દરેક સાયકલ વીરોને અપાશે મેડલ: ‘અબતક’ની મુલાકાતમાં રોટરી ક્લબ અને સાયકલ ક્લબના સભ્યોએ રોમાંચકારી લાભકારી સાયક્લોફનની વિગતો આપી
રંગીલા રાજકોટ વાસીઓ ને સાયકલમાં કોવત બતાવવાની તક આપતી રોટરી ક્લબ ઓફ રાજકોટ અને સીટી ક્લબની સાયકલો ફનમાં આ વખતે સાયકલને પેડલ મારનાર દરેક સાયકલ લિસ્ટને મેડલ આપવામાં આવશે અબતક ની મુલાકાતમાં ડી વી મહેતા, કેળવણી કાર અજયભાઈ પટેલ, દિવ્યેશભાઇ અઘેરા અને આયોજન સાથે જોડાયેલા ભાનુભાવો એ સાયક્લોફોન અંગે વિસ્તૃત આપતા જણાવ્યું હતું કે સાયકલીંગ કરવું વ્યક્તિની તંદુરસ્તી માટે આશીર્વાદરૂપ ગણાય છે. તેમાંય કડકડતી ઠંડીમાં શરીરને તંદુરસ્ત રાખવા કસરત ખુબ જરૂરી છે. જેમાં સાયકલીંગને સર્વશ્રેષ્ઠ કસરત ગણાય છે.
તંદુરસ્ત રાજકોટ – સ્વસ્થ રાજકોટના ઉદેશને ચરિતાર્થ કરવા આ વર્ષે રોટરી ક્લબ ઑફ રાજકોટ મીડટાઉન, રાજકોટ મહાપાલિકા અને રાજકોટ સાયકલ ક્લબની સાથે રાજકોટ સેલ્ફ ફાયનાન્સ સ્કૂલ એસોસિએશન મળીને આગામી પાંચ ફેબ્રુઆરીને રવિવારે રાજકોટમાં અત્યાર સુધીની મોટામાં મોટી સાયક્લોફન કાર્નિવાલ યોજવામાં આવી રહી છે. જેની તૈયારીઓને આખરી ઓપ અપાઇ રહ્યો છે.
સાયક્લોફનના આયોજકોના જણાવ્યા પ્રમાણે આ ઇવેન્ટમાં ભાગ લેનાર દરેક સ્પર્ધકને નાસ્તો તેમજ એનર્જી ડ્રીન્ક, હોટ ટી આપવામાં આવશે. સાયકલીંગના આખા રૂટ પર સંપૂર્ણ સપોર્ટ અપાશે. અલગ – અલગ જગ્યાએ સાયકલિસ્ટોને જોમ ચડાવવા મ્યુઝીકલ ડીજે સાથેના ચિયરીંગ પોઇન્ટ પણ રખાયા છે. એટલું જ નહીં સાયકલને પેડલ મારનાર દરેક સાયકલિસ્ટને મેડલ પણ આપવામાં આવશે. આ વર્ષની સાયક્લોફનમાં પાંચ કિલોમીટર અને વીસ કિલોમીટરની એમ બે સાયકલરાઈડ યોજવામાં આવનાર છે. જેમાં આ વખતે પ્રથમ વખત સ્વનિર્ભર શાળા એસોસિએશન પણ જોડાયું છે. જે અંતર્ગત શહેરની 500 થી વધુ શાળાઓ તેમાં જોડાઈ છે. જેમાં ધોરણ 5 થી 12 ના વિદ્યાર્થીઓ ઉમળકાભેર ભાગ લેશે. આમાં સહભાગી થવા માંગતી સંસ્થાઓ રોટરી મીડટાઉન લાયબ્રેરી અથવા સેલ્ફ ફાયનાન્સ સ્કૂલ એસોસિએશનનો સંપર્ક કરવા જણાવાયું છે.
આ ભવ્ય ઇવેન્ટમાં આ વખતે દરેક સાયકલિસ્ટ વિજેતા બની શકે છે. આયોજકોએ જણાવ્યું હતું કે, સાઇક્લોફન ઇવેન્ટ પુરી થયા પછી એક લક્કી ડ્રો કરવામાં આવશે. જેનો લાભ ભાગ લેનાર દરેક સાયકલિસ્ટને મળશે. જેમાં સાઇકલો, તેને લગતી અનેક વસ્તુઓ અને અસંખ્ય ઇનામો ડ્રોમાં નસીબદાર સાયકલિસ્ટને મળશે. આ વખતની સાયક્લોફનનું આયોજન ખાસ કરીને પહેલીવાર સાયકલિંગ કરનારા સાયકલીસ્ટ તેમજ બાળકોને સાયકલ પ્રત્યે વધુમાં વધુ કેમ વાળી શકાય તેના પર વધુ ધ્યાન કેન્દ્રીત કરીને કરવામાં આવ્યું છે.
રજિસ્ટ્રેશન માટે વધુ માહિતી માટે 99250 11305 નંબર પરથી મેળવી શકાશે. શાળાના વિદ્યાર્થીઓના રજિસ્ટ્રેશન માટેની લીંક દરેક શાળા સંચાલકોને મોકલી આપેલ છે. જેમાં દરેક શાળા પોતાની શાળાના બાળકોનું રજિસ્ટ્રેશન કરી શકશે. જ્યારે પાંચ ફેબ્રુઆરીએ રાજકોટમાં યોજાનારી સાયકલોફનમાં ભાગ લેવા માંગતાં (18 વર્ષથી ઊપરના) સાયકલીસ્ટો, લોકો માટે www.cyclofun.org ઉપર પોતાનું રજિસ્ટ્રેશન કરાવી શકશે. ઉપરાંત આ વખતે “રોટરી મીડટાઉન લાઇબ્રેરી” અમીન માર્ગ ખાતે ઓફલાઇન રજીસ્ટ્રેશન પણ શરૂ કર્યું છે.
આ ઉપરાંત વધુ વિગતો માટે 74055 13468 ઉપર ટેલિફોનિક સંપર્ક પણ કરી શકાશે. અત્રે ઉલ્લેખ કરવો જરૂરી છે કે છેલ્લા સાત વર્ષથી રાજકોટમાં રોટરી ક્લબ ઑફ રાજકોટ મીડટાઉન, રાજકોટ સાયકલ ક્લબ અને રાજકોટ મહાપાલિકા દ્વારા ફિટ રાજકોટ અંતર્ગત સાયક્લોફનનું બેનમુન આયોજન કરવામાં આવી રહ્યું છે. છેલ્લા સાત વર્ષ થી રાજકોટ પોલીસનો પૂરો સહયોગ મળેલ છે જે આ વર્ષે પણ પૂરો સહયોગ મળશે.
છેલ્લા બે વર્ષથી આ ઈવેન્ટ માત્ર વર્ચ્યુઅલી મતલબ કે સાયકલીસ્ટો પોતપોતાની રીતે સાયકલ ચલાવી શકે તે પ્રકારે કરવામાં આવતું હતું. પરંતુ આ વર્ષે તમામ સાયકલીસ્ટોને એકઠા કરીને રસ્તાઓ પર સાયકલ રાઈડિંગનું આયોજન કરવામાં આવ્યું હોય તેમાં સૌને ઉત્સાહભેર ભાગ લઈ કાર્યક્રમને સફળ બનાવવા ભાવભરી અપીલ કરવામાં આવી છે.