ઉપનેતા પદે શૈલેષભાઇ પરમારની નિયુક્તિ કરતું હાઇકમાન્ડ
ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા તરીકે કોંગ્રેસ હાઇકમાન્ડ દ્વારા પૂર્વ પ્રદેશ પ્રમુખ અમિતભાઇ ચાવડાની નિયુક્તિ કરવામાં આવી છે. જ્યારે ગૃહમાં વિપક્ષના ઉપનેતા તરીકે શૈલેષભાઇ પરમારની નિયુક્તિ કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.
ગુજરાત વિધાનસભાની ગત ચૂંટણીમાં કોંગ્રેસને કારમો પરાજય મળ્યો હતો. 2017માં 77 બેઠકો જીતનારી કોંગ્રેસ 2022માં માત્ર 17 બેઠકો પર સમેટાઇ ગઇ હતી. કુલ સભ્ય સંખ્યાના 10 ટકા બેઠકો હોય તો જ વિરોધ પક્ષની માન્યતા મળે તેવો ગુજરાત વિધાનસભામાં નિયમ ન હોવાના કારણે અન્ય પક્ષો કરતા કોંગ્રેસ પાસે શાસક પક્ષથી વધુ બેઠકો હોવાના કારણે તેને વિરોધ પક્ષનું પદ મળવાપાત્ર થાય છે. 15મી વિધાનસભાની રચનાના 35 દિવસ બાદ આજે કોંગ્રેસ હાઇકમાન્ડ દ્વારા વિધાનસભાના નેતા અને ઉપનેતાની નિયુક્તી કરવામાં આવી છે. વિધાનસભાના સચિવાલય વિભાગ દ્વારા તાજેતરમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશભાઇ ઠાકોરને પત્ર લખીને 19મી જાન્યુઆરી સુધીમાં પક્ષના નેતાનું નામ આપી દેવા તાકીદ કરવામાં આવી હતી. જેના પગલે પ્રદેશ કોંગ્રેસ થોડું જાગૃત થયું હતું. 17 ધારાસભ્યો પૈકી કોઇપણની વિપક્ષી નેતા તરીકે વરણી કરવામાં આવે તેવો નિર્ણય લઇ હાઇકમાન્ડને સંપૂર્ણ સત્તા આપી દેવામાં આવી હતી. દરમિયાન કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અમિતભાઇ ચાવડાની વિધાનસભાના વિરોધ પક્ષના નેતા તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. જ્યારે ઉપનેતા તરીકે સિનિયર ધારાસભ્ય શૈલેષભાઇ પરમારની નિયુક્તિ કરવામાં આવી છે.