101 કુંડી મહાયજ્ઞ, વિશ્વમાં પ્રથમ વખત વિશ્વકર્મા દાદાના દશાવતારની ઝાંખી, મહારક્તદાન શિબિર, વિશ્વકર્મા દાદાની શોભાયાત્રા, 16 સમૂહ લગ્નોત્સવ, દાતા સન્માન તથા જ્ઞાતિ સમૂહ ભોજન
કલા-કારીગરીના દેવ વિશ્વકર્મા પ્રભુજીનું મંદિર દીવાનપરા, રાજકોટ ખાતે આવેલ છે. આ મંદિરમાં બિરાજમાન ભગવાન વિશ્વકર્માદાદાની પ્રાણ પ્રતિષ્ઠાને વર્ષ 2022 માં 100 વર્ષ પૂર્ણ થતા શતાબ્દી વર્ષ મહોત્સવ ઉજવણીના ભાગરૂપે ભગવાન વિશ્વકર્મા પ્રભુજી નુતન સુવર્ણ સિંહાસન ઉપર બિરાજમાન થશે. સાથે સુવર્ણ ધ્વજ, દંડ અને કળશના દિવ્યાતિદિવ્ય ઉદઘાટન થશે.
આ સુવર્ણ સિંહાસનનો જેમણે મહા સંકલ્પ કરેલ તેવા મુખ્યદાતા પ્રવીણભાઈ જેરામભાઇ આઘારા, રાજકોટ અને રમેશભાઈ અંબારામભાઈ તલસાણિયા, અમદાવાદ તેમજ અન્ય દાતાઓના સુવર્ણદાનથી શતાબ્દી વર્ષે પુન: પ્રાણપ્રતિષ્ઠાના પાવન અવસરે અનંત વિભૂષિત મહામંડલેશ્વર 1008 પૂ. માં કનકેશ્વરી દેવીજી, અને પ.પૂ.સ્વામી પરમાત્માનંદ સરસ્વતીજી અધ્યક્ષ આર્ષ વિદ્યા મંદિર, રાજકોટના હસ્તે દર્શનાર્થીઓ માટે ખુલ્લુ મૂકવામાં આવશે. સાથે ત્રણ દિવસીય પુન:પ્રાણ પ્રતિષ્ઠા યજ્ઞ તા. 01 ફેબ્રુઆરી 2023 બુધવારના રોજ શ્રી વિશ્વકર્મા પ્રભુજી મંદિરે સવારે 7.30 વાગે શરૂ થશે અને સાંજે 6.30 વાગ્યા સુધી ચાલશે. આ યજ્ઞ તા.02 ને ગુરુવાર આખો દિવસ અને તા.3 શુક્રવારે બપોરે 12 વાગ્યે પૂર્ણ થશે.
‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે આવેલા કાન્તીભાઇ તલસાણીયાએ જણાવ્યું હતું કે વિશ્વકર્મા જયંતિ મહોત્સવની પૂર્વ સંધ્યાએ તા.02-02-2023 ગુરુવારના રોજ સાંજે 7 થી 11 કલાકે વિશ્વમાં પ્રથમ વખત વિશ્વકર્માદાદાના દશાવતારની ઝાંખીનો ભવ્ય કાર્યક્રમ સમગ્ર નગરજનો માટે યોજવામાં આવનાર છે. આ માટે રેસકોર્ષ મેદાન રાજકોટ સ્થળે ‘શ્રી વિશ્વકર્મા ધામ’ ઊભું કરવામાં આવશે.
પુન: પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત વિશ્વકર્મા મંદિર, વિશ્વકર્મા પ્રભુજી માર્ગ, દિવાનપરા રાજકોટ ખાતે વહેલી સવારે 6-30 કલાકે મંગળ આરતી સાથે ધ્વજા આરોહણ બાદ સવારે 7-30 કલાકે પુન: પ્રાણ પ્રતિષ્ઠા વિધિ થશે. તેમજ બપોરના 12.15 કલાકે ભગવાન વિશ્વકર્માજીના થાળ પ્રસાદ સાથે મહાઆરતી કરવામાં આવશે તેમજ મહાયજ્ઞનું બીડું હોમવામાં આવશે. સાથે સાથે શ્રી વિશ્વકર્મા ધામ રેસકોર્ષ મેદાન રાજકોટ ખાતે 101 કુંડી મહાયજ્ઞમાં પણ બીડું હોમવામાં આવશે.
મહારકતદાન શિબિરનું આયોજન પણ તા.03-02-2023ને વિશ્વકર્મા જયંતીના દિવસે વિશ્વકર્મા મંદિર અને વિશ્વકર્મા ધામ, રેસકોર્ષ મેદાન રાજકોટ બંને જગ્યાએ કરવામાં આવેલ. આ મહારકતદાન શિબિર સવારે 8 થી સાંજના 8 કલાક સુધી રાખવામાં આવેલ છે.
વિશ્વકર્મા જયંતીના દિવસે બપોરના 2 કલાકે શ્રી ધારેશ્વર મહાદેવ મંદિર, ભક્તિનગર સર્કલથી ભગવાન વિશ્વકર્માની ભવ્યાતિભવ્ય શોભાયાત્રાનું પ્રસ્થાન થશે. આ શોભાયાત્રા શહેરના વિવિધ રાજમાર્ગો તથા જુદા જુદા વિસ્તારોમાંથી પસાર થશે. જેમાં આગળ 5 બુલેટ, 150 બાઇક અને લગભગ 100થી વધારે ગાડીઓ ટ્રેક્ટર, શણગારેલ રથ, હાથી, ઘોડા અને વિશાળ સંખ્યામાં જ્ઞાતિજનો જોડાશે. આ શોભાયાત્રાનું સ્વાગત નગરના જુદા-જુદા રાજમાર્ગો પર જ્ઞાતિજનો દ્વારા ભવ્ય રીતે ફૂલહારથી કરવામાં આવશે.
ભગવાન શ્રી વિશ્વકર્માજીની ભવ્યાતિભવ્ય શોભાયાત્રા સમગ્ર શહેરમાં નગરચર્યા કરી સાંજે 6.00 કલાકે શ્રી વિશ્વકર્મા ધામ રેસકોર્ષ સ્થળે પધારશે. શ્રી વિશ્વકર્મા ધામ ખાતે 16 દીકરીઓના ભવ્ય સમૂહ લગ્ન બપોરે 2 વાગ્યાથી શરૂ થશે અને સાથે દાતાઓનો સન્માન કાર્યક્રમ યોજાશે. કાન્તીભાઇ પી.તલસાણીયા, કિશોરભાઇ એમ.અંબાસણા, દિલીપભાઇ બી.પંચાસરા, શાંતિલાલ ડી.સાંકડેચા, મીતેશભાઇ એસ.ધ્રાગધરિયા, જનકભાઇ એન.વડગામા, કિશોરભાઇ આર.બોરણિયા, ઘનશ્યામભાઇ જે.દુદકીયા સહિતના ‘અબતક’ મીડિયાના શુભેચ્છા મુલાકાત લીધી હતી.