હવે ઘરે બેઠા જ તમામ પ્રક્રિયા થઈ જશે: મંગળવારે જાહેરનામું બહાર પડાયું
સમગ્ર રાજ્યભરમાં વર્ષ ૧૯૮૨ પછી નિર્મિત સહકારી હાઉસિંગ સોસાયટીઓના ફાળવણી પત્રો, પઝેશન લેટર્સ અને શેર પ્રમાણપત્રો પર રાજ્ય સરકારે સ્ટેમ્પ ડ્યુટી વસૂલવાનું શરૂ કર્યું હતું. જેના લીધે સ્ટેમ્પ ડ્યુટી એસેસમેન્ટ માટે ડેપ્યુટી કલેક્ટર (સ્ટેમ્પ ડ્યુટી એસેસમેન્ટ)ની ઓફિસની બહાર અરજદારોની હંમેશા ભીડ જોવા મળતી હતું જેને ધ્યાનમાં લીધા બાદ મહેસૂલ વિભાગે મંગળવારથી પ્રક્રિયા ઓનલાઈન કરી છે. આ અંગે મંગળવારે જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું હતું. અરજદારો હવે ircms.gujarat.gov.in પર અરજી કરી ઘરે બેઠા જ સ્ટેમ્પ ડ્યુટી એસેસમેન્ટ કરાવી શકશે.
૩૦ જુલાઈ ૨૦૨૧ના રોજ, તત્કાલીન ઈન્ચાર્જ નોંધણી નિરીક્ષક દિનેશ પટેલે રાજ્યભરની સબ-રજિસ્ટ્રાર કચેરીઓને સહકારી હાઉસિંગ સોસાયટીઓના શેર પ્રમાણપત્રો અને ફાળવણી પત્રો પર યોગ્ય ડ્યુટી વસૂલવામાં આવી છે કે કેમ તેના પર નજર રાખવા માટે નિર્દેશ આપ્યો હતો.
પત્રમાં લખવામાં આવ્યું હતું કે, ગુજરાત સહકારી મંડળી અધિનિયમ, ૧૯૬૧ અને ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ, ૧૯૫૮ની અનુસૂચિ ૧ની કલમ ૨૦માં કરાયેલા બંને સુધારાને ધ્યાનમાં રાખીને ૨૭ એપ્રિલ ૧૯૮૨ થી શેરના ટ્રાન્સફરના લેખો સહિત સહકારી ગૃહોની સ્થાવર મિલકત, ફરજિયાત રીતે નોંધણી કરાવવી પડશે અને સ્ટેમ્પ ડ્યુટી માટે પાત્ર છે.
મહેસૂલ વિભાગના ઉપરોક્ત આદેશ પછી હાઉસિંગ એકમો કે જેઓ જૂની સહકારી મંડળીઓનો હિસ્સો છે તેમણે હવે હાઉસિંગ સોસાયટી દ્વારા આપવામાં આવેલા શેર પ્રમાણપત્રો અને ફાળવણી પત્રો પર સ્ટેમ્પ ડ્યુટીની આકારણી માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે.