એકે-૨૦૩ રાઇફલ ૮૦૦ મીટરની રેન્જ સુધીમાં એક મિનિટમાં ૭૦૦ ગોળીઓ વરસાવશે !!

ભારતીય સેનાના જવાનોને ટૂંક સમયમાં એકે-૨૦૩ એસોલ્ટ રાઈફલ્સ મળવા જઈ રહી છે. ભારત અને રશિયા મળીને આ આધુનિક હથિયાર બનાવી રહ્યા છે અને તેનું નિર્માણ યુપીના અમેઠીમાં શરૂ થઈ ગયું છે.

ભારતીય સૈનિકોને ટૂંક સમયમાં એકે-૨૦૩ એસોલ્ટ રાઈફલ્સની પ્રથમ બેચ મળવા જઈ રહી છે. છેલ્લા ઘણા સમયથી પેન્ડિંગ પ્રોજેક્ટ શરૂ થયો છે. ઉત્તર પ્રદેશના અમેઠી જિલ્લાના કોરવા ખાતે ઈન્ડો-રશિયન રાઈફલ્સ પ્રાઈવેટ લિમિટેડ (આઈઆરઆરપીએલ) મેન્યુફેક્ચરિંગ યુનિટે એકે-૨૦૩ કલાશ્નિકોવ એસોલ્ટ રાઈફલ્સનું ઉત્પાદન શરૂ કર્યું છે.

ગયા અઠવાડિયે આર્મી ચીફ જનરલ મનોજ પાંડેએ દાવો કર્યો હતો કે ૫૦૦૦ એકે-૨૦૩ રાઈફલ્સની પ્રથમ બેચ આ વર્ષે માર્ચ સુધીમાં સેનાને સોંપવામાં આવશે. જ્યારે આગામી ૩૨ મહિનામાં ભારતીય સેનાને ૭૦ હજાર એકે-૨૦૩ રાઈફલો સોંપવામાં આવશે. આગામી ૧૦ વર્ષમાં ૬ લાખ ૧ હજાર ૪૨૭ રાઈફલ બનાવવામાં આવશે.

ઈન્ડો-રશિયન રાઈફલ્સ પ્રાઈવેટ લિમિટેડનું સંયુક્ત સાહસ

એકે-૨૦૩ પ્રોજેક્ટની જાહેરાત વર્ષ ૨૦૧૮માં કરવામાં આવી હતી, પરંતુ ખર્ચ, રોયલ્ટી અને ટેક્નોલોજી અંગે વાટાઘાટો થઈ શકી ન હતી, તેથી પ્રોજેક્ટ શરૂ કરવામાં વિલંબ થયો હતો.  હવે ઈન્ડો-રશિયન રાઈફલ્સ પ્રાઈવેટ લિમિટેડના પ્લાન્ટમાં રાઈફલ્સનું ઉત્પાદન શરૂ થઈ ગયું છે.ઉત્તર પ્રદેશના અમેઠીમાં કોરવા ઓર્ડિનન્સ ફેક્ટરીમાં ૭.૬૨ એમએમ એસોલ્ટ રાઈફલ્સની પ્રથમ બેચ બનાવવામાં આવી છે. તેને ટૂંક સમયમાં ભારતીય સેનાને સોંપવામાં આવશે. આ સાથે, આ ફેક્ટરીમાં ભારતના અન્ય સુરક્ષા દળોને પણ હથિયારો પૂરા પાડવાની ક્ષમતા છે. આ સિવાય કંપની અન્ય દેશોમાં પણ હથિયારોની નિકાસ કરવાની ક્ષમતા ધરાવે છે.

એકે-૨૦૩ રાઇફલની ખાસિયતો

એકે-૨૦૩ રાઈફલ એ એકે શ્રેણીની સૌથી ઘાતક અને આધુનિક રાઈફલ છે. તેમાં પરંપરાગત એકે શ્રેણીની તમામ વિશેષતાઓ છે. રશિયાએ તેને ૨૦૧૮માં તૈયાર કર્યું હતું. એકે-૨૦૩ એસોલ્ટ રાઇફલ્સ હળવી અને તમામ હવામાન પરિસ્થિતિઓમાં અસરકારક છે. આ હથિયારથી એક મિનિટમાં ૭૦૦ રાઉન્ડ ફાયરિંગ કરી શકાય છે. તેની રેન્જ ૫૦૦ થી ૮૦૦ મીટર છે.  એક મેગેઝિન ૩૦ રાઉન્ડ ફાયરિંગ ક્ષમતા ધરાવે છે. એકે-૨૦૩ એસોલ્ટ રાઈફલનું વજન ૩.૮ કિલો છે. જ્યારે તેની લંબાઈ ૭૦૫ મીમી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.