ત્રણ દિવસ સુધી બેન્કોની હાજરીમાં કોર્પોરેશન દ્વારા કેમ્પ યોજાશે
ભારત સરકાર દ્વારા શેરી ફેરિયાઓ માટે પીએમ સ્વનીધી યોજના મારફત શેરી ફેરિયાઓ તેઓની આજીવિકા પુન:સ્થાપિત કરી શકે તે હેતુથી કેમ્પના આયોજન વખતોવખત કરવામાં આવતા રહે છે. જેમાં આજથી ત્રણ દિવસ માટે એવા લોકો માટે કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે જેઓની લોનની અરજી બેંક દ્વારા મંજુર થઇ ચુકી છે પરંતુ ખાતામાં નાણાં જમા થયેલ નથી. આ કેમ્પમાં આવા પ્રકારના કેસની બાકી રહેલી પ્રક્રિયા પૂર્ણ કરાવવામાં આવી રહી છે. જેમાં બપોર સુધીમાં અંદાજિત 150 જેટલા લોકોની લોન પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવેલ છે.
આ યોજના અંતર્ગત મ્યુનિ. કમિશનર અમિત અરોરાના માર્ગદર્શનમાં શહેરી શેરી ફેરિયાઓ માટે પી.એમ. સ્વનિધિ યોજના સંબધિત લાભથી વંચિત ન રહે તે માટે લાભાર્થીઓને બેંક ખાતે વારંવાર મુલાકાત ન લેવી પડે અને લોન મંજુરીની પ્રક્રિયા સરળ થાય તે માટે આ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. જે ફેરિયાઓની લોન બેંક દ્વારા મંજુર થયેલ છે પણ ખાતામાં લોનની રકમ જમા થયેલ નથી તેવા લોકો માટે યોજાયેલા આ કેમ્પમાં, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સંબંધિત બેન્કોની હાજરીમાં સુચારુ વ્યવસ્થા કરવામાં આવેલ છે. આ માટે ઉપર દર્શાવેલ લગત બેંકોનાં લાભાર્થીઓએ આધાર કાર્ડ, બેંક પાસબુક તથા પાસપોર્ટ સાઈઝના ફોટા સાથે કેમ્પમાં ઉપસ્થિત રહેવા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અનુરોધ કરવામાં આવે છે.
વિશેષમાં કેમ્પના સ્થળે તા.18/01/2023 થી તા.21/01/2023 દરમ્યાન રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અસંગઠિત ક્ષેત્રના કામદારો માટે ઈ-શ્રમ કાર્ડ રજીસ્ટ્રેશનની કામગીરી પણ કરવામાં આવનાર છે. જેનો પણ લાભ લેવા લાભાર્થીઓને જાણ કરવામાં આવે છે.
અત્રે એ ઉલ્લેખનીય છે કે, પી.એમ. સ્વનિધિ યોજના હેઠળ પ્રથમ તબક્કામાં રૂ.10,000/-સુધીની વર્કિંગ કેપિટલલોન સિક્યુરીટી વિના બેંકો મારફત મળવાપાત્ર થાય છે. તથા પ્રથમ લોન પૂર્ણ થયેલ લાભાર્થીઓને રૂ.20,000/- સુધીની વર્કિંગ કેપિટલ લોન સિક્યુરીટી વિના મળી શકે છે.