જનરલ બોર્ડમાં રાબેતા મુજબ 16 કોર્પોરેટરોના 33 પ્રશ્ર્નોના બદલે માત્ર એક જ પ્રશ્ર્નની લાંબી લચક ચર્ચામાં પ્રશ્ર્નોત્તરી કાળ આટોપી લેવાશે
રાજકોટ મહાનગરપાલિકા આવતીકાલે સવારે 11 કલાકે સ્વ.રમેશભાઇ છાયા સભા ગૃહ ખાતે મેયર ડો.પ્રદિપ ડવના અધ્યક્ષસ્થાને દ્વિમાસિક સામાન્ય સભા મળશે. વિપક્ષમાં માત્ર બે જ કોર્પોરેટરો હોવાના કારણે બોર્ડ શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઇ જશે. મોટા હોબાળાની સંભાવના હાલ દેખાતી નથી. બીજી તરફ કોંગ્રેસના બે નગરસેવકો ઠંડા પડી ગયા છે. જો કે બંનેએ પ્રશ્ર્નોત્તરી કાળમાં પ્રશ્ર્નો ચોક્કસ રજૂ કર્યા છે પરંતુ તેઓના પ્રશ્ર્નોનો ક્રમાંક દૂર હોવાના કારણે બોર્ડમાં ચર્ચા થાય તેવી સંભાવના ખૂબ નહિંવત દેખાઇ રહી છે.
શહેરીજનોને અસર કરતા પ્રશ્ર્નો અને સમસ્યાઓની ચર્ચા માટે કોર્પોરેશનમાં દર બે મહિને જનરલ બોર્ડની બેઠક મળે છે. જેમાં એક કલાકની પ્રશ્ર્નોત્તરી કાળ પણ રાખવામાં આવે છે. સભા અધ્યક્ષ એવા મેયર પાસે પ્રશ્ર્નોત્તરી કાળનો સમય લંબાવવાની સં5ૂર્ણ સત્તા હોવા છતાં તેઓ ક્યારેય હિંમત કરતા હોતા નથી. શાસક પક્ષ બહુમતીના જોરે માત્ર એક જ પ્રશ્ર્નોની લાંબી-લાંબી ચર્ચા કરવામાં પ્રશ્ર્નોત્તરી કાળનો સમય વેડફી નાંખે છે. જો વિપક્ષનો પ્રથમ પ્રશ્ર્ન હોય તો ખોટી આક્ષેપબાજી અને દેકારામાં પ્રશ્ર્નોત્તરી કાળ વેડફાઇ જાય છે.
કાલે જનરલ બોર્ડમાં ભાજપના 14 કોર્પોરેટરોએ 28 પ્રશ્ર્નો અને કોંગ્રેસના બે કોર્પોરેટરોએ પાંચ પ્રશ્ર્નો રજૂ કર્યાં છે. કુલ 33 પ્રશ્ર્નો બોર્ડ સમક્ષ રજૂ કરવામાં આવ્યા છે. પ્રથમ પ્રશ્ર્ન વોર્ડ નં.14ના ભાજપના નગરસેવિકા ભારતીબેન મકવાણાનો છે. તેઓના પ્રશ્ર્નોની ચર્ચામાં જ બોર્ડનો સમય વેડફાઇ જશે. બોર્ડમાં અલગ-અલગ 17 દરખાસ્તો અંગે નિર્ણય લેવાશે.