ઈન્ટરનેશનલ હોકી ફેડરેશનએ આ મામલે તપાસ કરવાનો નિર્ણય લીધો
ભારતમાં આ વર્ષે સતત બીજીવાર હોકી વર્લ્ડ કપ રમાઈ રહ્યો છે. વર્લ્ડ કપના ઈતિહાસમાં પહેલીવાર 2 શહેરોમાં હોકી વર્લ્ડ કપની મેચ રમાઈ રહી છે. ઓડિશાના રાઉરકેલા અને ભુવનેશ્વરમાં હોકી વર્લ્ડ કપની રોંમાચક મેચ રમાઈ રહી છે. જો કે હોકી વર્લ્ડકપમાં પણ લોચા થયા હોય તેમ, જાપાને કોરિયા સામેની મેચમાં 12 ખેલાડીઓ ઉતારતા વિવાદ સર્જાયો હતો.
13 જાન્યુઆરીથી શરુ થયેલા વર્લ્ડ કપના 5માં દિવસે 2 મેચ રમાઈ હતી. પ્રથમ મેચ સાંજે 5 વાગ્યે કોરિયા અને જાપાન વચ્ચે રમાઈ હતી. આ મેચ ભુવનેશ્વરના કલિંગ સ્ટેડિયમમાં રમાઈ હતી. આ મેચમાં કોરિયાની ટીમે 2-1થી જીત મેળવી હતી. જાપાન અને કોરિયાની ટીમ ગ્રુપ બીની ટીમો છે. હાલમાં કોરિયાની ટીમ 3 પોઈન્ટ સાથે ત્રીજા નંબરે છે, જ્યારે જાપાનની ટીમ 0 પોઈન્ટ સાથે ગ્રુપમાં છેલ્લા સ્થાને છે.
સાઉથ કોરિયા સામે વર્લ્ડકપની મેચના અંતે 12 જાપાની ખેલાડીઓ મેદાનમાં દેખાયા હતા, જે બાદ ઈન્ટરનેશનલ હોકી ફેડરેશનએ આ મામલે તપાસ કરવાનો નિર્ણય લીધો છે. જણાવી દઈએ કે એક સમયે એક ટીમના 11 ખેલાડી જ મેદાન પર ઉતરી શકે છે. જાપાનની ટીમે જણાવ્યું હતું કે તેમનાથી અજાણતા જ આ ભૂલ થઈ હતી.
ગ્રુપ બીમાં બેલ્જિયમની ટીમ 4 પોઈન્ટ સાથે પ્રથમ ક્રમે છે. જ્યારે જર્મની પણ 4 પોઈન્ટ સાથે બીજા સ્થાને છે. ગોલના તફાવતને કારણે જર્મનીની ટીમ બીજા સ્થાને છે.