વ્યાજના ધંધાર્થીઓને નાથવા માટે સરકાર અને પોલીસ દ્વારા કડક કાર્યવાહી શરુ કરવા છતાં વ્યાજખોરો બેફામ હોય તેમ રાજકોટમાં છ શખ્સો, રુરલમાં નવ, જામનગરમાં તેર, મોરબીમાં ત્રણ,ભાવનગરમાં ચાર અને સુરેન્દ્રનગરમાં વ્યાંજના ધંધાર્થી સામે ગુના નોંધાીયા છે. જેમાં મોટા દડવાના ઉદ્યોગપતિનને વ્યાજખોરાના ત્રાસથી પિતરાઇ ભાઇએ ગામ છોડી હિજરત કરવાની ફરજ પડી છે.
ભાવનગરના એક યુવાનને આપઘાતની કોશિષ કર્યાની, મોરબીના યુવાનનું વ્યાજ વસુલ કરવા માટે અપહરણ થયાની અને રાજકોટના જસાણી કોલેજને પ્રોફેસરે શિક્ષક પાસેથી વ્યાજ વસુલ કરવા ધમકી દઇ ચેક રિટર્નની ફરિયાદ નોંધાઇ છે.
ભાવનગર: વ્યાજખોરોના ત્રાસથી કંટાળી આધેડે એસિડ ગટગટાવ્યું
ભાવનગરમાં ફુલસર ખારા વિસ્તારમાં મફતનગર બાપા સીતારામની મઢુલી પાસે રહેતા અશોકભાઈ કાળુભાઇ ડાભી નામના 42 વર્ષીય ચાના ધંધાર્થીએ એસિડ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આ અંગે બોરતળાવ પોલીસ મથકના સ્ટાફને જાણ થતાં હેડ કોન્સ્ટેબલ એમ.કે.પરમાર સહિતનો સ્ટાફ હોસ્પિટલ દોડી ગયો હતો.
પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ અશોકભાઈ ડાભીએ લોકડાઉન સમયમાં ઇન્દુભા ચુડાસમા, હાજીદાદા રીક્ષાવાડા, ધમભા ઉર્ફે મામા જાડેજા અને રમજાન મકવાણા પાસે ઉચી ટકાવારીએ પૈસા વ્યાજે લીધા હતા. ત્યાર બાદ આધેડ સમયસર વ્યાજ ચૂકવતા હતા. પરંતુ છેલ્લા એકાદ માસથી ચાનો ધંધો સરખો ન ચાલતો હોવાથી વ્યાજ ચૂકવણી ન કરતા ઈન્દુભા, હાજીદાદા, ધમભા ઉર્ફે મામા અને રમજાન નામના વ્યાજખોરોએ પઠાણી ઉઘરાણી કરી ધાકધમકીઓ આપતાં અશોકભાઈ ડાભીએ પોતાના ઘરે એસિડ પી આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું સામે આવ્યું છે. બોરતળાવ પોલીસે ઘટનાની નોંધ કરી આગળની કાર્યવાહી હાથધરી છે.
જામનગર: વ્યાજખોરો સામે પોલીસની તવાઈ, બે મહિલા સહિત 10 સામે ગુનો નોંધાયો
જામનગરમાં વ્યાજખોરો સામે પોલીસે તવાઈ હાથધરી છે. જેના દ્વારા લોકદરબાર યોજાયા બાદ વ્યાજખોરો સામે ફરિયાદ નોંધી કડક કાર્યવાહી હાથધરી છે.
જામનગર સિટી સી ડિવિઝનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ ફરિયાદી ચંદ્રેશભાઇ કાબાભાઈ પાંભર નામના પ્રૌઢે રમેશ નરશી વસોયા, જયશ્રીબેન રતિલાલ રંગાણી, વિજય રંગાણી અને શીતલબેન વિજય રંગાણી પાસેથી રૂ.50 લાખ વ્યાજે લીધા હતા. જેના બદલે વ્યાજખોરોએ પ્રૌઢ પાસેથી એક કરોડની ઉઘરાણી કરી હોવા છતાં રૂ.80 લાખની જમીન પચાવી પાડવા પઠાણી ઉઘરાણી કર્યાનું ફરિયાદમાં જણાવ્યું છે. તો અન્ય ફરિયાદમાં ચંદ્રેશભાઇએ આશિષ હસમુખ ફલીયા, જય હસમુખ ફલિયા અને રાકેશ દિનેશ ફ્લીયા નામના શખ્સો પાસેથી રૂ.15 લાખ પાચ ટકાના દરે લીધા હતા. જેમાં ફરિયાદીએ રૂ.15 લાખના રૂ.65 લાખ વ્યાજ ચૂકવી તથા કારખાનું વેચી રૂ.15 લાખ ચૂકવ્યા છતાં પઠાણી ઉઘરાણી કરતા હોવાનુ પોલીસમાં નોંધાયું છે.
તો અન્ય ફરિયાદમાં જણાવ્યા મુજબ હાસમ અબ્દુલગફાર સંધીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે પોતે બજરંગ ફાઇનાન્સમાંથી રૂ.10,000 10 ટકાના દર પર વ્યાજે લીધા હતા. જે સમયસર ન ચૂકવતાં બજરંગ ફાઈનાન્સના સંજયસિંહ સરદારસિંહ ચુડાસમા અને પ્રિયરાજસિંહ કુલદીપસિંહ જાડેજાએ ફરિયાદીને માર મારી વ્યાજની પઠાણી ઉઘરાણી કરી હતી.જ્યારે વધુ એક ફરિયાદમાં કોમલબેન સુરેશભાઈ શર્મા નામના 45 વર્ષીય મહિલાએ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી જેમાં જણાવ્યા મુજબ કોમલબેને નિલેશ ઉદયશંકર દીક્ષિત પાસેથી રૂ.20,000 10 ટકાના વ્યાજના દરે લીધા હતા. જેના સિક્યુરિટી પેટે આરોપીએ રૂ.1.15 લાખની રકમના ચેક પર સહી કરાવી ચેક બાઉન્સ કરાવી પઠાણી ઉઘરાણી કર્યાનું પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે.
મોરબીના યુવાન પાસેથી વ્યાજ વસુલ કરવા અપહરણ કરાયું
મોરબીના સનાળા રોડ પર ભારતનગરમાં રહેતા યુવાન પાસેથી વ્યાજ વસુલ કરવા માટે ત્રણ શખ્સોએ બાઇક અને કારમાં અપહરણ કરી રાત આખી માર મારી આંગળીમાં ફેકચર કરી નાખ્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.મુંબઇમાં ટાઇલ્સનો શો રુમ માટે પોતાના મિત્ર જીજ્ઞેશ કૈલા પાસેથી રુા.3.34 લાખ વ્યાજે લીધા હતા. મુંબઇમાં ધંધો બરાબર ન ચાલતા બંધ કરી દીધો હતો તેમ છતાં જીજ્ઞેશ કૈલાને અત્યાર સુધીમં રુા.2.70 લાખ ચુકવી દીધા હતા. બાકીના રુા.64 હજાર વસુલ કરવા માટે યોગેશ કાસુન્દ્ર અને રઘો મેરજા નામના શખ્સો કંડલા હાઇવે પર ક્રિષ્ના હોટલ પાસેથી અપહરણ કરી હરી દર્શન એપાર્ટમેન્ટમાં લઇ જઇ માર માર્યા બાદ કારમાં પીપળીયા તરફ લઇ ગયા હતા ત્યારે બંને શખ્સોની નજર ચુકવી રિક્ષામાં મોરબી આવી સારવાર માટે હોસ્પિટલમાં દાખલ થયો હતો. પોલીસે ત્રણેય શખ્સો સામે વ્યાજની પઠાણી ઉઘરાણી કરવા અપહરમ કરી માર માર્યા અંગેનો ગુનો નોંધી તપાસ હાથધરી છે.
મોટાદડવામાં વ્યાજખોરો ત્રાસથી ઉદ્યોગપતિના ભાઇએ ગામ છોડ્યું
મીલ માલિકે 15 લાખના 27 લાખ ચુકવી દીધા બાદ 1 કરોડની પઠાણી ઉઘરાણી કરી 17 વિઘા જમીનનું સાટાખત કરાવ્યું: નવ સામે ગુનો નોંધાયો
ગોંડલ તાલુકાના મોટા દડવા ગામના ઓઇલ મીલના સંચાલકએ વ્યાજખોરોને મુદ્લ અને વ્યાજ ચુકવી દીધા બાદ વધુ રકમ પડાવવા બેંકમાં ગીરો રહેલી ઓઇલ મીલની ત્રણ ટાંકીઓ ઉઠાવી લઇ તેમજ ગિરો મુકેલ જમીનનો દસ્તાવેજ કરી આપવા નવ શખ્સો સામે ફરિયાદ નોંધી બે શખ્સોની ધરપકડ કરી જ્યારે નાશી છૂટેલા સાત શખ્સોની આટકોટ પોલીસે શોધખોળ હાથધરી છે.
વધુ વિગત મુજબ ગોંડલ તાલુકાના મોટા દડવા ગામે રહેતા અને ઓઇલ મીલ સંચાલક કિશોરભાઇ બેચરભાઇ રાદડીયા નામના વેપારીને પોતાના ઓઇલ મીલમાં આર્થિક જરૂરીયાત ઉપસ્થિત થતા ગામના નિલેષ વિભા સોનારા પાસેથી બે વર્ષ પહેલા એક લાખ 2 ટકા વ્યાજે લીધા અને દોઢ લાખ ચુકવ્યા બાદ વધુ ત્રણ લાખની માંગ કરી ધમકી આપતો હતો. મોટા દડવાનો દીવુ નટુભાઇ ધાંધલ પાસેથી બે વર્ષ પહેલા 2 લાખ બે ટકા વ્યાજે લીધા હતા. બાદ 5 ટકા લેખે દોઢ લાખ વસુલ્યા બાદ બેંક લોનમાં મોર્ગજ ઓઇલ મીલના ત્રણ તેલના ટાંકા અને મશીનરી જાણ કર્યા વગર લઇ જઇ ધમકી આપી છે.
જસદણ યાર્ડમાં અર્જુન ટ્રેડીંગ પેઢી પાસેથી સાત-આઠ વર્ષ પહેલા રૂા.4.75 લાખની મગફળીની ખરીદી હતી. જે પેટે રૂ.4.25 લાખ ચુકવી આપ્યા હતા અને બાકી રહેતા 50 હજાર ચુકવવા આપેલો ચેક ફૂલ રકમ ભરી ચેક રિટર્ન કરાવી નેગોશીએબલ હેઠળ ફરિયાદ કરી ઉઘરાણી કરી ધમકી આપી છે.
મોટા દડવાના એભલ મેણંદ લાવડીયા પાસેથી પાંચ વર્ષ પહેલા દોઢ લાખ 2 ટકા વ્યાજે લીધા બાદ સમયસર વ્યાજ નહી ચુકવતા 10 ટકા લેખે રૂા.7 લાખ વસુલાત કરી વધુ 15 લાખની માંગણી કરી ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી છે.
મોટા દડવાના સતા ખોડા મેવાડા પાસેથી પાંચ વર્ષ પહેલા દોઢ લાખ 2 ટકા વ્યાજે લીધા હતાં. ત્રણ વર્ષ સુધી પાંચ લાખ ચુકવી આપ્યા બાદ વધુ 15 લાખની પઠાણી ઉઘરાણી કરી ચેક રિટર્ન કરાવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી છે.
મોટા દડવાના સંજય દેવાયત બોરીચા અને કોટડા સાંગાણીના રાજપીપળાના મુકેશ શંભુ ઠુમ્મર બંને ભાગીદાર પાસેથી આઠ વર્ષ પહેલા 15 લાખ બે ટકા વ્યાજે લીધા હતા અને નાના ભાઇ જયસુખભાઇની 10 વિઘા જમીનનું સાટાખટ કરાવી લીધું હતું. બાદ બંને શખ્સોએ પાંચ ટકા વ્યાજ લેખે રૂ.27 લાખ જ વસુલાત કર્યા બાદ વધુ 1 કરોડની માંગણી કરી અન્ય જમીનનો દસ્તાવેજ કરી આપવા દબાણ કરી ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી છે.
કોટડા સાંગાણી તાલુકાના નાના માંડવા ગામે રહેતો જગદીશ લાવડીયા નામના શખ્સ પાસેથી પિતરાઇ ભાઇ કાળુભાઇ વાલાભાઇ રાદડીયાને આર્થિક જરૂરીયાત ઉ5સ્થિત થતા જમીનનો દસ્તાવેજ કરી છ લાખ માસિક અઢી ટકા લેખે લીધા હતા. જેમાં કાળુભાઇને દેણું થઇ જતા ફરાર થઇ જતા જામીન પડેલ હોવાથી 18 લાખ ચુકવી દીધા બાદ વધુ 10 લાખ રૂપિયાની માંગણી કરી ધમકી આપી બીજી જામીન પડાવી લેવાની ધમકી આપ્યાની આટકોટ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. આટકોટ પોલીસે એભલ મેણંદ લાવડીયા અને સાતા ખોડા મેવાડાની ધરપકડ કરી જ્યારે અન્ય વ્યાજખોરોની ધરપકડ કરવા તજવીજ હાથધરી છે.
રાજકોટ શહેરમાં વધુ છ વ્યાંજકવાદીઓ સામે પોલીસે નોંધ્યો ગુનો
રાજકોટ થોરાળા પોલીસે ગઈકાલે વ્યાજખોરો સામે કાર્યવાહી કરવા લોક દરબાર યોજી ત્રણ ફરિયાદ નોધી છે.જેમાં પ્રથમ ફરિયાદમાં લાખાજીરાજ ઉદ્યોગનગરમાં રહેતા વિશાલ બટુકભાઈ મકવાણાએ સુરેશ બાદલ સોલંકી પાસેથી પોતાની માતાની સારવાર માટે રૂ. 25 હજાર 10 ટકે લીધા હતા જેના 1.25 લાખ ચૂકવી દીધા છતાં વધુ રૂ. 45 હજાર માંગી મકાન ખાલી કરવા ગાળો ભાંડતો હોવાની તેની ફરિયાદ નોંધાવી છે.
જયારે બીજી ફરિયાદમાં નવા થોરાળામાં રહેતા ગીતાબેનના પતિ અજયભાઈ રાઠોડએ હીરા મછાભાઈ ભરવાડ પાસેથી દોઢેક વર્ષ પહેલા રૂ.10.50 લાખ 8 ટકે લીધા હતા.અને તેઓ છેલ્લા છ માસથી હપ્તો ભરી નહિ શકતા આરોપી તેના ઘરે આવી જાનથી મારી નાખવાની અને તેના પગ ભાંગી નાખવાની ધમકી આપી પઠાણી ઉઘરાણી કરતો હોવાની અંતે કંટાળી તેને પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
તેમજ ત્રીજી ફરિયાદમાં અજય નાથાભાઈ રાઠોડએ બીપીન ગોહેલ પાસેથી દોઢ લાખ 5 ટકે 2020માં લીધા હતા જેના વ્યાજ સહીત 2.85 લાખ ચૂકવી દીધા છતાં બીપીન અને તેનો દીકરો વિશાલ વધુ પેનલ્ટીના 7 લાખ માંગી જાનથી મારી નાખવાની ધમકી આપતા હોવાની ફરિયાદ નોંધાવતા પીઆઈ કે એલ જેઠવા તપાસ ચલાવી રહ્યા છે.
જ્યારે ચોથી ફરિયાદમાં મનહર પ્લોટમાં રહેતા અને રામોદ ગામે સાતેક વર્ષથી શિક્ષક તરીકે ફરજ બજાવતા ભાવેશભાઈ ઈંદુલાલભાઈ કારાવડીયાએ વૈશાલીનગરમાં રહેતા અને જસાણી કોલેજમાં પ્રોફેસર તરીકે નોકરી કરતા પરસોતમભાઈ મોહનભાઈ ઉધાડ સામે ગાંધીગ્રામ પોલીસમાં નોંધાવી હતી જેમાં તેને જણાવ્યું હતું કે , 2017માં ફ્લેટ લેવો હોય રૂપિયાની જરૂરિયાત થતા લખાણ કરી 10 ટકે 5 લાખ લીધા હતા.જેનું રેગ્યુલર વ્યાજ ભરતો હતો 2021માં લખાણનો સમય પૂરો થઇ ગયો છે નવું લખાણ કરવું પડશે કહી 7 લાખનું લખાણ કરતા મેં ના પાડતા તું લખાણ નહિ કરે તો તને નોકરી કરવા જેવો નહિ રહેવા દઉં કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી 2022માં 4.60 લાખ ચૂકવી દીધા ચાહતા વધુ 13 લાખની પઠાણી ઉઘરાણી કરતા અને ચેક બાઉન્સની નોટીસ મોકલી મારા બે કાર્ડ પડાવી લઇ 28 હજાર ઉપાડી દીધા હતા. 5 લાખના 9.10 લાખ ચૂકવી દીધા છતાં 13 લાખ માંગી ધમકી આપતા હોવાથી ફરિયાદ નોંધાવી હતી.
ત્યારે પાંચમી ફરિયાદ આજીડેમ પોલીસમાં નોંધાઈ છે.જેમાં ત્રંબા ગામ ખાતે રહેતા અરજણભાઈ નાથાભાઈ માટે ફરિયાદમાં આરોપી તરીકે સરધાર ગામના પેથાભાઈ માયાભાઇ સુસરાનું નામ આપ્યું હતું જેમાં તેને જણાવ્યું હતું કે, તેને આરોપી પાસેથી 19 લાખ રૂપિયા વ્યાજે લીધા લીધા હતા જેને તેને સામે વ્યાજના 12 લાખ ચૂકવી દીધા હોવા છતાં પણ આરોપી 40 લાખ પડાવવા માટે તેને જાનથી મારી નાખવાની ધમકી આપતો હોવાથી તેને અંતે ફરિયાદ નોધાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.