નશાના કારોબારને દુર કરાવવા માટે પોલીસે આરોપીઓ સામે લાલ આંખ કરી છે. ત્યારે ગૃહ રાજ્યમંત્રીના હોમ ટાઉનમાં સુરત ક્રાઈમ બ્રાંચને સફળતા મળી છે જ નશાનો કાળો કારોબાર કરનારા યુવક અને યુવતીને પોલીસે રેલ્વે સ્ટેશનથી પકડી પાડયા છે.
સુરત પોલીસ દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન શરુ કરવામાં આવ્યું છે. જે અંતર્ગત નશાનો કારોબાર કરતા આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે આ અભિયાન અંતર્ગત પોલીસને વધુ એક સફળતા મળી છે. રેલ્વે સ્ટેશનમાં ક્રાઈમ બ્રાંચ દ્વારા વોચ ગોઠવવામાં આવી હતી ત્યારે રેલ્વે સ્ટેશનના પાર્કિંગ પાસેથી અડાજણ હનીપાર્ક રોડ પાસે રહેતા શ્રેયાંસ રાકેશભાઈ ગાંધી અને અડાજણ પ્રાઈમ આર્કેડ પાસે રહેતી પ્રીતિ પટેલ નામની યુવતીને ઝડપી પાડી હતી.
પોલીસે યુવક અને યુવતી પાસેથી 11886 રૂપિયાનું 79.240 ગ્રામ ચરસનો જથ્થો અને અન્ય મુદામાલ મળી કુલ 57966 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસ દ્વારા કાર્યવાહી કરતા આરોપીઓએ કબુલ્યું હતું કે હિમાચલથી આ ચરસનો જથ્થો લાવ્યા હતા.
મહત્વની વાત તો એ છે કે બન્ને બીજી વાર ચરસના કેસમાં ઝડપાયા હતા. હિમાચલમાં ચરસના કેસમાં પકડાયા બાદ કોર્ટની તારીખમાં હાજર થયા બાદ પરત આવ્યા હતા. ત્યાં ફરી ચરસના કેસમાં જ સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ઝડપી પાડ્યા.