એક જવાબદાર જનપ્રતિનિધિ તરીકે જ્યારે કોર્પોરેટરોએ જનરલ બોર્ડમાં કોઇ કારણોસર હાજરી આપી શકે તેમ ન હોય તો તેઓએ સેક્રેટરી સમક્ષ રજા રિપોર્ટ રજૂ કરવો પડે છે અને આ અંગે સભા અધ્યક્ષ એવા મેયરનું પણ ધ્યાન દોરવું પડે છે. રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી અને વોર્ડ નં.1ના કોર્પોરેટર ભાનુબેન બાબરિયા આજે ગાંધીનગર હોવાના કારણે જનરલ બોર્ડની બેઠકમાં ઉ5સ્થિત રહી શક્યા ન હતાં. દરમિયાન બોર્ડ શરૂ થવાના 30 મિનિટ પહેલા તેઓનો રજા રિપોર્ટ બારોબાર મૂકાઇ ગયો હોવાનો ઘટસ્ફોટ થયો છે. આ ઘટનાથી ખૂદ મેયર ડો.પ્રદિપભાઇ ડવ અને કેબિનેટ મંત્રીના પતિ મનોહરભાઇ બાબરિયા પણ અજાણ છે. મહેશ રાઠોડના કહેવાથી કાર્યાલય મંત્રી જયંત ઠાકરે ભાનુબેનનો રજા રિપોર્ટ બનાવીને પોતે જ કેબિનેટ મંત્રીની સહિ કરીને સેક્રેટરી સમક્ષ રજૂ કરી દીધો હોવાનું ચર્ચાઇ રહ્યું છે.
જનરલ બોર્ડની બેઠકમાં જો કોઇ કોર્પોરેટર ગેરહાજર રહેવાના હોય તો બોર્ડ શરૂ થવાના 30 મિનિટ પહેલા તે રજા રિપોર્ટ મૂકી શકે છે. તેઓએ સેક્રેટરી સમક્ષ આ રિપોર્ટ રજૂ કરવાનો રહે છે અને ત્યારબાદ સભા અધ્યક્ષ મેયર દ્વારા તેઓનો રજા રિપોર્ટ મંજૂર કરવામાં આવે છે. સામાન્ય નિયમ મુજબ કોર્પોરેટરો બોર્ડમાં ગેરહાજર હોય તેની માહિતી મેયરને હોવી જોઇએ. વોર્ડ નં.1ના નગરસેવિકા ભાનુબેન બાબરિયા તાજેતરમાં વિધાનસભાની ચૂંટણીમાં રાજકોટ ગ્રામ્ય બેઠક પરથી વિજેતા બન્યા છે અને તેઓ હાલ રાજ્ય સરકારમાં કેબિનેટ મંત્રી તરીકેની જવાબદારી નિભાવી રહ્યાં છે. તેઓ ગાંધીનગર હોવાના કારણે આજે જનરલ બોર્ડમાં આવી શક્યા ન હતાં. તેઓના નામનો રજા રિપોર્ટ એક સામાન્ય કાગળ પર બારોબાર મૂકાઇ ગયો હતો.
જ્યારે આ અંગે ‘અબતકે’ મેયર ડો.પ્રદિપ ડવ અને ભાનુબેનના પતિ મનોહરભાઇ બાબરિયાની પૂછપરછ કરતા તેઓ બંનેએ જણાવ્યું હતું કે ભાનુબેનના રજા રિપોર્ટ અંગે અમને કોઇ જ ખ્યાલ નથી. આટલું જ નહિં તેઓ બોર્ડમાં ગેરહાજર રહેવાના છે તેવી જાણ પણ મેયરને કરી ન હતી. ઊંડાણપૂર્વકની તપાસ દરમિયાન એવું જાણવા મળ્યું હતું કે શહેર ભાજપના હોદ્ેદાર અને ભાનુબેનના ભાઇ મહેશ રાઠોડે કેબિનેટ મંત્રી જનરલ બોર્ડમાં હાજર નહિ રહી શકે. તેઓનો રજા રિપોર્ટ મૂકી દેવાની જાણ કરતા મહાપાલિકાના ભાજપના કાર્યાલય મંત્રી જયંતભાઇ ઠાકરે ભાનુબેનના નામનો રજા રિપોર્ટ બનાવી અને તેઓની સાઇન કરીને સેક્રેટરી સમક્ષ રિપોર્ટ રજૂ કરી દીધો હતો.
અહિં એક વાત એ પણ ચર્ચાઇ રહી છે કે કેબિનેટ મંત્રી દરજ્જાના વ્યક્તિનો રજા રિપોર્ટ એક સામાન્ય કાગળમાં સ્વિકારી લેવામાં આવે તે શું વ્યાજબી છે. સામાન્ય રીતે દરેક કોર્પોરેટરને સ્ટેશનરી માટે દર મહિને ભથ્થુ આપવામાં આવે છે અને તમામ પાસે પોતાના નામ અને હોદ્ા સાથેના લેટરપેડ છે. છતાં કેબિનેટ મંત્રીનો રજા રિપોર્ટ માત્ર સામાન્ય કાગળમાં એક સામાન્ય કોર્પોરેટરની જેમ જ સ્વિકારી લેવામાં આવ્યો, બોર્ડ પૂરું થયું ત્યાં સુધી રજા રિપોર્ટને મંજૂર કરવામાં આવ્યો છે. તેવી મેયરની સહિ પણ આ રિપોર્ટ પર હતી નહિ.
કાલે સવારે કોઇપણ વ્યક્તિ કેબિનેટ મંત્રી કે કોઇ અન્યના રજા રિપોર્ટ કે કોઇ બીજા દસ્તાવેજ રજૂ કરી દેશે, શું કોર્પોરેશનના અધિકારીઓ ચલાવી લેશે તેવો સવાલ પણ ઉભો થઇ રહ્યો છે. આજે બોર્ડમાં કુલ પાંચ કોર્પોરેટરો ગેરહાજર હતા. જે પૈકી એકમાત્ર ભાવેશ દેથરીયાએ પોતાના સત્તાવાર લેટરપેડ પર રજા રિપોર્ટ રજૂ કર્યો હતો. બાકીના તમામ ચારેય નગરસેવકોના રજા રિપોર્ટ સામાન્ય કાગળમાં અને ભાજપ કાર્યાલયેથી લખવામાં આવેલા હોય તેવી સ્થિતિમાં જોવા મળ્યા હતાં.