1 થી 31 માર્ચ સુધી યોજના ચાલુ રહેશે: ચાલુ નાણાકીય વર્ષનો વેરો ભરપાઇ કર્યા બાદ બાકી રહેતી રકમ ત્રણ હપ્તામાં ભરપાઇ કરી શકાશે

વર્ષોથી બાકી નીકળતી મિલકત વેરાની કરોડો રૂપિયાની રકમ છૂટ્ટી કરવા માટે મ્યુનિ.કમિશનર અમિત અરોરા દ્વારા આજે વર્ષ-2023-2024ના બજેટમાં હપ્તા યોજનાની જાહેરાત કરવામાં આવી છે. જે કરદાતાઓ આ યોજનાનો લાભ લેવા ઇચ્છતા હોય તેને ચાલુ સાલની 100 ટકા વેરાની રકમ તથા વ્યાજ સહિત પાછલા બાકી માંગણાની 25 ટકા રકમ ત્વરીત ભરવાની રહેશે. બાકીની રકમ ત્રણ સરખા હપ્તા ભરપાઇ કરવી પડશે. બાકી હપ્તાની રકમ પર કોઇપણ જાતના ચાર્જ-વ્યાજ કે કોઇપણ પ્રકારની નોટિસ ફી ચૂકવવાની રહેશે નહિં. આ યોજના 1 માર્ચ થી 31 માર્ચ સુધી ચાલુ રહેશે.

આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ હાલ મહાપાલિકાની ટેક્સ બ્રાન્ચના રેકોર્ડ પર 5.70 લાખ કરદાતાઓ નોંધાયેલા છે. જે પૈકી 3 લાખ જેટલા મિલકત ધારકો દર વર્ષે નિયમિત ટેક્સ ભરપાઇ કરે છે. જ્યારે બે લાખથી વધુ કરદાતાઓ કોઇ કારણોસર ટેક્સ સમયસર ભરી શકતા નથી. તેઓ પાસે મહાપાલિકા દ્વારા બાકી વેરા પેટે 18 ટકા લેખે વ્યાજ વસૂલવામાં આવે છે. પરિણામે કોર્પોરેશનનું માંગણુ સતત વધી રહ્યું છે. મોટી રકમ વ્યાજમાં અટવાયેલી પડી હોવાના કારણે ચડત જનરલ ટેક્સ, ક્ધઝર્વન્સી ટેક્સ, ફાયર ટેક્સ, ડ્રેનેજ ટેક્સ, દિવાબતી ટેક્સ, ગાર્બેજ ચાર્જ, વોટર ચાર્જ, એજ્યુકેશન સેસ, સરળ હપ્તેથી ભરપાઇ કરી શકે તે માટે ટેક્સની ચડત રકમ માટે હપ્તા યોજના અમલમાં મૂકવામાં આવી છે.

આ યોજનાનો લાભ લેવા ઇચ્છતા કરદાતાએ ચાલુ સાલની ટેક્સની રકમ 100 ટકા ભરપાઇ કરવાની રહેશે. ત્યારબાદ બાકી રહેતી માંગણાની રકમના 25 ટકા ત્વરીત ભરવાના થશે અને પછી બાકી રહેતી રકમ ત્રણ સરખા હપ્તા ભરપાઇ કરવી પડશે. દરેક હપ્તા મિલકતધારકે આગામી ત્રણ નાણાકીય વર્ષ દરમિયાન જે-તે ચાલુ વર્ષના માંગણાની હપ્તાની રકમ ભરપાઇ કરવી પડશે. આ યોજના આગામી 1 માર્ચથી 31 માર્ચ સુધી અમલમાં રહેશે. મિલકતધારક નિયત હપ્તાની રકમ તથા નાણાકીય વર્ષના મિલકત વેરાનું બીલ 30 સપ્ટેમ્બર સુધીમાં ભરપાઇ કરવાની રહેશે.

અન્યથા 18 ટકા વ્યાજ લાગશે. આ યોજનાનો લાભ લેવા માટે મિલકતધારકે પોતાનો મોબાઇલ નંબર રજીસ્ટ્રેશન કરાવવો ફરજિયાત છે. જો યોજના દરમિયાન નામ ટ્રાન્સફર કરવાની સ્થિતિ ઉભી થશે તો સમગ્ર બાકી રકમ એકસાથે ભરપાઇ કરવી પડશે. બાંધકામમાં ફેરફાર, ઉપયોગમાં ફેરફાર, ભોગવટામાં ફેરફાર થયેલ, આકરણી રિવાઇડ્ઝ થયેલ, હપ્તો નવેસરથી અને નવી રકમ સાથેનો ભરપાઇ કરવો પડશે. આ યોજનાથી સૌથી મોટો ફાયદોએ થશે કે મિલકતવેરા તથા પાણી ચાર્જના બાકી માંગણામાં ઘટાડો થશે અને હપ્તા પેટે ભરવામાં આવેલી રકમ વરાણે પડતી દરેક હેડમાં જમા લેવામાં આવશે. જેના કારણે વ્યાજપાત્ર રકમમાં મહત્તમ ઘટાડો થશે.

ડિજિટલ પેમેન્ટમાં 1 ટકા ખાસ વળતર

કેન્દ્ર સરકાર દ્વારા કાળ નાણાના દુષણને ડામવા માટે રોકડ લેવડ-દેવડની જગ્યાએ કેશ-લેસ અને ઇલેક્ટ્રોનીક્સ લેવડ-દેવડને પ્રોત્સાહિત કરવાનું શરૂ કર્યું છે. આ માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પણ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. મિલકત ધારકો ઇન્ટરનેટના માધ્યમથી કે કોઇપણ પ્રકારના ડિજીટલ ટ્રાન્સેક્શનથી વેરો ભરપાઇ કરશે તો તેને 1 ટકો વળતર આપવામાં આવશે. ઓછામાં ઓછું 50 રૂપિયા અને વધુમાં વધુ 250 રૂપિયા વળતર આપવા માટેની દરખાસ્ત આજે બજેટમાં કરવામાં આવી છે.

એડવાન્સ ટેક્સ ભરનારને મળશે વેરામાં વળતર

કોર્પોરેશન દ્વારા દર વર્ષે એપ્રિલથી જૂન માસ દરમિયાન એડવાન્સ ટેક્સ ભરનાર કરદાતાને વેરામાં વળતર આપવામાં આવે છે. આ યોજના આ વર્ષે પણ ચાલુ રહેશે તેવી જાહેરાત ડ્રાફ્ટ બજેટમાં મ્યુનિ.કમિશનર દ્વારા કરવામાં આવી છે. અર્લીબર્ડ ડિસ્કાઉન્ટ સ્કિમમાં ડિજીટલ પેમેન્ટ કરનારને વધુ લાભ આપવાની જોગવાઇ ચાલુ રાખવામાં આવી છે. જો કોઇ કરદાતા વેબસાઇટ મારફત ઓનલાઇન પેમેન્ટ કરશે તેને 10 ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. જ્યારે રોકડ રકમ ભરપાઇ કરનાર કરદાતાને 10 ટકા વળતર આપવામાં આવશે.

જ્યારે મહિલાઓના નામે નોંધાયેલી મિલકતમાં 5 ટકાનું વિશેષ વળતર અને 40 ટકાથી વધારે ડિસેબિલીટી હોય અને તેના નામે રહેણાંક મિલકત નોંધાયેલી હોય તો તેને વિશેષ 5 ટકા વળતર અપાશે. સતત ત્રણ વર્ષથી વેરા-વળતર યોજનાનો લાભ લેતા કરદાતાઓને લોયાલીટી બોનસ પેટે 1 ટકો વિશેષ વળતર અપાશે. ટૂંકમાં વેરા વળતર યોજના હેઠળ એપ્રિલ અને મે માસમાં 10 થી લઇ 22 ટકા સુધીનું અને જૂન માસમાં 5 થી લઇ 17 ટકા સુધીનું વળતર અપાશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.