પાકિસ્તાન હવે એ હદે દુ:ખી થઇ ગયું છે કે દુશ્મન દેશ માનતા ભારત પાસે પણ મદદ માટે હાથ લંબાવવા આતુર બની ગયું છે. પાકિસ્તાન હવે ભારત સાથે બેસવા ઈચ્છે છે. શાહબાઝ હવે કહે છે કે ભારત અને પાકિસ્તાન પડોશીઓ છે અને એકબીજા સાથે રહેવાનું છે. એ આપણા પર છે કે આપણે શાંતિથી સાથે રહીએ, પ્રગતિ કરીએ કે લડતા રહીએ. અમે ભારત સાથે 3 યુદ્ધ લડ્યાં. આનાથી માત્ર લોકોને ગરીબી અને બેરોજગારી જ મળી. અમે પાઠ શીખી લીધો છે. અમે શાંતિથી રહેવા ઇચ્છીએ છીએ. અમે અમારી વાસ્તવિક સમસ્યાઓ હલ કરવા માગીએ છીએ.
શાહબાઝ શરીફે ગયા અઠવાડિયે સંયુક્ત અરબ અમીરાતના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નાહ્યાનને અપીલ કરી હતી કે તે ભારતને પાકિસ્તાન સાથે વાતચીત માટે તૈયાર કરે.પાકિસ્તાનના અખબાર ’ધ ડોન’એ બુધવારે એક રિપોર્ટમાં આ વાતનો ખુલાસો કર્યો છે. રિપોર્ટ અનુસાર શાહબાઝે ઝાયેદને કહ્યું હતું કે ભારત અને વડાપ્રધાન મોદી સાથે તમારા ઘણા સારા સંબંધો છે અને તમે અમારા મુસ્લિમ ભાઈ છો. તો ભારતને અમારી સાથે વાતચીત માટે તૈયાર કરો.
ગલ્ફ ક્ધટ્રીઝની ન્યૂઝ ચેનલ ’અલ અરેબિયા’એ શાહબાઝનો ઈન્ટરવ્યૂ ટેલિકાસ્ટ કર્યો હતો. બુધવારે તેનો બીજો ભાગ સામે આવ્યો, જેમાં શરીફે ખુદ મોદી અને ભારત સાથે વાતચીત માટે પોતાની આતુરતાની વાત સ્વીકારી છે.શાહબાઝ ગયા અઠવાડિયે જીનિવાથી પરત ફરતી વખતે યુએઇ ગયા હતા. ત્યાંથી તેમને પૂર રાહત માટે 1 અબજ ડોલરની લોન પણ મળી. બાદમાં તેમણે અહીં અલ અરેબિયાને ઈન્ટરવ્યૂ આપ્યો હતો. તેનો કેટલોક ભાગ મંગળવારે સામે આવ્યો. તો બુધવારે બીજા ભાગમાં કેટલીક નવી બાબતો સામે આવી.
ઈન્ટરવ્યૂમાં એક સવાલ પર પાકિસ્તાનના વઝીર-એ-આઝમ કહે છે – મેં શેખ નાહ્યાન પાસે મદદ માગી છે. મેં તેમને ભારતને વાતચીત માટે તૈયાર કરવા કહ્યું છે. યુએઇ ભારત સાથે ખૂબ સારા સંબંધો ધરાવે છે અને તે આપણો મુસ્લિમ ભાઈ પણ છે. જો તેઓ ઈચ્છે તો વડાપ્રધાન મોદી અને ભારતને વાતચીત માટે તૈયાર કરી શકે છે. પાકિસ્તાન હવે શાંતિ ઈચ્છે છે અને આ માટે ગંભીરતાથી વાતચીત કરવી જરૂરી છે. મેં શેખ નાહ્યાનને પણ વચન આપ્યું છે કે પાકિસ્તાન હવે સંપૂર્ણ ઇમાનદારી સાથે અને પરિણામ મેળવવા વાતચીત કરવા ઇચ્છે છે.