી બીજી પડીકી મળી આવી હતી, પડીકીમાં રહેલો પદાર્થ ડ્રગ્સ દૃઢ ડ્રગ્સ હોવાની શંકા હોય પોલીસે એફએસએલની ટીમને સ્થળ પર બોલાવી હતી.
અને એફએસએલની ટીમે જપ્ત થયેલો પદાર્થ મેફેડ્રોન ડ્રગ્સ હોવાનું સ્પષ્ટ કરી દીધું હતું, પોલીસે અમી ચોલેરા પાસેથી રૂ.1,23,600ની કિંમતનું 12.36 ગ્રામ એમડી ડ્રગ્સ, મોબાઇલ અને સ્કુટર સહિત કુલ રૂ.1,78,700નો મુદ્દામાલ જપ્ત કરી અમીની ધરપકડ કરી છે.
પોલીસની આગવીઢબની પૂછપરછમાં અમીએ કબૂલાત આપી હતી કે, તે ડ્રગ્સનો જથ્થો જલ્લાલુદીન પાસેથી લાવી હતી, પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, અમી ચોલેરાના અગાઉ પૂર્વ ક્રિકેટર સાથે લગ્ન થયા હતા પરંતુ તે સુધાના પરિચયમાં આવ્યા બાદ ડ્રગ્સની લતે ચડી હતી અને બાદમાં પોતે પણ પેડલર બની ગઇ હતી.અમી ચોલેરાએ પણ અનેક યુવકોને ડ્રગ્સના રવાડે ચડાવ્યાની શંકા સેવાઇ રહી છે. જલ્લાલુદીન ફ્રૂટના ઓઠા હેઠળ ડ્રગ્સનો કાળો કારોબાર ચલાવી રહ્યો છે, પોલીસે લાંબા સમયથી તેના પર વોચ શરૂ કરી હતી પરંતુ તે હાથ આવ્યો નહોતો, અમી ચોલેરાની કબૂલાત પરથી પોલીસે તેની ધરપકડ કરી પ્ર.નગર પોલીસને સોપી દીધો છે.