સૌરાષ્ટ્રમાં ઠેર ઠેર જલારામ જન્મ જયંતિ નિમિતે ભવ્ય શોભાયાત્રા

આવતીકાલે તા.૨૭ને શુક્રવારે કારતક સુદ ૭ના શુભદિને સંત શીરોમણી પૂ. જલારામ બાપાની ૨૧૮મી જન્મજયંતિની નાનકડા એવા વીરપુરમાં હર્ષોલ્લાસભેર ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવશે.

વીરપુરમાં બાપાની જન્મજયંતિના પાવન પ્રસંગને વધાવવા દીવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે. છેલ્લા ઘણા દિવસોથી વીરપુરવાસીઓ જલારામ જયંતિ ઉજવવા તૈયારીઓ કરી રહ્યા છે.

આજે જન્મજયંતિની પૂર્વ સંધ્યાએ સમગ્ર તૈયારીઓને આખરી ઓપ અપાઈ જશે.

વીરપુરમાં વેપારીઓ તેમજ ગ્રામજનો દ્વારા ઘર આંગણે શેરી મહોલ્લા તેમજ દુકાનોને આસોપાલવના તોરણ, કેળના પાન, રંગબેરંગી ધજાપતાકા તેમજ રોશનીના શણગારથી સુશોભીત કરવામાં આવ્યા છે.

ઉપરાંત કાલે ઘેરઘેર આંગણે અવનવી ભાતવાળી રંગોળી તથા દીવડાઓ અને મનમોહક રોશનીનો ઝગમગાટ કરવામાં આવશે પરોઢીયેથક્ષ જ જય જલીયાણ, જય જલારામનો નાદ સાથે ફટાકડાઓની આતશબાજી કરવામાં આવશે.

તેમજ વીરપુરનાં વેપારી ભાઈઓ દ્વારા કેક કાપી બાપાના જન્મદિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવશે ઉપરાંત વીરપુર અને આસપાસનાં ગ્રમાજનોનાં મિત્રમંડળો દ્વારા ઠેરઠેર વિનામૂલ્યે પાણીના પરબો, છાશ કેન્દ્રો, શરબત તથા અલ્પાહારની વ્યવસ્થા પણ ઉભી કરવામાં આવી છે.તો ઘણી જગ્યાએ જલારામ બાપાના જીવનની ઝાંખી સમાન આકર્ષક ફલોટસ તથા ઝુંપડીઓ ઉભી કરવામાં આવી રહી છે.

દર્શનાર્થીઓ માટે કોઈ પણ જાતની અગવડતા ન પડે તે માટે ભાઈઓ અને બહેનોની દર્શન માટે તેમજ દર્શન કરી બહાર નીકળવા માટે અલગ અલગ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

ભીડ ઉભી ન થાય તે માટે દર વર્ષની જેમ પ્રસાદની વ્યવસ્થા રેલવે સ્ટેશન રોડ પર આવેલા જલારામ અતિથિગૃહ બાજુમાં પ્રસાદ કેન્દ્ર ખાતે વ્યવસ્થા કરવામાં આવી છે.

એક સાથે બહોળી સંખ્યામાં ભાવિકો પ્રસાદનો લાભ લઈ શકે તેવી સુચા‚ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આવતીકાલે વહેલી સવારથી જ લાખો દર્શનાર્થીઓ કતારબધ્ધ ગોઠવાઈ બાપાના ચરણે શીશ ઝુકાવી ધન્ય બનશે વીરપુર તેમજ સમગ્ર સૌરાષ્ટ્રમાં પૂ. જલારામ બાપાની જન્મજયંતિ ઉજવવા ભાવિકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

રાજકોટ શહેરમાં પણ વિવિધ ધાર્મિક સંસ્થાઓ તેમજ મંદિરો દ્વારા સંત શીરોમણીના પાવન પર્વની ઉજવણી કરવામાં આવશે. બાપાની જન્મજયંતિ ઉજવણી અંતર્ગત ઠેર ઠેર ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.