પુજીત રૂપાણી ટ્રસ્ટ દ્વારા સ્વ. પુજીતનો જન્મદિવસ ઉજવાયો:ક્રિષ્ના વોટર પાર્કમાં ધુબાકા મારી કિકિયારીઓ સાથે મોજ માણતા બાળકોમાં પુજીતના દર્શન કરી ધન્યતા અનુભવતા અંજલીબેન રૂપાણી
શહેરના છેવાડાના તથા પછાત વિસ્તારોમાં વસતા આર્થિક રીતે પછાત પરિવારોના બાળકો માટે વિવિધ સેવાકીય પ્રોજેકટ ચલાવતી સંસ્થા પુજીત રૂપાણી મેમો. ટ્રસ્ટ દ્વારા ૮ ઓકટો. ના રોજ સ્વ. પુજીતનો જન્મદિવસ ઉજવાઇ ગયો.
દર વર્ષે ૮ ઓકટો. ના દિવસે વંચિત બાળકો એક દિવસનું બાળપણ માણી શકે તે માટે સવારથી સાંજ સુધી વિવિધ પ્રકારના મનોરંજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. તેમજ બાળકોને સ્વાદિષ્ટ ભોજન જમાડી સુંદર ગીફટ આપી રાજી કરવામાં આવે છે. તે મુજબ આ વર્ષે પણ આ બાળકોને કુવાડવા રોડ ઉપર આવેલ ક્રિષ્ના વોટર પાર્ક ખાતે લઇ જવાયા હતા. જયાં તેમણે પાણીમાં ધુબાકાઓ મારી કિકિયારીઓ સાથે વિવિધ પ્રકારની રાઇડસનો આનંદ માણ્યો હતો. આ બાળકોમાં પોતાના સ્વર્ગસ્થ પુત્ર પુજીતના દર્શન કરી અંજલીબેન રૂપાણીએ ધન્યતા અનુભવી હતી તથા તેમને પ્રેમથી જમાડી સુંદર ગીફટ આપી રાજી કર્યા હતા. આ પ્રસંગે શહેરના શ્રેષ્ઠીઓ શ્રી નીતીનભાઇ ભારદ્વાજ, હરીભાઇ પટેલ (ક્રિષ્ના વોટર પાર્ક) તથા શ્રીમતિ સીમાબેન બંછાનીધી પાની ઉ૫સ્થિત રહી બાળકોને પ્રોત્સાહન કરેલ. ઉલ્લેખનીય છે કે આ બાળકોએ બનાવેલી વેસ્ટમાંથી બેસ્ટ સમાન દિવાળી સુશોભન માટેની વસ્તુઓનું પ્રદર્શન કમ વેચાણ ૬ થી ૮ ઓકટો. દરમીયાન યોજાયું હતું. જેને શહેરના પ્રજાજનોએ અભૂતપૂર્વ પ્રતિસાદ આપ્યો હતો. ટ્રસ્ટ દ્વારા છેલ્લા રર વર્ષથી સ્ટ્રીટ ચિલ્ડ્ન પ્રોજેકટ હરતું ફરતું રમકડા ઘર (બાળ સ્વપ્ન રથ) જ્ઞાનપ્રબોધિની પ્રોજેકટ સહીત ૧૧ સેવાકીય પ્રોજેકટ ચલાવાય છે. જેનો લાભ લઇ અનેક બાળકો સમાજમાં અદકેરું સ્થાન પ્રાપ્ત કરી ચુકયા છે. વિશેષ વિગત માટે ટ્રસ્ટના કાર્યાલય કિલ્લોર ૧ મયુરનગર રાજકોટ મહાનગરપાલીકા પૂર્વઝોન કચેરી સામે, ભાવનગર રોડ, રાજકોટ ખાતે રુબરુ અથવા ફોન નં. ૨૭૦૪૫૪૫ દ્વારા વહીવટી અધિકરી ભાવેશભાઇ ભટ્ટનો સંપર્ક સાધવા જણાવાયું છે.