જાહેર હરાજીમાં 47 પૈકી માત્ર 27 થડાંનું વેંચાણ: કોર્પોરેશનને 15 લાખની આવક
કોર્પોરેશન દ્વારા શહેરના રામનાથ પરામાં જૂના ઢોર-ડબ્બા ખાતે લાખો રૂપિયાના ખર્ચે ફૂલ બજારનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેમાં 47 થડાં બનાવવામાં આવ્યા છે. ફૂલના ધંધાર્થીઓને ફૂલ બજારમાં બેસવામાં રસ ન હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે અગાઉ હરાજી કરવા છતાં થડાંનું કોઇ લેવાલ થયું ન હતું. એક તરફ ફૂલ બજાર ખાલી ખમ્મ ભાસતી હતી.
બીજી તરફ રોડ પર ફૂલના વેપારીઓના અડ્ડા જામેલા જોવા મળતાં હતાં. દરમિયાન આજે ફરી એક વખત ફ્લાવર માર્કેટના 47 થડાંઓ માટે જાહેર હરાજી યોજવામાં આવી હતી. જેમાં 20 થડાંનું કોઇ જ લેવાલ થયું ન હતું. માત્ર 27 થડાંનું વેંચાણ થયું હતું અને કોર્પોરેશનને રૂ.15.04 લાખની આવક થવા પામી હતી.
આજે સવારે કોર્પોરેશનની સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે ફ્લાવર માર્કેટના 47 થડાંઓ માટે જાહેર હરાજી હાથ ધરવામાં આવી હતી. જેમાં ફૂલના ધંધાર્થીઓ પણ સિન્ડીકેટ રચીને આવ્યા હોય તેમ માત્ર 27 વેપારીઓએ જ હરાજીમાં ભાગ લીધો હતો અને 27 થડાંઓનું વેંચાણ થયું હતું. કોર્પોરેશનને રૂ.15.04 લાખની આવક થઇ હતી.