એક વર્ષમાં ચાર ટીપી સ્કીમો મંજૂર થતા શહેરના વિકાસને મળ્યો વેગ
જામનગર મહાપાલિકાની ખાસ સામાન્ય સભા મેયર બિનાબેન કોઠારીના અધ્યક્ષસ્થાને મળી હતી. જેમાં ટી.પી. સ્કીમ નં 7,10, 25,26 અને 27ને અરજન્ટ બિઝનેસ તરીકે બોર્ડમાં લાવવામાં આવી હતી અને સર્વાનુમતે મંજૂર કરવામાં આવી હતી.
સ્ટે.કમિટીના ચેરમેન મનિષ કટારીયાએ જણાવ્યું કે, આપણે એક વર્ષમાં ચાર ટી.પી.સ્કીમ મંજૂર કરી છે. બિલ્ડરો બિનખેતી કરાવી ન તે માટે ઝડપથી આ આપણે ટી.પી.સ્કીમો લાવીએ છીએ.
આગામી 15 વર્ષમાં શહેરનો ઝડપી વિકાસ થાય તે માટે આ સ્કીમો લાવવામાં આવી છે. ખાસ કરીને રંગમતી અને નાગમતીનો વિસ્તાર આ ટી.પી.સ્કીમમાં આવતો હોય, આ વિસ્તારમાં આગામી દાયકામાં ખૂબ જ વિકાસ થશે. વિપક્ષી નેતા ધવલ નંદાએ જણાવ્યું હતું કે, અગાઉની ટી.પી. સ્કીમ મજૂર થયેલ છે તેમાં પણ અનેક સગવડો નથી ત્યારે ખાસ કરીને જૂના વિસ્તારમા ટી.પી.સ્કીમનો અમલ થાય તે જોવાની પણ તમારી જવાબદારી છે. પૂર્વ વિપક્ષી નેતા આનદ રાઠોડે કહ્યુ હતું કે, શહેરની તમામ દિશામા આવાસ બનાવો તો લોકોને ફાયદો થાય.
પૂર્વ વિપક્ષી નેતા અલ્તાફ ખફીએ જણાવ્યું હતું કે, ટી.પી.સ્કીમ જલ્દી લાવવામા આવી તે માટે મુખ્યમત્રીને અભિનંદન પાઠવું છું. શહેરના વિકાસમા હમેશા અમારો ટેકો રહેશે. બીજા મહાનગરોની સામે જામનગર ઘણુ પાછળ છે. વિપક્ષી કોર્પો. જેનબબેન ખફીએ જણાવ્યું હતું કે ટી.પી.સ્કીમની અમલવારી ઝડપથી થાય તે જરૂરી છે. સાથે- સાથે દર મહિને જનરલ બોર્ડ બોલાવવામા આવે તેવી પણ અમારી માંગ છે.
ટી.પી.-ડી.પી.શાખાના અધિકારી ગોસાઇએ જણાવ્યું હતું કે, રાજય સરકારની સુચના મુજબ અગાઉ ચાર ટી.પી.સ્કીમ મજૂર કરવામા આવી છે અને હવે પાંચ ટીપી સ્કીમ લાવવામાં આવી છે મહાપ્રભુજી ની બેઠકથી રાજકોટ રોડ અને અન્નપૂર્ણા ચોકડીથી હાપા રોડ નો વિકાસ થશે તેમ જ રમતગમત મેદાન પણ આપણે ટીપી સ્કીમના હિસાબે બનાવી શક્યા છીએ અત્યાર સુધીમાં કુલ 13 ટી પી સ્કીમ મંજૂર થઈ ચૂકી છે.