ઝંડી, બેનર અને પોસ્ટર હટાવવાની કામગીરી સાંજ સુધીમાં પૂર્ણ કરી દેવાશે: કોર્પોરેશનના ડીએમસી સહિત અનેક અધિકારીઓના ચુંટણી ફરજના ઓર્ડર નિકળ્યા
ગુજરાત વિધાનસભાની સામાન્ય ચુંટણીની તારીખ જાહેર થતાની સાથે જ રાજયભરમાં ગઈકાલ બપોર આદર્શ આચારસંહિતા લાગુ થઈ જવા પામી છે. દરમિયાન મ્યુનિ. કમિશનર બંછાનિધી પાનીના આદેશના પગલે કોર્પોરેશન એસ્ટેટ શાખા દ્વારા ગઈકાલ બપોરથી જ શહેરના મુખ્ય ૪૮ રાજમાર્ગો પરથી રાજકીય પક્ષોની ઝંડીઓ, બેનરો અને પોસ્ટર ઉતારવાની કામગીરી પુરજોશમાં શરૂ કરી દેવામાં આવી છે. આજે બપોર સુધીમાં ૨૩૬૬ ઝંડી,બેનર અને પોસ્ટર હટાવી દેવામાં આવ્યા હતા. સાંજ સુધીમાં મોટાભાગની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવશે. ૪૮ મુખ્ય રાજમાર્ગો બાદ ઝંડીઓ, બેનર અને પોસ્ટર ઉતારવાની કામગીરી શરૂ કરાશે. બીજી તરફ મહાપાલિકાના ડીએમસી સહિતના અનેક અધિકારીઓને ચુંટણી ફરજના ઓર્ડર નિકળ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.
આ અંગે મહાપાલિકાના સુત્રો પાસેથી પ્રાપ્ત થતી વધુ વિગત અનુસાર ગુજરાત વિધાનસભાની ચુંટણીની તારીખો જાહેર થતાની સાથે જ આચારસંહિતા અમલમાં આવી ગઈ છે. જેને પગલે ૪૮ કલાકના સમય-મર્યાદામાં શહેરમાંથી રાજકીય પક્ષોની ઝંડી, બેનરો અને પોસ્ટરો હટાવવાની કામગીરી પૂર્ણ કરવાની હોય છે. ગઈકાલ બપોરથી એસ્ટેટ શાખા દ્વારા શહેરના ત્રણેય ઝોનમાં મુખ્ય રાજમાર્ગો જેવા કે યાજ્ઞિક રોડ, ટાગોર રોડ, જવાહર રોડ, કાલાવડ રોડ, યુનિવર્સિટી રોડ, ૧૫૦ ફુટ રીંગ રોડ, કુવાડવા રોડ, પેડક રોડ, સંતકબીર રોડ, રૈયારોડ, રેસકોર્સ રીંગ રોડ સહિતના ૪૮ રાજમાર્ગો પરથી ઝંડી, બેનર અને પોસ્ટરો ઉતારવાની કામગીરી શ‚ કરવામાં આવી છે. જેમાં આજે બપોર સુધીમાં ૧૭૯૧ ઝંડીઓ, ૫૫૦ બેનરો અને ૨૫ પોસ્ટરો હટાવી દેવામાં આવ્યા છે. ૯૦ ટકા જેટલી કામગીરી પૂર્ણ થઈ ગઈ છે બાકીની કામગીરી સાંજ સુધીમાં આટોપી લેવામાં આવશે. અત્યાર સુધી શહેરના સર્કલોને બેનરોનું ગ્રહણ લાગી ગયું હતું. બેનરો હટતાની સાથે જ સર્કલ ફરી ચોખ્ખા ચણા અને સુંદર લાગી રહ્યા છે.
મુખ્ય રાજમાર્ગો પરથી ઝંડી, બેનર અને પોસ્ટર ઉતારવાની કામગીરી પૂર્ણ થયા બાદ રાજકીય પક્ષોનું સાહિત્ય હટાવી દેવાની કામગીરી શરૂ કરવામાં આવશે. ચુંટણી જાહેર થતાની સાથે જ મેયર ડો.જૈમનભાઈ ઉપાધ્યાય, ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઈ પટેલ, શાસક પક્ષના નેતા અરવિંદભાઈ રૈયાણી અને વિરોધ પક્ષના નેતા વશરામભાઈ સાગઠીયા સહિતના પદાધિકારીઓએ પોતાને ફાળવવામાં આવેલી સરકારી ગાડીઓ અને મોબાઈલ ફોન જમા કરાવી દીધા હોવાનું જાણવા મળી રહ્યું છે.
મહાપાલિકાની સેન્ટ્રલ ઝોન કચેરીના ડેપ્યુટી મ્યુનિ.કમિશનર ચેતન નંદાણીને આદર્શ આચારસંહિતાની અમલવારી માટે બનાવવામાં આવેલી ટીમમાં ફરજ સોંપવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ઉપરાંત કોર્પોરેશનના અનેક કર્મચારીઓને ચુંટણીની ફરજ સોંપી દેવામાં આવી છે.
ચુંટણી જાહેર થતાની સાથે જ સરકારી કચેરીઓમાં સન્નાટો વ્યાપી જવા પામ્યો છે. તમામ વિભાગો ચુંટણીલક્ષી કામગીરીમાં જોતરાઈ ગયા છે. મહાપાલિકાના પદાધિકારીઓ અને નગરસેવકો પણ ચુંટણીલક્ષી કામગીરીમાં લાગી જતા કચેરીમાં ઉડે..ઉડે જેવી સ્થિતિ જોવા મળી રહી છે.