પડધરી: ખોડાપીપર ગામે પિતાની ડિગ્રી પર સારવાર કરતો શખ્સ પકડાયો
કોવીડ વેળાએ હોસ્પિટલમાં નોકરી કર્યાના અનુભવના આધારે આરોગ્ય સાથે ચેડા કરતો
રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના ખોડાપીપર ગામે પિતાની ડિગ્રી પર માનવીના આરોગ્ય સાથે ચેડા કરતો ધો.12 પાસ શખ્સને એસઓજીએ ધરપકડ કરી એલોપેથીક દવા, સીટીઝ, નીડલ અને મેડીકલ સાધનો મળી રૂ.16248નો મુદામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
વધુ વિગત મુજબ રાજકોટ જિલ્લામાં માનવીના આરોગ્ય સાથે ચેડા કરતા બોગસ ડોકટરોને ઝડપી લેવા એસ.પી. જયપાલસિંહ રાઠૌરે આપેલી સુચનાને પગલે એસ.ઓ.જી.ના પી.આઈ. કે.બી.જાડેજા સહિતના સ્ટાફે પેટ્રોલીંગ હાથ ધર્યું હતુ. ત્યારે ખોડાપીપર ગામે ભૌમિકસિંહ નામનો શખ્સ ડિગ્રી વગર લોકોની સારવાર કરતો હોવાની પીએસઆઈ બી.સી.મિયાત્રાને મળેલી બાતમીના આધારે દરોડો પાડયો હતો.
ખોડાપીપર ગામે આવેલી દ્વિશીકા ક્લિનીકમાં દરોડો પાડી ત્યાંથી ધો. 12 પાસ ભૌમિકસિંહને ઝડપી લીધો હતો. તેના ક્લીનીકમાંથી જુદા-જુદા ઇન્જેકશન, સિરીન્જ, ગ્લુકોઝના બાટલાઓ, એન્ટીબાયોટીક દવાઓનો જથ્થો મળી આવ્યો હતો.તેણે પોતાના ક્લીનીકના બોર્ડ ઉ52 ખોટી રીતે બીએચએમએસની ડીગ્રી પણ લખી હતી.
પ્રાથમિક પૂછપરછમાં તેણે પોલીસને કહ્યું કે દોઢેક વર્ષ તેણે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં નોકરી કરી હતી. તેનો અનુભવ કામે લઇ છેલ્લા દોઢેક વર્ષથી ક્લીનીક શરૂ કરી દીધી હતી. બોર્ડ ઉપર બીએચએમએસની ડીગ્રી કેમ લખી તે બાબતે પૂછાતા કહ્યું કે તેના પિતા બીએચએમએસ ડોક્ટર હતા. જેથી તેની ડીગ્રી પોતાના ક્લીનીકના બોર્ડ ઉપર લખી નાખી હતી.પોલીસે જણાવ્યું કે તે રૂા. 40ની ફી વસૂલતો હતો. તેના પિતા ડોક્ટર હોવાથી તેના જૂના પેશન્ટ તેની પાસેથી દવાઓ લઈ જતા હતા.અને તેના પિતાની ડિગ્રી પરથી પોતે પણ તેના બોર્ડમાં બી.એચ.એમ.એસની ડિગ્રી લખી નાખી હતી.