પ્રજાસત્તાક પર્વની પરેડમાં ગુજરાતના ટેબ્લોને મળેલો એવોર્ડ કેબિનેટમાં રજૂ કરાયો: નવા સચિવને અભિનંદન આપતો ઠરાવ
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના અધ્યક્ષસ્થાને આજે સવારે ગાંધીનગર ખાતે રાજ્ય સરકારના મંત્રી મંડળની એક બેઠક મળી હતી. જેમાં વિવિધ મુદ્ાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. રાજ્યના નવા મુખ્ય સચિવ તરીકે નિમણુંક પામેલા રાજકુમારને અભિનંદન પાઠવતો ઠરાવ પણ પ્રસાર કરવામાં આવ્યો હતો.
ગત બુધવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ સહિતના તમામ મંત્રીઓ પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં ભાગ લેવા માટે અલગ-અલગ જિલ્લામાં હોવાના કારણે કેબિનેટ બેઠક મળી શકી ન હતી. આજે સવારે 10 કલાકે મળેલી કેબિનેટની બેઠકમાં ગત સપ્તાહે રાજ્યના અલગ-અલગ જિલ્લાઓમાં પડેલા કમોસમી વરસાદથી પાકને થયેલી નુકશાનીનો સર્વ કરવા તથા નુકશાનીનું વળતર ચૂકવવાના મુદ્ે પ્રાથમિક ચર્ચા કરવામાં આવી હતી.
રાજ્યમાં વિવિધ જણસીના ટેકાના ભાવમાં વધારો કરવા ચર્ચા થઇ હતી. પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં ગુજરાતના ટેબ્લોને ક્લિન ગ્રીન ઉર્જા એવોર્ડ મળ્યો હતો. જે આજે કેબિનેટમાં રજૂ કરાયો હતો. આ ઉપરાંત રાજ્યના નવા મુખ્ય સચિવ રાજકુમારને અભિનંદન પાઠવતો ઠરાવ પણ કેબિનેટમાં પસાર કરાયો હતો.