એક જ દિવસમાં 200થી વધુ વાહનો સુકા મરચા ભરાયને આવ્યા: ખૂદ ચેરમેન ઉતરાઇની વ્યવસ્થામાં જોડાયા
ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળતા હોવાના કારણે રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં છેલ્લા ઘણા સમયથી વિવિધ જણસીની રેકોર્ડબ્રેક આવક થઇ રહી છે. ગઇકાલે બેડી સ્થિત માર્કેટીંગ યાર્ડમાં સુકા મરચાની 14000 ભારીની આવક થતા હાલ યાર્ડ મરચાની સોડમથી મહેકી ઉઠ્યું છે. જ્યાં નજર પડે ત્યાં હાલ મરચા જ મરચા દેખાય રહ્યાં છે.
ગઇકાલે પ્રજાસત્તાક પર્વની જાહેર રજા હોવા છતા રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં 200થી વધુ વાહનો સુકા મરચા લઇને આવ્યા હતા. યાર્ડના યુવા ચેરમેન જયેશભાઇ બોઘરા ઉપરાંત તમામ ડિરેક્ટરોએ દલાલ અને વેપારીઓ સાથે સંકલન કરી ઉતરાઇની વ્યવસ્થા કરી હતી. આશરે 14000 ભારી સુક્કા મરચાની આવક થવા પામી હતી.
યાર્ડના અસરકારક અને પારદર્શક વહિવટ અને પોષણક્ષમ ભાવો મળતા હોવાના કારણે સૌરાષ્ટ્રભરના ખેડૂતો રાજકોટ યાર્ડ તરફ વળ્યા છે.