ખરીદી કરવા ગયા બાદ ચણા બાબતે સાળા અને બનેવી વચ્ચે ઝપાઝપી થઈ: ત્રણ સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી
ટંકારા તાલુકાના ખીજડીયા ગામે રહેતા અને ભાગિયું રાખી ખેતી કામ કરતા સાળા અને બનેવી વચ્ચે માથાકૂટ થતા બનેવી ઉશ્કેરાઇને લાકડી લેવા જતા કૂવામાં ખાબકતા યુવાનનું મોત નિપજ્યું હતું. યુવકના મોતના કારણે ત્રણ સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ટંકારા તાલુકાના ખીજડીયા ગામે હરજીવન ભાઈની વાડીમાં રહેતા મૂળ મધ્યપ્રદેશના વતની પ્રવીણભાઈ કલસીંગભાઈ અજનાર નામનો ૨૭ વર્ષીય યુવાન બે દિવસ પહેલા રાત્રીના કૂવામાં પડી જતાં તેનું મોત નિપજ્યું હતું. ટંકારા પોલીસે મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડી આગળની કાર્યવાહી હાથધરી હતી.
પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ મૃતક પ્રવીણભાઈ અને તેના સાળા સંજય સાથે ખરીદી કરી ઘરે પરત આવતા બંને વચ્ચે ચણા બાબતે માથાકુટ થઈ હતી. વાત વધતા બંને વચ્ચે હાથાપાઈ પણ થઈ હતી. જેના કારણે ઉશ્કેરાયેલા બનેવી પ્રવીણભાઈ પોતાના સાળા સંજયને મારવા માટે છત પર રહેલી લાકડી લેવા માટે કૂવાની પારીએ ચડતા પગ લપસતાં યુવાન કૂવામાં ખાબક્યો હતો.
જેના કારણે પરિવારજનો અને પોલીસે આખી રાત મહેનત કરતા ગઇ કાલે સવારે પ્રવીણનો મૃતદેહ મળી આવ્યો હતો. ઘટના સમયે નજરે જોનાર મૃતકના પત્ની કારીબેનનું પોલીસે નિવેદન નોંધી મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ ખસેડી આગળની તપાસ હાથધરી છે.