કામ-ચલાઉ આશ્રય-સ્થાન ઉભા કરાશે,ખુલ્લામાં સુતા લોકોને રેનબસેરામાં ખસેડાશે
સમગ્ર રાજ્યમાં આગામી ચાર-પાંચ દિવસ શીતલહેરની આગાહી છે,ત્યારે જિલ્લા કલેક્ટર અરૂણ મહેશ બાબુના નેતૃત્વમાં વહીવટી તંત્ર યુદ્ધના ધોરણે એક્શનમાં આવી ગયું છે. નિવાસી અધિક કલેક્ટર કેતન ઠક્કર (આઈ.એ.એસ.)ના અધ્યક્ષ સ્થાને શીતલહેર સામે તકેદારીના પગલાં લેવા તાકીદની બેઠક યોજાઈ હતી. જેમાં શીતલહેર સામે ઝીરો કેઝ્યુઆલિટીની નીતિ સાથે બહુઆયામી એક્શન પ્લાન બનાવીને કાર્ય કરવા સૂચના આપવામાં આવી હતી.
ઠક્કરે જિલ્લાના તમામ નાયબ કલેક્ટરો,મામલતદારો,તાલુકા વિકાસ અધિકારીઓ,આરોગ્ય અધિકારીઓ,પાલિકા તેમજ મહાનગર પાલિકાના અધિકારીઓ દ્વારા અત્યાર સુધીમાં લેવાયેલા પગલાંની સમીક્ષા કરી હતી,તેમજ આગામી દિવસોમાં શીતલહેરના પ્રકોપ સામે નાગરિકોને જાગૃત કરીને,તેમની સલામતી માટે સ્થાનિક તંત્ર કેવાં કેવાં પગલાં લેશે તેની પૃચ્છા કરી હતી. ઠક્કરે રાજકોટ જિલ્લાના ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં રાત્રિડ્રાઈવ કરીને ખુલ્લામાં સૂતા લોકોને રેનબસેરામાં ખસેડવા અને કોઈપણ નાગરિક ખુલ્લામાં ના સૂવે તે જોવા ખાસ સૂચના આપી હતી. જો ગ્રામીણ કે નગર-પાલિકા વિસ્તારોમાં રેનબસેરા ના હોય તો,સ્કૂલ કે સમાજની વાડીઓમાં કામચલાઉ આશ્રય-સ્થાન ઊભા કરવા કહ્યું હતું.
વાડી વિસ્તારોમાં ખેતમજૂરો ખુલ્લામાં ના સૂવે અને તેમના માટે નજીકમાં રાત્રિરોકાણની વ્યવસ્થા કરવા સૂચન કર્યું હતું. આ સાથે મેડિકલ ટીમ દ્વારા રેનબસેરામાં રહેતા લોકોના આરોગ્યની સવાર-સાંજ નિયમિત તપાસ કરવા કહ્યું હતું.નિવાસી અધિક કલેક્ટરએ જિલ્લામાં આરોગ્ય વિભાગની કામગીરીની તૈયારીઓની સમીક્ષા કરી હતી. જેમાં દવાખાનાઓ, સામુદાયિક આરોગ્ય કેન્દ્રોમાં સ્ટાફ તહેનાત રાખવા,પૂરતી દવાઓનો જથ્થો રાખવા,108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ તૈયાર રાખવા જણાવ્યું હતું.
ઠંડીમાં બાળકો અને વૃદ્ધોને સૌથી વધુ અસર થતી હોય છે ત્યારે તેઓ બહાર ના નીકળે તે માટે લોકોને જાગૃત કરવા તેમજ શીતલહેર સામે સાવધ કરવા સ્થાનિક સ્તરે તલાટી,સરપંચો,ગ્રામ પંચાયતના સભ્યો,હેલ્થવર્કરો, આશાવર્કરો,આંગણવાડી બહેનો દ્વારા ડોર ટુ ડોર સંપર્ક કરવા કહ્યું હતું.
આ બેઠકમાં પ્રાંત અધિકારી કે.જી ચૌધરી, સંદીપ વર્મા, વિવેક ટાંક, નાયબ જિલ્લા વિકાસ અધિકારી બ્રિજેશ કાલરિયા, મામલતદાર રૂદ્ર ગઠવી, કે.કે. કરમટા, જાનકી પટેલ, રાજકોટ મહાનગર પાલિકા, આરોગ્ય વિભાગ,પશુપાલન વિભાગ સહિતના વિવિધ વિભાગના અધિકારીઓ જોડાયા હતા જ્યારે જસદણ, ગોંડલ, ધોરાજી, જેતપુર સહિતના વિસ્તારના અધિકારીઓ ઓનલાઈન જોડાયા હતા.